👉 સરકાર માટે આવકનો મહત્વપૂર્ણ અને મજબૂત સ્ત્રોત સમાન રાજકોટ સબ-રજિસ્ટ્રાર કચેરીની હાલતમાં સુધારો કેમ નહીં?
👉 અદ્યતન અને સ્માર્ટ કચેરી તો એક તરફ, અહીં તો શૌચાલય અને વેઇટિંગ એરિયા જેવી પાયાની સુવિધા પણ નથી
👉 સબ-રજિસ્ટ્રાર કચેરીની ખરાબ હાલત અંગે રાજકોટના અગ્રણી બિલ્ડરો, ડેવલોપર્સ, વકીલો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતોએ ‘સંપત્તિ ટાઇમ્સ’ સાથે મનની વાત કરી
રાજકોટની સબ-રજિસ્ટ્રાર કચેરી, જે સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજ નોંધણી દ્વારા કરોડોની આવક રળી આપે છે, તેની હાલત અત્યંત દયનીય છે. શહેરની સબ-રજિસ્ટ્રાર કચેરીની આ હાલત અંગે ‘સંપત્તિ ટાઇમ્સ’ને શહેરના અગ્રણી ડેવલપર્સ, બિલ્ડર્સ અને વકીલોએ અભિપ્રાય આપીને તંત્રની ઉદાસીનતા સામે નારાજગી વ્યક્ત કરી છે. કચેરીની હાલત એટલી ખરાબ છે કે પાયાની સુવિધાઓનો પણ અભાવ છે, જેના કારણે અરજદારો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
અહીં સૌથી મોટી સમસ્યાઓ પૈકીની એક કનેક્ટિવિટીની છે. વારંવાર સર્વર ડાઉન થવાના કારણે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં વિલંબ થાય છે, જેના લીધે અરજદારો અને વકીલોના કિંમતી સમયનો વ્યય થાય છે. આ ઉપરાંત, કચેરીની ઇમારત જર્જરિત અને કન્જેસ્ટેડ છે. કચેરીમાં પાર્કિંગ, વેઇટિંગ એરિયા અને સ્વચ્છ શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી. અરજદારોને તડકામાં કે વરસાદમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે. કચેરીમાં સફાઈનો અભાવ છે અને ગંદકીના કારણે આરોગ્ય માટે પણ તે જોખમી છે.
રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા આ અગ્રણીઓના મતે આ કચેરી માત્ર દસ્તાવેજ નોંધણીનું સ્થળ નથી, પરંતુ શહેરના વિકાસનું પ્રતિબિંબ છે. સરકાર જ્યારે ‘સ્માર્ટ’ કચેરીઓ બનાવવાની વાત કરે છે, ત્યારે માતબર આવક આપતી કચેરીની આવી હાલત ચિંતાજનક છે. તંત્રએ તાત્કાલિક ધોરણે આ કચેરી માટે મોટી જગ્યા ફાળવી, આધુનિક સુવિધાઓ જેવી કે મજબૂત સર્વર, સુરક્ષિત પાર્કિંગ, સ્વચ્છ વાતાવરણ અને બેઠક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. આ પગલાંથી નાગરિકોને સુવિધા મળશે અને સરકાર પ્રત્યેનો વિશ્વાસ પણ વધશે. તેવું ડેવલપર્સ અને અન્ય અગ્રણીઓએ જણાવ્યું હતું.

ડિજિટલ યુગમાં પણ સબ રજીસ્ટ્રાર કચેરીમાં વારંવાર ડાઉન થતું સર્વર: પ્રિતેશભાઇ પટેલ
👉 આટલી મોટી આવક આપતી કચેરી પાસે સુરક્ષિત અને પર્યાપ્ત પાર્કિંગ ન હોવું એ તંત્રની બેદરકારી
👉 સબ રજીસ્ટાર કચેરીને ખરેખર ‘સ્માર્ટ’ બનાવવા પ્રથમ અહીં પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી
જાણીતા ડેવલોપર પ્રિતેશભાઇ પટેલ જણાવે છે કે, “આજે ડિજિટલ યુગમાં પણ રાજકોટની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વારંવાર સર્વર ડાઉન થાય છે. જ્યારે સરકાર ડિજિટલ ઈન્ડિયાની વાત કરે છે, ત્યારે આ કચેરીની કનેક્ટિવિટીની સમસ્યા જોઈને આશ્ચર્ય થાય છે. દસ્તાવેજ નોંધણી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં જો સર્વર વારંવાર ખોરવાય, તો કામ અટકી જાય છે અને લોકોનો કિંમતી સમય બરબાદ થાય છે. આ એક ગંભીર સમસ્યા છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.
તેઓ વધુમાં કહે છે કે, કચેરીમાં યોગ્ય પાર્કિંગની સુવિધા નથી. અરજદારોને પોતાના વાહનો બહાર પાર્ક કરવા પડતા હોય અને અહીં સિકયુરિટી ગાર્ડ પણ નથી જેથી વાહનમાંથી સામાન અને વાહન ચોરીનો ભય રહે છે. આટલી મોટી આવક આપતી કચેરી પાસે સુરક્ષિત અને પર્યાપ્ત પાર્કિંગ ન હોવું એ તંત્રની બેદરકારી દર્શાવે છે. જો સરકાર આ કચેરીને ખરેખર ‘સ્માર્ટ’ બનાવવા માંગતી હોય, તો સર્વર, કનેક્ટિવિટી અને પાર્કિંગ જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ.

સામાન્ય ખર્ચમાં અસામાન્ય આવક આપતી આ કચેરી સુવિધાવિહોણી કેમ? હર્ષદભાઇ પટેલ
👉 સબ રજીસ્ટ્રાર કચેરી એટલી કંજેસ્ટેડ છે કે આરોગ્ય દ્રષ્ટિએ પણ અયોગ્ય
👉 માત્ર કચેરીમાં આવતા અરજદારો જ નહીં અહીંના સ્ટાફને પણ ધ્યાને રાખી આધુનિક સુવિધા પુરી પાડવી જરૂરી
શહેરના જાણીતા ડેવલોપર અને ગોલ્ડન ક્રાઉન પ્રોજેકટના ઓનર હર્ષદભાઇ ધીરજલાલ પટેલે જણાવે છે કે, સરકારને કોઇપણ ખાસ ખર્ચ વગર માતબર આવક રળી આપનાર કચેરીએ એટલે સબ રજીસ્ટ્રાર કચેરી. આ કચેરીની સુવિધામાં કોઇ કસર ન જ હોવી જોઇએ તે વાત સ્વાભાવિક છે. પરંતુ અહીં સ્થિતિ બિલકુલ ઉલટી છે. સરકાર માટે અતિ ઉપયોગી એવી આ સબ રજીસ્ટ્રાર કચેરીમાં પાયાની સુવિધા પણ નથી.
અહીં નાના મોટા સૌ કોઇ આવે છે અને સરકારને ફાયનાન્શિયલ અસમાન્ય સહકાર આપનારી આ કચેરીમાં બેસવાની વ્યવસ્થા પણ નથી. સરકારે આ બાબતે ૧૦૦ ટકા વિચારવું પડે. અહીં કચેરીએ આવતા સિનિયર સીટીઝનોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડે છે. કચેરી ખુબ જ બંધીયાર અને સાંકળી છે જેથી સ્વાથ્યની દ્રષ્ટીએ પણ યોગ્ય નથી. કોઇ માપદંડમાં આ કચેરીનું બાંધકામ, સુવિધાઓ યોગ્ય નથી.
માત્ર કચેરીએ આવતા વકીલો કે અરજદારો જ નહીં ઓફિસ સ્ટાફ માટે પણ યોગ્ય સુવિધા હોવી જોઇએ. વર્તમાન સમયની માંગ મુજબ ઓફિસમાં એસી સહિતની આધુનિક સુવિધા હોવી જોઇએ. સ્ટાફને યોગ્ય સુવિધા નહીં મળે તો તે અહીં આવતા અરજદારને યોગ્ય સર્વિસ કેમ પુરી પાડી શકશે?

નવી કચેરીનું પ્લાનિંગ છે ત્યાં પણ જગ્યા ખુબ ઓછી: સમીરભાઇ કાલરીયા
👉 તાલુકાકક્ષાએ ટ્રાફિક ઓછો હોય પણ રાજકોટમાં ટ્રાફિક વધુ રહે છે તે ધ્યાને લઇ સબ રજીસ્ટ્રાર કચેરીનું નિર્માણ થવું જોઇએ
👉 સરકારે મોડેલ સબ રજીસ્ટ્રાર કચેરી બનાવવા માટે ખાનગી આર્ટિકેટના સૂચન લેવા જોઇએ
રાજકોટના જાણીતા શિલ્પન ગ્રુપના સમીરભાઇ કાલરીયા જણાવે છે કે, હાલમાં ભાડાની જગ્યા પર સબ રજીસ્ટ્રાર કચેરી છે તે ખુબ જ નાની છે. સુવિધાના નામે મીંડુ છે તે કહેવું જરાપણ અયોગ્ય નથી. હવે એવું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા સેકન્ડ રીંગરોડ પર સબ રજીસ્ટ્રાર કચેરીના ઝોન-૬ ઝોન-૭ ની કચેરી બનનારી છે. તે પ્લોટ પણ ખુબ જ નાનો છે.૧૧૯૬ ચોરસ વારનો પ્લોટમાં બાંધકામ કરવામાં આવનાર છે. આર એન્ડ બીએ મોડેલ પ્લાનીંગ બધી જ રજીસ્ટ્રાર કચેરીમાં મોડેલ પ્લાનીંગ સમાંતર રાખ્યું છે. પરંતુ તાલુકા કક્ષાની દ્રષ્ટિએ રાજકોટમાં અરજદારોની સંખ્યા ખુબ વધી રહેતી હોય છે. ત્યારે અહીં પાર્કિંગ સહિતની અનેક સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં રાજકોટમાં સબ રજીસ્ટ્રાર કચેરીને મોટી જગ્યા આપવી જોઇએ.
હાલની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજમાં સહી કરવા માટે પણ કોઇ જગ્યા હોતી નથી. વકીલોને પણ ભારે મુશ્કેલી થાય છે. ત્યારે સરકારને સુચન કરતા સમીરભાઇ કહે છે કે, ટ્રાફિક જોઇ મોટી જગ્યા ફાળવવી જોઇએ. હાલમાં ઉભા ઉભા ફોટા પડાવવા પડે છે. જે દસ્તાવેજ વર્ષો સુધી સાચવવાનો હોય છે. તેમાં ફોટા પણ સરખા આવતા નથી. સફાઇની કોઇ વ્યવસ્થા નથી. પુષ્કળ આવક રળી આપતી રજીસ્ટ્રાર ઓફિસમાં ખર્ચ કેમ નથી કરાતો? કચેરીમાં સારી સુવિધા મળે વ્યવસ્થિત પ્લાનીંગ થાય. સારા આર્ટિટેકનું સજેશન લઇ મોડેલ કચેરી બનાવી શકાય.

સરકારને પ્યોર ઇન્કમ આપતી રજીસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધાઓ તો હોવી જ જોઈએ: નીરજભાઈ ભીમજીયાણી
👉 વેઇટિંગ એરિયાના અભાવે અરજદારોને તડકા અને વરસાદમાં કલાકો ઉભું રહેવું પડે છે, પાર્કિંગમાં સિક્યુરિટી ગાર્ડ નથી
👉 રજીસ્ટ્રાર કચેરીમાં બહાર નોંધણી માટેના નિયમો અંગેનું સૂચનાવાળું બોર્ડ હોવું જોઈએ
સિલ્વર ગ્રુપના નીરજભાઈ ભીમજીયાણી સબ રજીસ્ટ્રાર કચેરીની આ હાલત અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવે છે કે, સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત એવી સબ રજીસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીં મોટાભાગના ઝોન બહાર પાર્કિંગમાં સિક્યુરિટી ગાર્ડની કોઈ વ્યવસ્થા નથી જેના લીધે વાહન ચોરી અને વાહનમાંથી જરૂરી દસ્તાવેજો ચોરી થવાનો ભય રહે છે.
અહીં આવતા અરજદારો માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટીઝનોને આ સ્થિતિમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારને પ્યોર ઇન્કમ આપતી આ સબ રજીસ્ટ્રાર કચેરીમાં જરૂરી આવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવી જોઈએ. દરેક ઝોન બહાર પાર્કિંગમાં સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા, કચેરીના સંકુલમાં અરજદારો માટે યોગ્ય બેસવાની વ્યવસ્થા, ઉપરાંત અહીં સ્વચ્છ શૌચાલય અને પીવા માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા સહિતની પ્રાથમિક સુવિધાઓ અંગે તંત્ર દરકાર લઈ તુરંત આ સુવિધાઓ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ કરાવે તેવી લોક લાગણી અને માંગણી છે.
નીરજભાઈ વધુમાં જણાવે છે કે, સબ રજીસ્ટ્રાર કચેરીમાં બહાર નોંધણી માટેના નિયમો અંગેનું સૂચનાવાળું બોર્ડ હોવું જોઈએ. જેથી અહીં આવનાર અરજદારને પોતાને કઈ કચેરીમાં જવું તેનો ખ્યાલ આવે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં જરૂરી સુવિધા પુરી પાડવી એ સરકારી જવાબદારી બને છે. સરકારે આ જવાબદારી નીભાવવી જોઇએ.

સબ રજીસ્ટ્રાર કચેરીનું સર્વર અને અહીંની હાલત જોઇ અરજદારનું મોરલ ડાઉન રહે છે: પિયુષભાઇ કોટેચા
👉 વારંવાર સર્વર ડાઉન થવાના લીધે અહીં ભારે રાહ જોવી પડે છે,મુશ્કેલી તો એ છે કે અહીં વેટીંગ એરિયા કે શૌચાલયની સુવિધા પણ નથી
👉 કરોડોની મિલકત ખરીદ્યા બાદ પણ સબ રજીસ્ટ્રાર કચેરીની હાલત જોઇ આનંદ નથી રહેતો
પીયુષ કોટેચા બાલાજી બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સના ઓનર જાણીતા બિલ્ડર પીયુષભાઇ કોટેચા રાજકોટની ખખડધજ સબ રજીસ્ટ્રાર કચેરી અંગેની આ સમસ્યા
અંગેની વાત સમજાવવા એક તર્કસંગત ઉદાહરણ આપતા જણાવે છે કે,એમઝોન જેવી કંપની જેનો મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરે છે. તેમછતાં તેનું સર્વર ઠપ્પ થયાનું ધ્યાને આવતું નથી. પરંતુ રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં વારંવાર સર્વર ઠપ્પ થઇ જાય છે. જેથી દસ્તાવેજીની પ્રક્રિયામાં ભારે વિલંબ થાય છે. હવે આ સ્થિતિમાં અહીં કોઇ વેટીંગ એરિયા જેવી સુવિધા નથી. બેસવા માટેની પણ કોઇ સગવડ નથી. આટલું તો ઠીક પણ અહીં તો શૈચાલય જેવી જરૂરી સુવિધા પણ નથી. આ સ્થિતિમાં અહીં કલાકો સુધી રાહ જોવી ખરેખર કોઇ સંર્ઘસ કરતા હોય તેવી અનુભૂતિ થાય છે.
અહીં સબ રજીસ્ટ્રાર કચરીમાં કરોડોની મિલકતના દસ્તાવેજ કરવવા આવનાર જયારે આવી મોટી મિકલત ખરીદવાના હોય તેની ખુશીમાં મલકાતા ચહેરે આવી છે. પરંતુ સબ રજીસ્ટ્રાર કચેરીના આવી ખાસ્તા હોયા બાદ તેમને મિકલત ખરીદીની કોઇ આનંદ થતો નથી. સબ રજીસ્ટ્રાર કચેરીએ આવી તેમનું મોરલ તુટી જાય છે. ખાનગી સેકટરમાં જે પ્રકારે ગ્રાહકને આકર્ષવા અદ્યતન સુવિધાઓ આપવામાં આવે તેમ સરકારને ભારે રેવન્યુ જનરેટ કરી આપતી આ સબ રજીસ્ટ્રાર કચેરીમાં આવતા અરજદારો માટે સરકારે બીજી કંઇ નહીં તો તેમને પાયાની સુવિધા તો આપવી જ જોઇએ.

જયાંથી સરકારને જાજી આવક છે તે રજીસ્ટ્રાર કચેરીનો વિકાસ થતો નથી: જયેશભાઇ વસોયા
👉 જર્જરીત ઇમારતમાં કાર્યરત રજીસ્ટ્રાર કચેરીમાં કોઇ દુર્ઘટના બને તો જવાબદારી કોની?
👉 રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીનો જ વિકાસ કરવામાં તંત્રની ઘોર ઉદાસીનતા
પ્રશાંતિ ગ્રુપના જયેશભાઇ વસોયા જણાવે છે કે, સબ રજીસ્ટ્રાર કચેરી મારફત સરકારને નોંધપાત્ર આવક થઈ રહી છે. પરંતુ તેમ છતાં જર્જરીત ઈમારતમાં રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરી કાર્યરત છે.
સબ રજીસ્ટ્રાર કચરીમાં દસ્તાવેજ નોંધણી પર સ્ટેમ્પ ડયુટી થકી સરકારને માતબર આવક થઇ રહી છે. આવી મહત્વની કચેરી જર્જરીત ઇમારતમાં કાર્યરત છે.આ કચેરીની બાજુમાં આવેલી કેટલીક ઇમારત અગાઉ જમીન દોસ્ત કરી નાખવામાં આવી છે. આ ઇમારત પણ એટલી જ જોખમી છે. જેથી અહીં આવનાર અરજદારો પર જીવનું જોખમ પણ રહેલું છે. જો કોઇ અહીં કોઇ દુર્ઘટના બની તો જવાદારી કોની રહેશે? સરકારને સ્ટેમ્પ ડ્યુટી મારફત માતબર આવક કરાવતી સબ રજીસ્ટ્રાર કચેરી કે જેના થકી શહેર અને રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. ત્યાં જ કોઈ સુવિધા આપવામાં આવી રહી નથી. હાલમાં રાજય સરકાર સ્માર્ટ કચેરીઓ બનાવી રહી છે. પણ ભારે અફસોસ સાથે કહેવું પડે છે કે, જયાંથી સરકારને જાજી આવક છે તેવી રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીનો જ વિકાસ કરવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે.

આ કચેરી માત્ર દસ્તાવેજોની નોંધણીનું સ્થળ નથી, શહેરના વિકાસનું ધબકતુ હૃદય છે: એડવોકેટ જયભારત ધામેચા
👉 સરકારને નોંધપાત્ર આવક રળી આપતી સબ રજીસ્ટ્રાર કચેરીમાં નાગરિકો માટે પ્રાથમિક સુવિધા પૂરી પાડવી સરકારની ફરજ નથી ?
👉તંત્રએ તાત્કાલિક એક સુસજ્જ, સ્વચ્છ અને આધુનિક સુવિધાવાળી સબ-રજીસ્ટ્રાર કચેરી ઊભી કરવી જોઈએ.
જે.આર.ગ્રુપના લીગલ કાઉન્સેલર એડવોકેટ જયભારત ધામેચા જણાવે છે કે, રાજકોટની સબ-રજીસ્ટ્રાર કચેરી એ માત્ર દસ્તાવેજોની નોંધણીનું સ્થળ નથી, પરંતુ શહેરના વિકાસનું ધબકતું હૃદય છે. અહીંથી સરકારને અબજો રૂપિયાની આવક થાય છે, છતાં સામાન્ય નાગરિક જ્યારે આ કચેરીમાં આવે છે.ત્યારે એને સૌપ્રથમ જે અનુભવાય છે તે છે તકલીફ અને અસુવિધા.
એક બાજુ આધુનિક ગુજરાતના વિકાસની વાત થાય છે, બીજી બાજુ રાજ્યને આવકમાં મોટો હિસ્સો આપતી આ કચેરીમાં નાગરિકો માટે બેસવા યોગ્ય વ્યવસ્થા, સાફ-સફાઈ જેવી બાબતો પણ ઉપલબ્ધ નથી. મહિલાઓ માટે સ્વચ્છ શૌચાલય કે વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેર જેવી વ્યવસ્થા ન હોવી એ વાસ્તવમાં શરમજનક વાત છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં, લાંબા સમય સુધી રાહ જોતા નાગરિકોને રાહત મળે તે માટે એક AC વેઈટિંગ એરિયા બનાવવો હવે અત્યંત જરૂરી છે. સવાલ એ છે કે, જે કચેરીમાંથી રાજ્યને રોજગારીથી લઈને આવક સુધીનો મોટો આધાર મળે છે, ત્યાં નાગરિકો માટે પ્રાથમિક સુવિધા પૂરી પાડવી સરકારની ફરજ નથી ? આ સુવિધાઓ તંત્ર આપશે તો એ કોઈ ઉપકાર નહીં ગણાય, પરંતુ નાગરિક હકોનુ યોગ્ય સન્માન ગણાશે.આથી તંત્રએ તાત્કાલિક એક સુસજ્જ, સ્વચ્છ અને આધુનિક સુવિધાવાળી સબ-રજીસ્ટ્રાર કચેરી ઊભી કરવી જોઈએ. તેનાથી નાગરિકોને માત્ર સુવિધા નહીં મળે, પણ વિકાસના દાવાને સાચો અર્થ પણ મળશે.

પાર્કિંગમાં વાહનોમાંથી દસ્તાવેજો અને સામાન ચોરી થવાની ભીતિ: એડવોકેટ રાજદીપ દાસાણી
👉 ડિજિટલ સિસ્ટમ હોવા છતાં કનેક્ટિવિટી વારંવાર ખોરવાય છે, જેના કારણે કામ અટકી જાય છે
👉 પાર્કિંગમાં ચુસ્ત સુરક્ષા ગાર્ડ, સ્વચ્છ પરિસર, આરામદાયક બેઠકો, શુદ્ધ પાણી, ફાયર સેફ્ટી અને મજબૂત કનેક્ટિવિટી સહિતની વ્યવસ્થા જરૂરી
એડવોકેટ રાજદીપ દાસાણી રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીની હાલત અંગે જણાવે છે કે, હું વકીલ તરીકે દરરોજ સબ-રજીસ્ટ્રાર કચેરીમાં આવું છું અને અહીંની ખામીઓ સ્પષ્ટ દેખાય છે. નાગરિકો અને વકીલો માટે બેસવાની પૂરતી વ્યવસ્થા નથી, પાર્કિંગમાં વાહનોમાંથી દસ્તાવેજો અને સામાન ચોરી થવાની શક્યતા રહે છે. તેની પાછળનું કારણ એ છે કે, અહીં સુરક્ષા ગાર્ડોની વ્યવસ્થા યોગ્ય નથી. ડિજિટલ સિસ્ટમ હોવા છતાં કનેક્ટિવિટી વારંવાર ખોરવાય છે, જેના કારણે કામ અટકી જાય છે અને લોકો લાંબા સમય સુધી પરેશાન થાય છે.બીજી બાજુ અહીં વેઇટિંગ એરિયા તો ઠીક બેસાવાની પણ વ્યવસ્થા નથી. જેથી અરજદારોમાં તેમાં પણ ખાસ કરીને સિનિયર સીટીઝન અને મહિલાઓને કલાકો સુધી ફરજિયાત તડકા અને ચોમાસુ હોય વરસાદમાં ઉભુ રહેવાની ફરજ પડે છે. આ સ્થિતિમાં અરજદારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
