ડાયટિશિયન વિશાખા ગઢવીએ વર્ષ 2022માં Diploma in Dietetics, Health and Nutrition માં ડિગ્રી મેળવી ને પોષણ ક્ષેત્રે પોતાની સફરની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ વ્યક્તિની જીવનશૈલી, ખોરાકની પસંદગી અને પોષણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આહાર માર્ગદર્શન આપી રહ્યાં છે.
તેમની વિશેષતા નાડી પરીક્ષણ અને આયુર્વેદના વાત, પિત્ત તથા કફ જેવા ત્રિદોષના પરંપરાગત ખ્યાલને ધ્યાનમાં રાખીને આહાર આયોજન કરવાની છે. તેઓ માને છે કે સ્વસ્થ રહેવા માટે મોંઘી વિદેશી ખાદ્યવસ્તુઓ, ભારે કસરત કે જટિલ ડાયટની જરૂર નથી; પરંતુ યોગ્ય આહાર, નિયમિત દિનચર્યા અને નાની-નાની આદતોમાં ફેરફાર મહત્ત્વનો છે. ઘરનાં અનાજ, દાળ, શાકભાજી, મસાલા અને અન્ય સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓના ઉપયોગ દ્વારા તેઓ વ્યવહારુ આહાર આયોજન કરે છે.
તેઓ PCOD, વજન વ્યવસ્થાપન, થાઇરોઇડ, ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલ જેવી સમસ્યાઓમાં આહાર તથા જીવનશૈલી અંગે માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત, ગર્ભધારણ પહેલાં પતિ-પત્નીઓને, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને અને પ્રસૂતિ પછી માતાઓને યોગ્ય પોષણ અંગે સલાહ આપે છે, જેથી માતા અને બાળકના આરોગ્યને જરૂરી સહયોગ મળી શકે.
વર્ષ 2025–26 દરમિયાન તેમણે બે મહત્ત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં યોગદાન આપ્યું હતું. ‘લાલન પાલન’ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠાના આદિવાસી વિસ્તારોમાં કુપોષણનો સામનો કરતી સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર, એનિમિયા અને ખોરાક અંગેની ખોટી માન્યતાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ દરમિયાન જાણવા મળ્યું કે સ્થાનિક માન્યતાઓ અને ખોટી ધારણાઓને કારણે ઘણી મહિલાઓ ઘી, દૂધ જેવી પૌષ્ટિક ખાદ્યવસ્તુઓનું સેવન ટાળતી હતી. આ ગેરમાન્યતાઓ દૂર કરી, યોગ્ય અને સંતુલિત આહારનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ચીલની ભાજી, સુવાની ભાજી, ચણાની ભાજી અને સરગવા , ખજૂર જેવી પૌષ્ટિક ખાદ્યવસ્તુઓ ઓળખી, તેના ઉપયોગ અને સરળ વાનગીઓ દ્વારા પોષણ મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાથે જ ફોલિક એસિડ અને આયર્નની સરકારી દવાઓ અંગેનો ડર દૂર કરી, સમયસર દવા લેવા તથા આયર્નના યોગ્ય શોષણ માટે તેને દૂધને બદલે લીંબુ પાણી જેવા વિટામિન-C યુક્ત પીણાં સાથે લેવાની સમજ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન મહિલાઓ સુધી સીમિત ન રહેતાં તેમના સાસુ-સસરા અને પરિવારના અન્ય સભ્યો સુધી પણ પહોંચાડવામાં આવ્યું, જેથી પરિવારનો સહયોગ મેળવી સગર્ભા મહિલાઓના પોષણ અને આરોગ્યમાં સુધારો લાવી શકાય.
બીજો કાર્યક્રમ ‘નિલેશ’ ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે હતો. તેમાં બાળકો અને તેમના પરિવારજનોને યોગ્ય આહાર, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી, ભોજનના સમય અને ઇન્સ્યુલિનના નિર્ધારિત સમયપત્રક અંગે સમજ આપવામાં આવી હતી.
વિશાખા ગઢવીના જણાવ્યા અનુસાર, આ બંને કાર્યક્રમોના કાર્ય અને પરિણામોના સંદર્ભમાં સાબરકાંઠા સરકારી આરોગ્ય વિભાગને વર્ષ 2026માં SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
તેમનો મુખ્ય ઉદ્દેશ સરળ અને વ્યવહારુ આહાર દ્વારા લોકોમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો છે. તેઓ માને છે કે યોગ્ય આહારની સમજ, નિયમિતતા અને જીવનશૈલીમાં નાના પરંતુ સતત ફેરફારો સ્વસ્થ જીવન તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે.












Leave a Reply