Sampatti Times Real Estate Newspaper

Advertisement

રૈયાની વિકાસગાથા નવા અધ્યાય લખશે

3 1

👉 રૈયાના સર્વે નં-230, 231, અને 232 સહિતના વિસ્તારોમાં બાંધકામ મંજૂરીના ‘સત્વરે’ ઉકેલની આશા

👉 નગરસેવકો, ધારાસભ્યના પ્રયાસોથી આખરે રૈયાના ‘વિકાસના દ્વાર’ ખુલશે..

👉 વોર્ડ નં. 1 ના કોર્પોરેટર હિરેન ખીમાણિયા અને ડો. અલ્પેશ મોરઝરીયાએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને રૂબરૂ મળીને ધારદાર રજૂઆત કરી

👉 ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની આગેવાનીમાં અગાઉ પણ સફળ અસરકારક રજૂઆતને પગલે હવે રૈયાની સમસ્યાઓ હલ થવાની આશા

👉 મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાના સકારાત્મક પ્રતિભાવ સાથે રૈયાના વિકાસને વેગવંતો બનાવવાની પ્રતિબદ્ધતા

રાજકોટ: રૈયાના સર્વે નં-230, 231, અને 232 સહિતના વિસ્તારોમાં છેલ્લાં ઘણા વર્ષોથી અટકેલા બાંધકામો અને પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સત્તાવાર સ્તરે ગતિવિધિ તેજ થઈ છે. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સાથે વોર્ડ નં. 1 ના કોર્પોરેટર હિરેન ખીમાણિયા અને ડો. અલ્પેશમોરઝરીયાએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને રૂબરૂ મળીને ધારદાર રજૂઆત કરી વિકાસના વિઘ્ન દૂર કરીને વચલો રસ્તો કાઢવા ધારદાર રજૂઆત કરી હતી.

આ બેઠકમાં તમામ આગેવાનોએ એક જ સૂર વ્યક્ત કર્યો હતો કે, ‘એપ્રોચ’ના મુદ્દે બાંધકામની પરવાનગી અટકાવવી અને હાઈકોર્ટના સર્વે નં. 250ના હુકમને આસપાસના વિસ્તારોમાં લાગુ કરવો અયોગ્ય છે. શાંતિનિકેતન એવન્યુ, બંસીધર પાર્ક, અને ઇન્દ્રપ્રસ્થ જેવી સોસાયટીઓના આશરે 15,000 થી વધુ રહીશો ડ્રેનેજ અને સ્ટ્રીટલાઈટ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે, જેના કારણે કોર્પોરેશનને પણ 2020 થી વેરો મળતો નથી.

સમસ્યાના સમાધાન રૂપે, જમીન ધારકોના સોગંદનામા (એફિડેવિટ) લઈને બાંધકામની મંજૂરી આપવા માટે ‘વચલો રસ્તો’ કાઢવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સૌથી સકારાત્મક વાત એ છે કે, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આ મુદ્દે અત્યંત સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે! તેમણે ગુજરાત હાઇકોર્ટમાં યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરીને આ વિકાસના અવરોધને દૂર કરવા માટે ત્વરિત કામગીરી કરવાની અને રૈયાના વિકાસને વહેલી તકે વેગવંતો બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ સકારાત્મક મુલાકાતથી રૈયાના હજારો રહેવાસીઓમાં આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે, કે હવે તેમના વિસ્તારના ‘વિકાસનો દરવાજો’ ચોક્કસપણે ખુલશે!

👉 અનુભવી બિલ્ડર ભૂપતભાઈ પરમારનો સૂર: “રૈયામાં સોગંદનામા આધારે મંજૂરી આપો, વિકાસને રોકવો અન્યાયી”

સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં રાજકોટના રૈયા સર્વે નંબરમાં જ છેલા 30 વર્ષથી ક્ધસ્ટ્રક્શનનું કામ કરતા અનુભવી બિલ્ડર ભૂપતભાઈ પરમારે રૈયા વિસ્તારના અટકેલા વિકાસ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, “નામદાર હાઈકોર્ટનો હુકમ સ્પષ્ટપણે સર્વે નં. 250 પૂરતો જ મર્યાદિત છે. આ હુકમને અન્ય આસપાસના સર્વે નંબરોમાં લાગુ કરીને પ્રાથમિક સુવિધાઓ અને બાંધકામની પરવાનગીઓ રોકવી એ સંપૂર્ણપણે ખોટું અર્થઘટન અને અન્યાયી પગલું છે.” ભૂપતભાઈ પરમારે ઉકેલ સૂચવતા કહ્યું કે, “વર્ષ 2020 પહેલાં તંત્ર દ્વારા સોગંદનામું (Affidavit) લઈને બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવાની પ્રથા હતી. આ પ્રથાને ફરીથી અપનાવવી જોઈએ. જો સોગંદનામાના આધારે બાંધકામની પરવાનગીઓ ફરી શરૂ કરવામાં આવે, તો આશરે 15,000 થી વધુ રહીશોને નવા બાંધકામો કરવાની તક મળશે. આ એકમાત્ર પગલું રૈયાના વિકાસને વેગવંતો બનાવી શકે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *