ધારાસભ્ય, કલેકટર અને કમિશનરના ભગીરથ પ્રયાસથી જ રૈયામાં લખાશે વિકાસનો નવો અધ્યાય
સર્વે નં. ૨૫૦ની વિવાદિત જમીનને સાઈડલાઇન કરીને આસપાસની સોસાયટીઓમાં સુવિધા અને નવા બાંધકામની મંજૂરી માટે અદમ્ય ઇચ્છાશક્તિ બનશે આશાનું કિરણ
- બાંધકામની પરવાનગી માટેની માંગ: ભૂતકાળમાં અપનાવવામાં આવેલી પ્રક્રિયા મુજબ, સોગંદનામા (affidavit)ના આધારે બાંધકામની પરવાનગીઓ ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી
- પ્રાથમિક સુવિધાઓ માટે પોકાર: આશરે 15,000 થી વધુ રહેવાસીઓ ધરાવતી સોસાયટીઓ જેવી કે શાંતિનિકેતન એવન્યુ, બંસીધર પાર્ક, અને ઇન્દ્રપ્રસ્થમાં ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ મળી શકે તે માટે તંત્ર ઘટતી કાર્યવાહી કરે
- કોર્પોરેશનને વેરાનું નુકસાન: સુવિધાઓ ન મળવાને કારણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2020 થી આ સોસાયટીના રહીશો પાસેથી વેરો વસૂલવામાં આવતો નથી, જેનાથી કોર્પોરેશનને પણ આવક મળી રહી નથી
- કોર્ટમાં મુદ્દો ઉઠાવવાની વાત: ડૉ. દર્શિતાબેન શાહે જણાવ્યું છે કે લોકોને પડતી અગવડતા અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ મુદ્દો કોર્ટમાં પણ ઉઠાવવામાં આવશે.
રાજકોટ: રૈયાના સર્વે નં-230, 231, અને 232 સહિત આસપાસના વિસ્તારોમાં આવેલા બંસીધર પાર્ક, ઇન્દ્રપ્રસ્થ નગર, કામધેનુ પાર્ક, શાંતિનિકેતન એવન્યુ સહિતની સોસાયટીઓના હજારો રહેવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ તેમજ બાંધકામની પરવાનગીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના હુકમને કારણે છેલ્લાં 13 વર્ષથી અટકેલા વિકાસને વેગ આપવા માટે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
| મુખ્ય સમસ્યા: વિકાસ કેમ અટક્યો છે? | સંભવિત ઉકેલ શું છે? |
| 1. ગુજરાત હાઈકોર્ટનો હુકમ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા સર્વે નં. 250ની જમીન પર ‘થર્ડ પાર્ટી ઇન્ટરેસ્ટ’ ઊભો ન કરવાનો આદેશ અપાયો છે. આ આદેશને કારણે આસપાસના સર્વે નં. 230, 231, 232, 233, 225, 226, અને 229 જેવા વિસ્તારોમાં આવતી સોસાયટીઓ, જેમ કે શાંતિનિકેતન એવન્યુ, બંસીધર પાર્ક, અને ઇન્દ્રપ્રસ્થમાં, નવા બાંધકામો અને પ્રાથમિક સુવિધાઓ મળવામાં અવરોધ ઊભો થયો છે. | 1. ભૂતકાળના દાખલાને અનુસરવો: રજૂઆત મુજબ, 2020 પહેલાં સત્તાવાળાઓ દ્વારા સોગંદનામું (affidavit) લઈને બિલ્ડીંગ પ્લાન મંજૂર કરવામાં આવતા હતા. આ પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવે, જેનાથી નવા બાંધકામોને મંજૂરી મળી શકે. ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસી રહ્યું છે, ફાઈબર ઓપ્ટિક લાઈનો નખાઈ રહી છે તો નવા બંધકામને પણ મંજૂરી આપવા માટે જરૂરી વિકલ્પો ઊભા કરવામાં આવે. |
| 2. બાંધકામ પરવાનગીનો અભાવ: ‘એપ્રોચ’ (રસ્તાની પહોંચ)ના મુદ્દે આ વિસ્તારોમાં બિલ્ડીંગ પ્લાન મંજૂર થઈ રહ્યા નથી. આનાથી નવા બાંધકામો અટકી ગયા છે અને રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. | 2. કોર્પોરેશન, કલેક્ટર અને સરકારી સત્તાવાળાઓનો હસ્તક્ષેપ: ધારાસભ્ય દ્વારા કલેક્ટરને કરાયેલી રજૂઆત પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ મહાનગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) દ્વારા સંકલન સાધીને આ સમસ્યાનું નિવારણ લાવવું અત્યંત જરૂરી છે. |
| 3. પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને વેરાની સમસ્યા: કોર્પોરેશન દ્વારા આ સોસાયટીઓને ડ્રેનેજ, દીવાબત્તી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. પરિણામે, વર્ષ 2020થી કોર્પોરેશન દ્વારા આ સુવિધાઓનો વેરો પણ લેવામાં આવતો નથી, જેનાથી કોર્પોરેશનને આવક મળતી નથી. આશરે 15,000 થી વધુ રહેવાસીઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. | 3. પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી: હાઈકોર્ટના હુકમની અસરને ધ્યાનમાં રાખીને, આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે. આનાથી રહેવાસીઓની મુશ્કેલી ઓછી થશે અને કોર્પોરેશનને પણ નિયમિત વેરાની આવક મળતી થશે. અટલ સરોવર, બીજા રિંગરોડ સહિતની BRTS તેમજ રોડ-રસ્તાની કનેક્ટિવિટી વિકસી રહી છે તો સાથોસાથ સોસાયટીઓમાં ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ વિકસાવવી પણ જરૂરી છે. |
સુવિધા અને વિકાસની પ્રતિબધ્ધતા દર્શાવતા ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ

સમગ્ર વિસ્તારની સમસ્યા અંગે વાત કરતાં ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત સોસાયટીઓના રહીશોને વહેલાસર સુવિધા મળી શકે તે માટે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોર્ટમાં લોકોને પડતી અગવડતા અને પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાતનો મુદ્દો અસરકારક રીતે રજૂ કરવામાં આવે, જેથી આ જૂના પ્રશ્નનું યોગ્ય સમાધાન લાવી શકાય. લોકોને પડતી અગવડતા અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો મુદ્દો વધુ અસરકારક રીતે કોર્ટમાં ઉઠાવીને આ વિસ્તારના લોકોને ૧૩ વર્ષથી ભોગવવી પડતી હાલાકીનું યોગ્ય નિરાકરણ લાવવા, જીવન જરૂરી સુવિધાઓ માટે વહેલીતકે યોગ્ય સમાધાન લાવવા રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે. રહેવાસીઓને ન્યાય મળે અને તેમના વિસ્તારનો વિકાસ ફરીથી શરૂ થાય તે માટે અમે પ્રતિબદ્ધ છીએ.”
ખોટા અર્થઘટનની ભૂલને કારણે રૈયાના વિકાસને લાગ્યું ગ્રહણ: ભૂપતભાઈ પરમાર

રાજકોટના રૈયા વિસ્તારમાં ૩૦ થી વધુ વર્ષોથી કાર્યરત બિલ્ડર ભૂપતભાઈ પરમાર સંપત્તિ ટાઈમ્સને જણાવે છે કે, હાઈકોર્ટનો હુકમ સર્વે નં. ૨૫૦ માટે છે, છતાં અન્ય વિસ્તારોમાં સુવિધાઓ અને બાંધકામ પરવાનગી રોકવી એ ખોટું અર્થઘટન છે. તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૦થી જે સુવિધાઓ અટકાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે તેનાથી તંત્રને વેરાની આવક ગુમાવવાનું અને પ્રજાને હાલાકી ભોગવવાનું એમ ડબલ નુકસાન થઈ રહ્યું છે. રૈયા વિસ્તારમાં ત્રણ પેઢીથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા હોવાથી અનેક ક્લાયન્ટને સંતોષકારક સલાહ-માર્ગદર્શન આપનાર સુમન કન્સ્ટ્રક્શનના ભૂપતભાઈ પરમાર જણાવે છે કે, સર્વે નં.૨૫૦ ની આસપાસના સર્વે નં. ધરાવતા વિસ્તારોમાં ટીપીને લગતી બાકીની કામગીરી પૂર્ણ કરીને જનસુવિધા વિકસાવવા યોગ્ય પગલાં લેવા ઘટે. રોડ-રસ્તા, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ સહિતની સુવિધાઓ વિકસાવવા માટે કોર્પોરેશન અને કલેકટર તંત્ર દ્વારા સંકલન સાધીને ત્વરિત કામગીરી થાય તેવી લોકલાગણી પ્રવર્તે છે.












Leave a Reply