આ કચેરી રાજ્યને વિશાળ આવક આપે છે, એટલે અહીં પ્રાથમિક સુવિધાઓ સાથે સુરક્ષિત વાતાવરણ હોવું જરૂરી છે. પાર્કિંગમાં ચુસ્ત સુરક્ષા ગાર્ડ, સ્વચ્છ પરિસર, આરામદાયક બેઠકો, શુદ્ધ પાણી, ફાયર સેફ્ટી અને મજબૂત કનેક્ટિવિટી જેવી વ્યવસ્થાઓ તાત્કાલિક ઉભી કરવી જરૂરી છે. નહિંતર નાગરિકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ ઓછો થશે અને આટલી મહત્વની કચેરીનું મૂલ્ય ઘટશે.

સરકારને કરોડની આવક રડી આપતી કચેરી ખુદ જર્જરિત હાલતમાં: અતુલ રાચ્છ
👉 આર્થિક કરોડરજ્જુ મજબૂત થાય કરનારી કચેરીની હાલત સુધારવા માટે કોઈ આયોજન નહીં
👉 સબ રજીસ્ટ્રાર કચેરીની આ હાલતથી અરજદારો-વકીલો ત્રાહિમામ
રેરના પ્રમુખ અતુલભાઇ જણાવે છે કે, “સરકારને હજારો કરોડની આવક રળી આપતી આ કચેરી પોતે જ જર્જરિત હાલતમાં છે. અહીં સફાઈનો સદંતર અભાવ છે, જેના કારણે અહીં આવતા અરજદારોને અસ્વચ્છ વાતાવરણમાં કામ કલાકો સુધી રહેવું પડે છે. દસ્તાવેજ નોંધણી માટે આવતા લોકો, ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ માટે સ્વચ્છ શૌચાલય પણ ઉપલબ્ધ નથી, જે ખરેખર શરમજનક છે.” અહીં રોજ મોટી સંખ્યામાં અરજદારો અને વકીલો આવતા હોય છે તેઓ સબ રજીસ્ટ્રાર કચેરીની આ હાલતથી ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વારંવારની રજુઆત છતા આ કચેરીની હાલત સુધારવા માટે કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
તેઓ આગળ જણાવે છે કે, “આ કચેરીની ઇમારત એટલી જૂની અને ખરાબ હાલતમાં છે કે કોઈ પણ સમયે દુર્ઘટના થવાની સંભાવના છે. સરકાર શહેરમાં નવા પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ સિટીની વાત કરે છે, પરંતુ જ્યાંથી રાજ્યની આર્થિક કરોડરજ્જુ મજબૂત થાય છે, તે કચેરીની હાલત સુધારવા માટે કોઈ પગલાં લેવાતા નથી. આ પરિસ્થિતિ સરકારની ઉદાસીનતા દર્શાવે છે અને અરજદારોનો ઉત્સાહ ઘટાડે છે, જેઓ કરોડોની મિલકત ખરીદ્યા બાદ પણ આવી ખરાબ જગ્યા જોઈને નિરાશ થઈ જાય છે. ત્યારે તંત્રે રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીની હાલત સુધરાવા માટે નક્કર પગલાં ભરી યોગ્ય આયોજન કરી કામગીરી કરવી જોઇએ.

રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરી પ્રાથમિક સુવિધાથી વંચિત: વિજય જાની
👉 સબ રજીસ્ટ્રાર કચેરીની હાલત અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં સુવિધાવિહોણી
👉 સબ રજીસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય એ ખૂબ જ જરૂરી
રાજકોટ પ્રોપર્ટી કન્સલટન્ટ એસોસિએશનના પ્રમુખ વિજયભાઇ જાની જણાવે છે કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય છે. ત્યારે શિક્ષણ જગત, ઔદ્યોગિક ક્ષેત્ર અને રિયલ એસ્ટેટનું હબ ગણાતું આ અમારૂ રાજકોટ વિકાસના પંથ પર આગળ વધી રહ્યું છે. જેમાં રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરી જાણે પ્રાથમિક સુવિધાથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ આવક ધરાવતી સબ રજીસ્ટાર કચેરીઓ પૈકી એક રાજકોટની આ કચેરીમાં પાયાની પણ સુવિધા ઉપલબ્ધ નથી. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જવાબદારી ફક્ત તંત્રની નથી ? અનેક વખત રજૂઆત કરવા છતાં જેને તે પરિસ્થિતિ રહે છે. આથી વહેલી તકે સબ રજીસ્ટ્રાર કચેરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બને તેવી રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરી માટે અનેક વખત રાજકીય આગેવાનો, રાજકોટ બિલ્ડર એસોસિએશન અને વકીલ એસો. અને રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન એસોસીએશન સહિત અનેક એસોસિયેશન રજૂઆત કરી રહ્યા છે. પણ હજુ સુધી કોઈ પ્રકારનું કામ થતું નથી. સબ રજીસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય એ ખૂબ જ અગત્યનું છે.

સબ રજીસ્ટ્રાર કચેરીમાં દિવાલ પર અંગૂઠાની છાપ, પાનની પિચકારીઓ: અતુલભાઇ વાઘેલા
👉 અદ્યતન સુવિધા તો દૂર રહી રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પાયાની સુવિધા પણ નથી
👉 અરજદારો અને વકીલો તો ઠીક ખુદ અહીંના સ્ટાફને પણ સુવિધાઓના અભાવે અનેક સમસ્યા
ઇનક્રેડીબલ પ્રોપર્ટીના અુતલભાઇ વાઘેલા જણાવે છે કે,જ્યાં કિંમતી પ્રોપર્ટીઓના દસ્તાવેજની નોંધણી થાય છે તે રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીનું મૂલ્ય તંત્રની દ્રષ્ટિએ નહીંવત સમાન હોય તેવું જણાઈ રહ્યું છે. આવું એટલે કહેવું પડે છે કે, રાજકોટના વિકાસ માટે અત્યંત મહત્વની અને રાજકોટના વિકાસનું એક અવિભાજ્ય અંગ ગણી શકાય તેવી રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરી બિલકુલ ખાસ્તા હાલતમાં છે. અહીં અદ્યતન સુવિધાઓની વાત કરવી તો એક તરફ રહ્યું પરંતુ જે પ્રાથમિક અને પાયાની સુવિધા ગણી શકાય તે સુવિધાઓ પણ અહીં દૂર દૂર સુધી જોવા મળતી નથી. રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં આવીએ એટલે દિવાલ પર અંગૂઠાની છાપ, પાનની પિચકારીઓ, કચરાના ઢગલા જેવા દ્રશ્યો જોવા મળે છે. વેઇટિંગ એરિયા, એ.સી રૂમ આ બધી વાત તો ખૂબ જ દૂર રહી અહીં ગંદકીવાળા શૌચાલય અને પાણી પીવાની જગ્યાએ પણ સફાઈનો અભાવ નજરે પડે છે. સબ રજીસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ માટે રોજ મોટી સંખ્યામાં આવતા અરજદારોને આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરીની હાલત સુધારવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
અરજદારો ઉપરાંત અહીં આવતા વકીલોને પણ એકથી વધુ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અરજદારો અને વકીલો તો છોડો ખુદ અહીંના સ્ટાફને પણ સુવિધાઓના અભાવે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.












Leave a Reply