‘હેલ્થ ઈઝ વેલ્થ’: આર્થિક સમૃદ્ધિની દોડમાં શારીરિક સ્વાસ્થ્યનું સાચું સરનામું એટલે ‘હેલ્થ ટાઈમ્સ’
લક્ષ્મી મેળવવા જેટલી મહેનત કરીએ છીએ, તેટલી જ મહેનત સ્વાસ્થ્ય મેળવવા અને જાળવવા માટે પણ કરવી પડશે; સ્વાસ્થ્યએ મહામૂલી સંપત્તિ છે : ડૉ. પ્રતિક્ષા દેસાઈ
સંપત્તિ સર્જનની સાથે આરોગ્ય જાળવણીનો નવો અધ્યાય નિષ્ણાત ડૉ. પ્રતિક્ષા દેસાઈને સંગ સ્વાસ્થ્યની દરકાર માટે ‘સંપત્તિ ટાઈમ્સ’ પીરસશે ઓથેન્ટિક હેલ્થ ગાઈડન્સ અને મેડિકલ સાયન્સનો સચોટ સમન્વય
૨૭ વર્ષનો બહોળો તબીબી અનુભવ ધરાવતા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ આયુર્વેદિક ગાયનેકોલોજીસ્ટનો ડૉ. પ્રતિક્ષા દેસાઈ ‘હેલ્થ ટાઈમ્સ’ના મેનેજિંગ એડિટર તરીકે જોડાયા
‘સંપત્તિ ટાઈમ્સ’ના તંત્રી પ્રવીણ શિંગાળાના પોઝીટીવ અને ઇન્ફર્મેટીવ અભિગમથી પ્રભાવિત થઈને ડૉ. પ્રતિક્ષા દેસાઈએ સમાજના સ્વાસ્થ્ય માટે ‘હેલ્થ ટાઈમ્સ’ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો
પ્રવીણ શિંગાળા અને ડૉ. પ્રતિક્ષા દેસાઈ વચ્ચેની ૬ મહિનાની ગહન ચર્ચા-વિચારણા અને ઊંડાણપૂર્વકના આયોજન બાદ નાગરિકોના સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન ‘હેલ્થ ટાઈમ્સ’ આવૃત્તિનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે
રાજકોટ: રિયલ એસ્ટેટ અને આર્થિક રોકાણના ક્ષેત્રમાં કાઠિયાવાડનું અગ્રેસર મેગેઝીન ‘સંપત્તિ ટાઈમ્સ’ હવે વાચકોના સર્વાંગી વિકાસ માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવી રહ્યું છે. આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવાની આંધળી દોડમાં મનુષ્ય ઘણીવાર પોતાના અમૂલ્ય સ્વાસ્થ્યને પાછળ છોડી દે છે. પરંતુ, “પહેલું સુખ તે જાતે નર્યા”. લાખો રૂપિયા કમાયા પછી પણ જો તેને માણવા માટે શરીર સ્વસ્થ ન હોય, તો તે સંપત્તિ વ્યર્થ છે. આ જ વિચારધારાને સાર્થક કરવા અને વાચકોને મેડિકલ સાયન્સની ઓથેન્ટિક માહિતી પૂરી પાડવા માટે ‘સંપત્તિ ટાઈમ્સ’ દ્વારા ‘હેલ્થ ટાઈમ્સ’ નામની નવી આવૃત્તિ શરૂ કરવામાં આવી છે. આ ‘હેલ્થ ટાઈમ્સ’ના મેનેજિંગ એડિટર તરીકે ૨૭ વર્ષનો બહોળો તબીબી અનુભવ ધરાવતા નિષ્ણાત ડૉ. પ્રતિક્ષા દેસાઈ જોડાયા છે.

આજના ડિજિટલ યુગમાં લોકો સામાન્ય બીમારીમાં પણ નિષ્ણાત ડોક્ટર પાસે જવાને બદલે ગૂગલ કે સોશિયલ મીડિયાનો સહારો લે છે. ડૉ. પ્રતિક્ષા દેસાઈ ધ્યાન દોરતા જણાવે છે કે AI કે ઇન્ટરનેટનો ડેટા ઘણીવાર અધૂરો અથવા ખોટો હોય છે, જે દર્દીઓને સાચું માર્ગદર્શન આપવાને બદલે તેમના મનમાં નેગેટિવિટી અને સ્ટ્રેસ વધારે છે. હંમેશા સાયન્ટિફિક અને મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા ડોક્ટર પાસેથી સાચી સલાહ લઈને સચોટ ઈલાજ કરાવવો જોઈએ.
આયુર્વેદ વિશે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરતા તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે આયુર્વેદ ધીમું રિઝલ્ટ આપે છે તેવું ક્યાંય લખેલું નથી. તે આપણી સંસ્કૃતિનું મૂળ વિજ્ઞાન છે અને જો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો તે ખૂબ જ ઝડપી અને જડમૂળથી રિઝલ્ટ આપે છે. ખાસ કરીને મહિલાઓમાં વધતા જતા હોર્મોનલ પ્રોબ્લેમ્સ, PCOS, અને કેન્સર પાછળ ખામીયુક્ત લાઈફસ્ટાઈલ જ મુખ્યત્વે જવાબદાર છે, જેને દિનચર્યાના નાના ફેરફારોથી સુધારી શકાય છે.
શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા તેઓ જણાવે છે કે કોઈપણ રોગનો શરીરમાં પ્રવેશ મનથી થાય છે. આજના ફાસ્ટ લાઈફમાં ૨૪ કલાકમાંથી માત્ર ૧૦ મિનિટ પોતાના માટે ફાળવીને અનિદ્રા, સ્ટ્રેસ, અને ઇરીટેશન જેવી માનસિક બીમારીઓથી બચી શકાય છે. જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પાયાને સંતુલિત કરીને જ નીરોગી સ્વાસ્થ્ય, સાચી હસી-ખુશી અને પ્રસન્નતાનો અહેસાસ પ્રાપ્ત કરી શકાશે.

હેલ્થ ડાયલોગ: ડૉ. પ્રતિક્ષા દેસાઈ સાથે સીધી વાત
પ્રશ્ન ૧: આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં વધતી માનસિક સમસ્યાઓનું મૂળ કારણ શું છે અને તેનો ઉપાય શું?
ડૉ. પ્રતિક્ષા દેસાઈ: આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે કોઈપણ શારીરિક રોગનું મૂળ કારણ આપણું મન છે. આજના ફાસ્ટ જીવનમાં અનિદ્રા, સતત વિચારો આવવા, મેમરી ઘટવી કે ગુસ્સો આવવો સામાન્ય બની ગયું છે. મારો આગ્રહ છે કે ૨૪ કલાકમાંથી માત્ર ૧૦ મિનિટ પોતાના માટે ફાળવો. અમે ‘હેલ્થ ટાઈમ્સ’માં સ્ટ્રેસ ફ્રી રહેવાના અને માનસિક શાંતિ મેળવવાના આવા અત્યંત સરળ ઉપાયો નિયમિત આપતા રહીશું.
પ્રશ્ન ૨: આજની પેઢી માટે ‘ગર્ભસંસ્કાર’ શા માટે જરૂરી છે અને તેનાથી શું ફાયદો થાય છે?
ડૉ. પ્રતિક્ષા દેસાઈ: ગર્ભસંસ્કાર એ માત્ર ગીતા વાંચવી કે હવન કરવા પૂરતો સીમિત નથી, તે એક વિધિવત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. પ્રેગ્નેન્સી દરમિયાન માતાની માનસિકતા અને વિચારધારાને નિયંત્રિત કરી યોગ્ય ક્રિયા-પ્રક્રિયાઓ દ્વારા બાળકના જીનેટિક લેવલ પર અમે સકારાત્મક પરિણામો લાવી શકીએ છીએ. આનાથી આવનાર બાળકને ઓટીઝમ અને ADHD જેવી બીમારીઓથી બચાવીને નીરોગી, તંદુરસ્ત શરીર તેમજ પ્રબળ બુદ્ધિ ક્ષમતા વિકસાવી શકાય છે.
પ્રશ્ન ૩: વંધ્યત્વ (Infertility) ના વધતા કેસોમાં આયુર્વેદ અને આધુનિક સાયન્સ કેવી રીતે મદદરૂપ થાય છે?
ડૉ. પ્રતિક્ષા દેસાઈ: હાલમાં ૧૦૦ માંથી ૩૦ દંપતીઓ પ્રાકૃતિક રીતે સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. પરંતુ મારી ૨૭ વર્ષની પ્રેક્ટિસના આધારે ચોક્કસ કહીશ કે, આયુર્વેદના પંચકર્મ અને લાઈફસ્ટાઈલ ચેન્જીસથી નેચરલી બાળક પ્રાપ્ત કરી શકાય છે. જો પ્રોબ્લેમ મોટો હોય, તો આજના આધુનિક રિસર્ચ અને શ્રેષ્ઠ IVF ટેકનોલોજીના સમન્વયથી અશક્યને પણ શક્ય બનાવી દંપતીઓના જીવનમાં ખુશીઓ લાવી શકાય છે.
પ્રશ્ન ૪: આજકાલ બહેનોમાં PCOS અને હોર્મોનલ સમસ્યાઓ કેમ વધી રહી છે, તેનાથી બચવા શું કરવું?
ડૉ. પ્રતિક્ષા દેસાઈ: આજના સમયમાં બહેનોમાં હોર્મોન્સની અનિયમિતતા, PCOS, ગર્ભાશયની ગાંઠો અને કેન્સર જેવી ગંભીર સમસ્યાઓનું મુખ્ય કારણ આપણી બદલાતી લાઈફસ્ટાઈલ છે. એક ગાયનેકોલોજીસ્ટ તરીકે મારી સલાહ છે કે દિનચર્યામાં નાના ફેરફારો કરીને, યોગ્ય તકેદારી રાખીને અને ઉપલબ્ધ વેક્સિનનો સાચો ઉપયોગ કરીને આ મોટી સમસ્યાઓથી સરળતાથી બચી શકાય છે.
પ્રશ્ન ૫: અલગ-અલગ ચિકિત્સા પદ્ધતિઓ (આયુર્વેદ, એલોપેથી વગેરે) માંથી દર્દીએ કોની પસંદગી કરવી જોઈએ?
ડૉ. પ્રતિક્ષા દેસાઈ: જુઓ, આયુર્વેદ, એલોપેથી કે હોમિયોપેથી – આ તમામની પોતાની એક આગવી ઓળખ અને સિસ્ટમ છે, તેમની વચ્ચે ક્યારેય કોઈ સરખામણી થઈ શકે નહીં. મારું વિઝન એ જ છે કે ‘હેલ્થ ટાઈમ્સ’ના માધ્યમથી દર્દીઓને ક્યાં ઘરગથ્થુ ઉપચાર, ક્યાં આયુર્વેદ અને ક્યાં મોડર્ન સાયન્સની જરૂર છે, તેનું એકદમ પ્રામાણિક અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવું.
‘હેલ્થ ટાઈમ્સ’ના વિચારનું બીજ અને ૬ મહિનાનું આયોજન
B.A.M.S. (ગોલ્ડ મેડલિસ્ટ) અને ગાયનેકમાં M.D. થયેલા ડૉ. પ્રતિક્ષા દેસાઈ ૨૭ વર્ષનો બહોળો તબીબી અનુભવ ધરાવે છે. તેઓ રાજકોટ ખાતે પાયલ મેટરનિટી હોમ અને રેડસ્ટોન આયુર્વેદાના ડિરેક્ટર છે. સૌરાષ્ટ્રના બેસ્ટ ગાયનેક હોસ્પિટલ સહિત અનેક એવોર્ડ્સથી સન્માનિત ડૉ. પ્રતિક્ષા દેસાઈ હવે લોકોને સચોટ માર્ગદર્શન પૂરું પાડવા ‘હેલ્થ ટાઈમ્સ’ના મેનેજિંગ એડિટર તરીકે જોડાયા છે. ડૉ. પ્રતિક્ષા દેસાઇએ ‘હેલ્થ ટાઈમ્સ’નું વિચારબીજ વાવવા અંગે વાત કરતાં જણાવ્યું કે, “‘સંપત્તિ ટાઈમ્સ’ના તંત્રી પ્રવીણ શિંગાળા સાથે અમારે પારિવારિક સંબંધો છે. તેઓ જે રીતે સમાજમાં આટલું પોઝિટિવ અને ઇન્ફર્મેટીવ પેપર ચલાવી રહ્યા છે, તે જોઈને મને વિચાર આવ્યો કે આપણે પણ લોકોના સ્વાસ્થ્ય માટે આવું જ એક સકારાત્મક ‘હેલ્થ ટાઈમ્સ’ શરૂ કરવું જોઈએ. મેં આ પ્રસ્તાવ મૂક્યો સંપત્તિ ટાઈમ્સ પરિવારે હર્ષભેર વધાવી લીધો. છેલ્લા ૬ મહિનાની અમારી ગહન ચર્ચા-વિચારણા અને ઊંડાણપૂર્વકના આયોજનના ફળસ્વરૂપે આ આવૃત્તિ પ્રકાશિત કરવાનો પ્રયાસ સાર્થક થઈ રહ્યો છે.”












Leave a Reply