પાર્કિંગ સમસ્યાનું સ્માર્ટ સોલ્યુશન : ખાનગી જગ્યામાં ફ્રી પાર્કિંગ આપવા પર AMC આપશે વેરામાફી
● અમદાવાદમાં મોલ, થિયેટર, હોટલ, પાર્ટી પ્લોટ કે હોસ્પિટલો ફાળવેલી જગ્યાના કુલ ક્ષેત્રફળ પૂરતો વેરો માફ કરાવી શકશે
● વેરામાફી માટે ‘AmadaPark’ એપ પર રિયલ-ટાઇમ વાહનોની એન્ટ્રી કરવી પડશે, અન્યથા ૬૦ દિવસમાં નિયમિત ટેક્સ ભરવો પડશે
અમદાવાદ: રાજકોટ સહિત ગુજરાતના તમામ મોટા શહેરો અત્યારે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે ટ્રાફિકની આ જટિલ સમસ્યા ઉકેલવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા “Comprehensive Policy 2026” અંતર્ગત એક ખૂબ જ આવકારદાયક અને સ્માર્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, શહેરના રસ્તાઓ પર થતું અનધિકૃત પાર્કિંગ ઘટાડવા માટે ખાનગી અને વ્યાવસાયિક એકમોની જગ્યાનો જનતા માટે ઉપયોગ કરવાનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે.
સરળ શબ્દોમાં કહીએ તો, હવે અમદાવાદમાં જે પણ વ્યાવસાયિક એકમો નાગરિકો માટે પોતાના સંકુલમાં નિ:શુલ્ક (ફ્રી) પાર્કિંગની સુવિધા આપશે, તેમને તેમના પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવશે. એકમો જેટલી જગ્યા પાર્કિંગ માટે ફાળવશે, તેટલા ક્ષેત્રફળ પૂરતી વેરામાફી તેમને સીધી જ મળી જશે.
કયા એકમોને મળશે ફાયદો?
અમદાવાદના નેશનલ હાઈ-વે, રીંગ રોડ કે સ્ટેટ હાઈ-વે પર આવેલા શોપિંગ મોલ, મલ્ટી-પ્લેક્સ, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, પાર્ટી પ્લોટ અને જિમ્નેશિયમ જેવા તમામ બિન-રહેણાંક એકમો ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ વેરામાફીનો સીધો લાભ લઈ શકશે.
આ આકર્ષક સ્કીમનો લાભ લેવા માટે સંબંધિત એકમે AMCની વેબસાઈટ પર જઈને “Parking Availability and Sharing Consent Form” ભરવાનું રહેશે. પાર્કિંગની જગ્યા ગણવા માટે 1 ECS (Equivalent Car Space) = 13.75 ચોરસ મીટરનો માપદંડ નક્કી કરાયો છે. સૌથી અગત્યની શરત એ છે કે અહીં વાહનચાલકો પાસેથી કોઈ જ ચાર્જ વસૂલી શકાશે નહીં. આ ઉપરાંત, જગ્યા પર એક જવાબદાર વ્યક્તિ નિમવાનો રહેશે, જે AMC ની ‘AmadaPark Application’ માં પાર્ક થયેલા વાહનોની એન્ટ્રી કરશે, જેથી લોકોને રિયલ ટાઈમ ખાલી જગ્યાની માહિતી મળી રહે.
૬૦ દિવસનું અલ્ટીમેટમ!
AMC એ કડક વલણ પણ અપનાવ્યું છે. જો કોઈ ફ્રી પાર્કિંગની જાહેરાત કરીને છૂપો ચાર્જ લેશે અથવા એપમાં બેદરકારી રાખશે, તો રાહત રદ થશે. જે લોકો આ સ્કીમમાં જોડાવા નથી માંગતા, તેમણે પોતાની મેળે આગામી ૬૦ દિવસમાં વેબસાઈટ પર Self-Assessment મારફતે નિયમિત ટેક્સ માટે અરજી કરવાની રહેશે.
શું રાજકોટમાં પણ આ મોડેલ લાગુ થઈ શકે?
શહેરના યજ્ઞિક રોડ, કાલાવડ રોડ કે 150 ફૂટ રિંગ રોડ પર ટ્રાફિક અને પાર્કિંગ માટે જો RMC પણ અમદાવાદની જેમ જ કોમર્શિયલ બિલ્ડીંગો અને મોલ માલિકોને પ્રોપર્ટી ટેક્સમાં ડિસ્કાઉન્ટ આપીને બેઝમેન્ટ કે ખુલ્લી જગ્યામાં ‘ફ્રી પબ્લિક પાર્કિંગ’ ની સ્કીમ લાવે, તો રસ્તા પરનું દબાણ ચમત્કારિક રીતે ઘટી શકે છે. રાજકોટના લોકો અને બિલ્ડરો બંને માટે આ ‘વિન-વિન’ (Win-Win) સિચ્યુએશન સાબિત થઈ શકે તેમ છે. અમલવારી માટે RMC એ પણ આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ.












Leave a Reply