✅ ભારતનું પ્રોપર્ટી માર્કેટ હવે માત્ર ઝડપી વિસ્તાર સુધી મર્યાદિત નથી રહ્યું. ટકાઉ નિર્માણ, સ્માર્ટ ટેક્નોલોજી અને લાંબા ગાળાના શ્રેષ્ઠ પર્ફોર્મન્સ જેવા પાસાઓ હવે આ ક્ષેત્રની નવી ઓળખ
✅ બજાર હવે સપ્લાય-આધારિત મોડેલમાંથી બદલાઈને સંપૂર્ણપણે ‘એન્ડ-યુઝર’ અને ‘મૂલ્ય-આધારિત’ બન્યું
✅ કોમર્શીયલમાં પણ હવે માત્ર મોટા ફ્લોર એરિયાની જગ્યાએ ‘ગ્રીન સર્ટિફાઇડ’ અને ટકાઉ ઓફિસ સ્પેસની માંગ
વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહેલા અર્થતંત્રોમાં સ્થાન ધરાવતું ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર હવે એક પરિપક્વ તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યું છે. વર્ષોથી આ ઉદ્યોગમાં સફળતાનો માપદંડ કેટલા પ્રોજેક્ટ્સ લોન્ચ થયા કે કેટલી સ્ક્વેર ફીટ જગ્યા વેચાઈ તેના પરથી નક્કી થતો હતો. પરંતુ આજે આ ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. ખરીદદારો, રોકાણકારો અને કમર્શિયલ ગ્રાહકો હવે જથ્થા કરતા બાંધકામની ગુણવત્તા, ગ્રીન ડિઝાઇન, ટકાઉપણું (Sustainability) અને આધુનિક સુવિધાઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.
આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, વર્ષ ૨૦૨૬માં ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ આશરે ૫૮૫ બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે, જે ૨૦૩૧ સુધીમાં વધીને ૯૨૬ બિલિયન ડોલર થવાનો અંદાજ છે. પરંતુ આ આંકડાઓથી પણ વધુ રસપ્રદ બાબત એ છે કે, બજાર હવે સપ્લાય-આધારિત મોડેલમાંથી બદલાઈને સંપૂર્ણપણે ‘એન્ડ-યુઝર’ અને ‘મૂલ્ય-આધારિત’ બન્યું છે.
રિયલ એસ્ટેટના આ પરિવર્તનની સૌથી સ્પષ્ટ અસર હોમ બાયર્સની પસંદગીમાં જોવા મળી રહી છે. ઘરોના વેચાણમાં જોવા મળેલા સામાન્ય ઉતાર-ચઢાવ વચ્ચે પણ ગ્રાહકો પ્રીમિયમ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા મકાનો તરફ વધુ આકર્ષાયા છે.
ડેવલપર્સ પણ હવે માત્ર માર્કેટિંગ પબ્લિસિટી માટે સુવિધાઓ આપવાને બદલે રહેવાસીઓને ખરેખર શ્રેષ્ઠ અનુભવ મળે તેવા ઓછી ગીચતા વાળા (Low-density) પ્રોજેક્ટ્સ ડિઝાઇન કરી રહ્યા છે.
વાણિજ્યિક પ્રોજેક્ટ્સ (Commerical Spaces) માં પણ મોટો બદલાવ આવ્યો છે. વૈશ્વિક કંપનીઓ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) હવે માત્ર મોટા ફ્લોર એરિયાની જગ્યાએ ‘ગ્રીન સર્ટિફાઇડ’ અને ટકાઉ ઓફિસ સ્પેસની માંગ કરી રહ્યા છે.
વર્ષ ૨૦૧૯ પછી ભારતના મુખ્ય શહેરોમાં ‘ગ્રેડ-એ’ ગ્રીન-સર્ટિફાઇડ ઓફિસ સ્પેસમાં નોંધપાત્ર ૬૫% નો વધારો જોવા મળ્યો છે. મલ્ટિનેશનલ કંપનીઓ માટે ESG (એન્વાયર્નમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ) ના ધોરણો પૂર્ણ કરવા હવે માત્ર એક પસંદગી નથી પણ કરાર માટેની મુખ્ય જરૂરિયાત બની ગઈ છે. પરિણામે, જૂની અને બિન-પર્યાવરણલક્ષી ઇમારતોમાં વેકેન્સી (ખાલી જગ્યાઓ) વધી રહી છે, જ્યારે આધુનિક અને ઇકો-ફ્રેન્ડલી બિલ્ડિંગ્સ ઝડપથી લીઝ પર જઈ રહી છે.
ગુણવત્તા અને પારદર્શિતા લાવવામાં ડિજિટલ ટેક્નોલોજી સૌથી મહત્વનો ભાગ ભજવી રહી છે. પહેલાં જ્યાં નિર્માણ પૂરું થયા પછી ખામીઓ સામે આવતી હતી, ત્યાં હવે ટેક્નોલોજીના કારણે સાઇટ પર જ રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બન્યું છે.
ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવી રહેલો આ ફેરફાર માત્ર બજારનો વિકાસ નથી, પરંતુ એક સકારાત્મક સ્થ્યંતર છે. હવે ડેવલપર્સ માત્ર ઈંટો અને સિમેન્ટના માળખાં નથી ઊભા કરી રહ્યા, પરંતુ ગુણવત્તા, ટેક્નોલોજી અને ટકાઉપણું ધરાવતી ભવિષ્ય-લક્ષી અસ્કયામતો (Assets)નું નિર્માણ કરી રહ્યા છે.











Leave a Reply