Sampatti Times Real Estate Newspaper

Advertisement

એસ્ટેટ બ્રોકર તરીકે સફળ થવાનું આ સંપત્તિ પુરાણ

This wealth myth to succeed as an estate broker

👉 નવા જુવાનિયાઓ માટે: રિયલ એસ્ટેટનો ધંધો, દલાલી નહીં, પણ દિલ જીતવાનો!
👉 ખૂબ કમાવો, પણ ભરોસો કમાઓ; ભરોસાનું રોકાણ જ સૌથી મોટી કમાણી
👉 સોદામાં પ્રામાણિકતા; ભલે નાનો ધંધો, પણ નામ મોટું!
👉 દલાલ નહીં, ગાઈડ બનો; કમાણી કરતાં સંબંધો પાકા કરો!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે રિયલ એસ્ટેટના ધંધામાં સાચા રાજા કોણ હોય? જે સૌથી મોટો બંગલો વેચે એ? કે જે સૌથી વધુ જાહેરાત આપે એ? સાંભળી લ્યો, અહીં ખાલી મકાનો વેચવાનાં નથી, અહીં તો લોકોનાં સપનાં સાકાર કરવાના છે. સૌરાષ્ટ્રની પ્રજા સીધી ને સાચી. સૌરાષ્ટ્રમાં ધંધો ભરોસાથી હાલે છે. એકવાર ભરોસો બેસી જાય ને, પછી એ આખી પેઢી તમારી પાસે જ આવશે. તમારામાં જોમ અને જુસ્સો છે. આને સાચા રસ્તે વાળી દો. પછી જોજો, રિયલ એસ્ટેટની આખી દુનિયા તમારા ખીસ્સામાં આવી જશે. તો આજનો આર્ટીકલ નવયુવાનો માટે, જેમને ધંધામાં ઝંડા ગાડવા છે તેમને માટે.

ગુરુમંત્ર: તમારા બોલ, એ જ તમારી બ્રાન્ડ

આપણે સૌરાષ્ટ્રના માણસો, બોલ્યા બોલને વળગી રહેનારા. અહીં ખોટાં વચનનો ધંધો ન હાલે. જો કોઈ ગ્રાહકને કોઈ મકાન ગમતું હોય, પણ એમાં ક્યાંય ખામી હોય તો સ્પષ્ટપણે કહી દેવાનું. “ભાઈ, આમાં આ બાબતે વિચારજો, બીજે હજુ જોવું હોય તો જોજો.” બે-પાંચ સો રૂપિયાનો ફાયદો ઓછો થશે, પણ લોકોની નજરમાં તમારી ઈજ્જત વધી જશે. યાદ રાખજો, આબરૂ કમાતાં વર્ષો લાગે ને ગુમાવતાં એક સેક્ધડ. તમારા બોલ, એ જ તમારી બ્રાન્ડ છે.

પ્રો-ટીપ: ભોમિયા – સાવજ બનો!

તમે બધા જુવાનિયાં છો, એટલે મોબાઈલ ને સોશિયલ મીડિયા તો તમારા હાથમાં જ હોય. પણ એનો ઉપયોગ ખાલી લિસ્ટિંગ મૂકવા માટે ન કરો. જરા હટકે વિચારો અને કંઈક નવું કરો.

ફક્ત મકાન નહીં, શહેર બતાવો: તમારા ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર ખાલી ફ્લેટના ફોટા ન મૂકો. રાજકોટની જાણીતી જગ્યાઓ, નવા બગીચા, કે સ્થાનિક ઉત્સવો વિશે માહિતી આપો. આનાથી લોકો તમને ખાલી એસ્ટેટ બ્રોકર તરીકે નહીં, પણ રાજકોટના “જાણકાર” તરીકે ઓળખશે.

રિયલ એસ્ટેટની ટિપ્સ શેર કરો: ટૂંકા વિડીયો બનાવીને સમજાવો કે “પ્લોટ લેતી વખતે ક્યાંય ભરાઈ ન જવાય એનું ધ્યાન રાખવું” કે “લોન લેવામાં ક્યાંય ખોટા દસ્તાવેજ ન અપાઈ જાય.” તમારી સરળ અને તળપદી ભાષા લોકોને ગમી જશે.

ગામ ગલીએ રખડજો: શરૂઆતમાં કોઈ એક વિસ્તાર પકડી લો, જેમ કે કાલાવડ રોડ કે વાવડી. ત્યાંની દરેક ગલી, દરેક સોસાયટી તમારી આંગળીના ટેરવે હોવી જોઈએ. સવાર-સાંજ ત્યાં આંટો મારો. કોઈ મોટો માલધારીનો દીકરો તમને જોઈને બોલાવે, કે કોઈ ખેડૂત સાથે ચા પીઓ, એ જ તમારી અસલ કમાણી છે.

ધંધો બાજુએ, સંબંધો પાકા: ખાલી ધંધાની વાત ન કરો. કોઈને પાણીની જરૂર હોય તો પાઈ દેજો, કોઈ વડીલને મદદ કરજો. આ બધી નાની નાની વાતો ભલે તમને લાગે કે આનાથી શું ફરક પડશે, પણ આનાથી જ લોકોના દિલમાં તમારી જગ્યા બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *