દિવાળી પહેલા મોદી સરકારનો અનોખો ‘ગિફ્ટ પ્લાન’
👉 જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી; બાંધકામ ઉદ્યોગમાં મોટી રાહતની આશા
👉 સિમેન્ટ પર ટેક્સ ઘટશે, બાંધકામ ખર્ચ ઘટશે; હાઉસિંગ માર્કેટમાં નવા પ્રાણ ફૂંકાશે
👉 ગુજરાતના ઘર ખરીદદારોને GST અને રેપોરેટનો સંયુક્ત લાભનો મળશે સીધો ફાયદો
👉 નવરાત્રી અને દિવાળી જેવા મોટાં તહેવારોમાં ઘરનું સપનું સાકાર કરવાનો શ્રેષ્ઠ સમય
રાજકોટ: સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા GST કાઉન્સિલની બેઠક યોજાઈ રહી છે, જેના પર સમગ્ર દેશની નજર છે. આ બેઠકમાં સિમેન્ટ અને અન્ય બાંધકામ સામગ્રી પર GSTના દરોમાં ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે, જે ઘર ખરીદનારાઓ માટે એક મોટી રાહત બની શકે છે. આ સાથે જ, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તાજેતરમાં રેપોરેટમાં કરાયેલા ઘટાડાને કારણે હાઉસિંગ લોન પર વ્યાજ દર પણ ઘટ્યા છે. આ બે મુખ્ય પરિબળોનો સંયુક્ત લાભ ઘર ખરીદદારો માટે ‘ડબલ ધમાકા’ જેવો સાબિત થશે.
વર્તમાન સમયમાં સિમેન્ટ જેવી કેટલીક પ્રોડક્ટ્સ પર 28% જેટલો ઊંચો GST દર લાગે છે. આ દર સીધી રીતે બાંધકામનો ખર્ચ વધારે છે. જોકે, GST કાઉન્સિલ સિમેન્ટ પરનો આ દર ઘટાડીને 18% કરવા અંગે વિચારણા કરી રહી છે. આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ છે: લોકોને સપનાનું ઘર સસ્તું બનાવવું અને આર્થિક ગતિવિધિઓને વેગ આપવો. આ નિર્ણયને ‘નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ’ તરીકે જોવામાં આવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય મધ્યમ વર્ગને સીધી રાહત આપવાનો છે.
આર્થિક નિષ્ણાતો માને છે કે સિમેન્ટ પર GST 28% થી ઘટાડીને 18% કરવાથી બાંધકામનો કુલ ખર્ચ 2 થી 3 ટકા જેટલો ઘટી શકે છે. આનાથી સીધો ફાયદો ઘરની કિંમતમાં ઘટાડા રૂપે થશે, જે ઘર ખરીદવાની ઈચ્છા ધરાવતા મધ્યમ વર્ગ માટે ખૂબ જ રાહતરૂપ છે. ગુજરાત જેવા રાજ્યોમાં જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગતિશીલતા છે, ત્યાં આ નિર્ણય બજારને વધુ વેગ આપશે. આ ઘટાડાને કારણે ઘરની કિંમતમાં 2 થી 4% જેટલો ઘટાડો થવાની શક્યતા છે.
આ સાથે જ, RBI દ્વારા રેપોરેટમાં ઘટાડો થવાથી બેંકો માટે ધિરાણ લેવાનું સસ્તું બન્યું છે, જેનો લાભ તેઓ ગ્રાહકોને સસ્તા દરે હોમ લોન આપીને આપી શકે છે. નીચા વ્યાજદરનો અર્થ એ છે કે, લોન લેનારા ગ્રાહકોએ ઓછી માસિક હપ્તાની (EMI) ચૂકવણી કરવી પડશે અને લોન પર ચૂકવવામાં આવતું કુલ વ્યાજ પણ ઘટશે.
આ બંને નિર્ણયો માત્ર ઘર ખરીદનારાઓને જ નહીં, પરંતુ રાજકોટ, અમદાવાદ, અને સુરત જેવા શહેરોમાં લાંબા સમયથી સ્થગિત થયેલા પ્રોજેક્ટ્સને પણ વેગ મળશે. સસ્તા ઘર અને સરળ લોન મળવાથી બજારમાં માંગ વધશે. રિયલ એસ્ટેટ ઉદ્યોગના વિકાસથી સિમેન્ટ, રેતી, કપચી, ફર્નિચર, ઇલેક્ટ્રિકલ સહિતના સંલગ્ન વ્યવસાયોને પણ વેગ મળશે. ખાસ કરીને, સંખ્યાબંધ કોન્ટ્રાક્ટરો અને કારીગરો જે નવા કામની શોધમાં છે, તેમના માટે રોજગારીની નવી તકોનું આશાસ્પદ વાતાવરણ ઊભું થવાની સંભાવના છે. આમ, દિવાળી પહેલાં આ નિર્ણયની જાહેરાત થાય તો તે ખરેખર ગુજરાતના ઘર ખરીદનારાઓ માટે ‘ડબલ ધમાકા’ જેવું સાબિત થશે.












Leave a Reply