Sampatti Times Real Estate Newspaper

Advertisement

લિફ્ટમાં જીવ ગયો તો દોષ કોનો?

Whose fault is it if someone dies in an elevator?

👉 કાયદાએ જવાબ સ્પષ્ટ કરી દીધો, હવે કોઈ બચી નહીં શકે જવાબદારીથી!
👉 લિફ્ટ હવે માત્ર મશીન નહીં… મુસાફરોની સલામતીની કાનૂની જવાબદારી ગણાશે
👉 લિફ્ટ અકસ્માતમાં એક નહીં, ત્રણેય પક્ષો સામે જવાબદારી નક્કી થઈ શકે છે
👉 માત્ર AMC કરાવી દેવાથી ફરજ પૂરી નહીં થાય… નિયમિત સલામતી જાળવવી પણ એટલી જ જરૂરી

રાજકોટ: રાજકોટમાં આજે મલ્ટીસ્ટોરી એપાર્ટમેન્ટ હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય કે ઓફિસ બિલ્ડિંગ… લિફ્ટ હવે વૈભવ નહીં, રોજિંદી જરૂરિયાત બની ગઈ છે. પણ જો લિફ્ટમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ? બિલ્ડર, મેન્ટેનન્સ કંપની કે બિલ્ડિંગનો માલિક? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જે હવે દેશભરના રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટર માટે માર્ગદર્શક બની રહેશે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે લિફ્ટ માત્ર મશીન નથી, પરંતુ “કોમન કેરિયર” છે. એટલે કે બસ, ટ્રેન કે ટેક્સીની જેમ તેમાં મુસાફરી કરનાર વ્યક્તિની સલામતીની સૌથી મોટી જવાબદારી સંબંધિત તમામ પક્ષોની છે. એટલે લિફ્ટ બનાવનારી કંપની, તેની મેન્ટેનન્સ કરતી એજન્સી અને બિલ્ડિંગના માલિક કે મેનેજમેન્ટ – ત્રણેય જવાબદારીમાંથી છટકી શકશે નહીં.
આ ચુકાદો વર્ષ 2003માં દિલ્હીના RAW મુખ્યાલયમાં બનેલા દુઃખદ લિફ્ટ અકસ્માતના કેસમાં આવ્યો છે. લિફ્ટમાં ખામી હોવા છતાં સમયસર જરૂરી સુધારા ન થતાં એક અધિકારીનું મૃત્યુ થયું હતું. સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારને મળનારા આશરે ₹3.01 કરોડના વળતરને યથાવત રાખ્યું અને જવાબદારીનો હિસ્સો પણ સ્પષ્ટ કર્યો – 70% લિફ્ટ કંપની, 25% મેન્ટેનન્સ એજન્સી અને 5% બિલ્ડિંગ મેનેજમેન્ટ પર.
હવે આ ચુકાદાનો સીધો અર્થ રાજકોટ જેવા ઝડપથી ઊંચે વિકસતા શહેર માટે પણ છે. આજે નવા પ્રોજેક્ટમાં આકર્ષક એલિવેશન સાથે હાઈ-સ્પીડ લિફ્ટ તો મુકાય છે, પરંતુ તેની નિયમિત સર્વિસ, સલામતીની તપાસ અને સમયસરના રિપેરને પણ એટલું જ મહત્વ આપવું પડશે. માત્ર AMC કરાવી દેવાથી જવાબદારી પૂરી થઈ જાય એવું હવે માનવામાં નહીં આવે.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો માત્ર કાયદાનો નિર્ણય નથી, પરંતુ બિલ્ડર્સ, સોસાયટી મેનેજમેન્ટ અને લિફ્ટ કંપનીઓ માટે સ્પષ્ટ સંદેશ છે – લિફ્ટની સલામતી હવે વિકલ્પ નહીં, કાનૂની ફરજ છે. અને ઘર કે ઓફિસ ખરીદનાર દરેક વ્યક્તિ માટે પણ આ એક યાદ અપાવનારી વાત છે કે પ્રોજેક્ટ પસંદ કરતી વખતે માત્ર ડિઝાઇન નહીં, સેફ્ટી સિસ્ટમ પણ એટલી જ જરૂરી છે.

⚠️ લિફ્ટમાં ચઢતા પહેલાં આ 5 બાબતો એકવાર જરૂર જોવી…
✔️ લિફ્ટનું દરવાજું સરખું બંધ થાય છે કે નહીં?
✔️ અંદર Overload અથવા Error Message તો દેખાતો નથી ને?
✔️ છેલ્લા સર્વિસિંગનું સ્ટિકર અથવા તારીખ લગાવેલી છે?
✔️ લિફ્ટમાંથી અસામાન્ય અવાજ કે ઝટકા તો નથી આવતા?
✔️ કોઈ ખામી લાગે તો તરત સોસાયટી અથવા મેનેજમેન્ટને જાણ કરો… “એકવાર ચાલશે” એવું ક્યારેય ન વિચારો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *