Sampatti Times Real Estate Newspaper

Advertisement

કોમર્શિયલ બાંધકામમાં ૧.૫ ના બદલે ૨ મીટર પહોળી સીડી બનાવવી ફરજિયાત

It is mandatory to make stairs 2 meters wide instead of 1.5 meters in commercial construction.

✅ રાજ્યમાં ફાયર સેફટીના નિયમોને વધુ કડક બનાવતી સરકાર

✅ ઊંચાઈની મર્યાદા દૂર કરી તમામ કોમર્શિયલ બિલ્ડિંગો માટે એકસરખો નિયમ

✅ રહેણાંક બંગલા અને ટેનામેન્ટની ઊંચાઈ અંગે પણ કડક પ્રસ્તાવ

રાજ્ય સરકાર દ્રારા ફાયર સેફટીના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. બિલ્ડિંગ અને ખાસ કરીને કોમર્શિયલ બિલ્ડિંગમાં આગજનીની ઘટના બને તે સમયે જાનહાની અટકાવી શકાય તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા CGDCR (કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન) ના નિયમોમાં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા પ્રસ્તાવ મુજબ હવે તમામ કોમર્શિયલ ઈમારતોમાં સીડીની પહોળાઈ ઓછામાં ઓછી ૨ મીટર રાખવી ફરજિયાત કરવામાં આવશે.

જૂના CGDCR નિયમો અનુસાર, ૨૫ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી કોમર્શિયલ ઈમારતો માટે સીડીની પહોળાઈ ૧.૫ મીટર રાખવાની છૂટ હતી, જ્યારે ૨૫ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઈમારતો માટે જ ૨ મીટર પહોળી સીડીનો નિયમ લાગુ પડતો હતો. પરંતુ નવા નોટિફિકેશન મુજબ, હવે ઈમારતની ઊંચાઈ ગમે તેટલી હોય—નાના શોપિંગ કોમ્પ્લેક્સથી લઈને મલ્ટી-સ્ટોરી ઈમારતો સુધી—તમામ કોમર્શિયલ બાંધકામોમાં ૨ મીટર પહોળી સીડી બનાવવી પડશે. સરકારે આ સુધારા અંગે નાગરિકો અને બિલ્ડરો પાસેથી વાંધા અને સૂચનો પણ મંગાવ્યા છે.

શહેરી વિસ્તારોમાં સ્થિત કોમર્શિયલ બિલ્ડિંગોમાં માત્ર ઓફિસો અને દુકાનો જ નહીં, પરંતુ રેસ્ટોરન્ટ્સ, કોચિંગ ક્લાસીસ અને અન્ય વ્યાપારિક સંસ્થાઓ હોવાથી રોજેરોજ હજારો લોકોની અવરજવર રહે છે. કોઈપણ કટોકટી કે આગ જેવી પરિસ્થિતિમાં જ્યારે એકસાથે મોટી સંખ્યામાં લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરે, ત્યારે ૧.૫ મીટરની સાંકડી સીડીમાં ભાગદોડ મચવાની શક્યતા રહે છે. સીડીની પહોળાઈ ૨ મીટર કરવાથી ઈમરજન્સી વખતે લોકો ઝડપથી નીચે ઉતરી શકશે અને ફાયર બ્રિગેડના જવાનો માટે પણ રાહત કામગીરી સરળ બનશે.

કોમર્શિયલ બાંધકામ સિવાય સરકારે રહેણાંક ઈમારતો માટે પણ મહત્વના ફેરફારો પ્રસ્તાવિત કર્યા છે. હવે ૧૨ મીટર સુધીની ઊંચાઈ (આશરે ૩ માળ) ધરાવતી ઈમારતને જ ‘બંગલો/ટેનામેન્ટ’ ગણવામાં આવશે. ૧૨ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ રહેણાંક બાંધકામોને ‘એપાર્ટમેન્ટ’ની શ્રેણીમાં મુકાશે, જેથી તેમણે કડક ફાયર સેફ્ટી, માર્જિનની જગ્યા અને એન.ઓ.સી. ના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે.

આ નવા સુધારાઓથી રાજ્યના શહેરી વિસ્તારોમાં બાંધકામની ગુણવત્તા વધશે અને નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *