Sampatti Times Real Estate Newspaper

Advertisement

ઘરની બાજુમાં પબ્લિક યુરિનલ, કચરાપેટી નાગરિકના માન- મર્યાદા હકનો ભંગ: દિલ્હી હાઇકોર્ટ

Public urinals, dustbins next to houses violate citizen's right to privacy: Delhi High Court

ઘરની બાજુમાં યુરિનલ અને કચરા પેટીથી ત્રાહિમામ પરિવારે પોતાના માનવીય મર્યાદા અને આરોગ્ય અધિકાર માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા

દિલ્હી હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે જાહેર સુવિધાઓનો હેતુ લોકોના જીવનને સરળ બનાવવાનો છે, મુશ્કેલ નહીં

ભવિષ્યમાં આવુ કોઈપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરતા પહેલાં વ્યવસ્થિત સર્વે, નાગરિકોની સલાહ, અને પર્યાવરણ સંબંધિત અસરનો અભ્યાસ કરવો ફરજિયાત હોવો જોઈએ

શહેરની સ્વચ્છતા માટે યુરીનલ કચરાપેટી સહિતની જાહેર સુવિધાઓ જરૂરી છે પરંતુ આ સુવિધા કોઈ નાગરિકો માટે દુવિધા રૂપ ન બની રહે તે જોવાની જવાબદારી પણ તંત્રની છે આ બાબત અંગે તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. દિલ્હીની હાઇકોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદામાં એવું સ્પષ્ટ કર્યું છે કે, રહેણાંક વિસ્તારની બાજુમાં જાહેર યુરિનલ અને મોટી કચરાપેટીઓ ઉભી કરવી નાગરિકોના માન-મર્યાદાના હકનો ભંગ ગણાય છે.

ફરિયાદી પરિવારે કોર્ટમાં અરજી કરી હતી કે, તેમના ઘરની દીવાલને અડીને મ્યુનિસિપલ તંત્રએ જાહેર યુરિનલ બનાવ્યું અને થોડા અંતરે મોટી કચરાપેટી મૂકી છે, જેના કારણે વર્ષોથી તેઓ સતત દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના હુમલાનો ભોગ બની રહ્યા છે. પરિવારનાં સભ્યો ખાસ કરીને બાળકો અને વડીલો માટે આ પરિસ્થિતિ ગંભીર આરોગ્ય જોખમ ઉભો કરી રહી હતી. તેમની રોજિંદી જીવનશૈલી પર સીધી અસર થઈ રહી હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો.

કોર્ટમાં રજૂ થયેલી તસવીરો અને રિપોર્ટ્સ મુજબ, યુરિનલમાંથી વહી જતી ગંદકી ઘરની નજીક સુધી આવી પહોંચતી હતી. કચરાપેટીમાંથી આવતી સતત વાસ, કાદવ, પ્રદૂષિત પાણી અને મચ્છરોના કારણે પરિવારને દિવસભર પોતાના ઘરના બારણા અને બારી બંધ રાખવા મજબૂર થવું પડતું હતું. અરજદારોએ દલીલ કરી કે આ પરિસ્થિતિ માત્ર અસ્વચ્છતા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમની માનવીય મર્યાદા અને આરોગ્ય અધિકારને ગંભીર રીતે અસર કરે છે, જે સંવિધાનના કલમ 21 હેઠળ સુરક્ષિત છે.

કોર્ટએ પોતાના ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું કે જાહેર સુવિધાઓ જેમ કે યુરિનલ, શૌચાલય અને કચરાપેટી શહેરની સ્વચ્છતા માટે જરૂરી છે, પરંતુ તે મુકવા માટે યોગ્ય આયોજન અને વિચાર જરૂરી છે. કોઈપણ તંત્ર નાગરિકોને એવી અસહ્ય પરિસ્થિતિમાં જીવવા મજબૂર કરી શકતું નથી જ્યાં ગંદકી, દુર્ગંધ અને આરોગ્ય જોખમો તેમના રોજિંદા જીવનનો ભાગ બની જાય. કોર્ટએ સંબંધિત મ્યુનિસિપલ સત્તાધિકારીઓને કડક શબ્દોમાં ટકોર કરી કે રહેણાંક વિસ્તારોની આસપાસ આવી સુવિધાઓ સ્થાપિત કરતા પહેલાં પરિસ્થિતિનું મૂલ્યાંકન, જનહિત, અને નાગરિકોના હકોનો સાવચેતપણે વિચાર કરવો જોઈએ.

આદેશમાં કોર્ટએ સ્પષ્ટ કર્યું કે, મ્યુનિસિપલ તંત્ર તાત્કાલિક અસરથી યુરિનલ અને કચરાપેટીને દૂર કરે અને નજીકના કોઈ એવા સ્થળે સ્થાનાંતરિત કરે જ્યાં રહેણાંક વિસ્તારો ઉપર તેની કોઈ નકારાત્મક અસર ન પડે. કોર્ટએ એ પણ સૂચવ્યું કે, ભવિષ્યમાં આવુ કોઈપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરતા પહેલાં વ્યવસ્થિત સર્વે, નાગરિકોની સલાહ, અને પર્યાવરણ સંબંધિત અસરનો અભ્યાસ કરવો ફરજિયાત હોવો જોઈએ.
ચુકાદાના અંતમાં કોર્ટએ વધુ એક મહત્વની ટિપ્પણી કરી કે “નાગરિકોની માનવીય ગૌરવ સર્વોચ્ચ છે. જાહેર સુવિધાઓનો હેતુ લોકોના જીવનને સરળ બનાવવાનો છે, મુશ્કેલ નહીં.” ચુકાદા દ્વારા ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે નાગરિકોના હકો અને સ્વચ્છ-સુરક્ષિત પર્યાવરણનું રક્ષણ રાજ્ય અને સ્થાનિક તંત્રોની પહેલી જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *