Sampatti Times Real Estate Newspaper

Advertisement

ડાયાબિટીસ: સાઇલન્ટ કિલર સામે સમયસર નિદાન એ જ સચોટ ઇલાજ

Diabetes: Timely diagnosis is the only sure cure for the silent killer

ગુજરાતમાં લગભગ 9 ટકા પુખ્ત લોકો ડાયાબિટીસનો સામનો કરી રહ્યા છે


લાંબા સમય સુધી વધેલી બ્લડ શુગર હૃદય, કિડની, આંખો અને નસોને નુકસાન પહોંચાડી શકે

ડાયાબિટીસની વધતી જતી સમસ્યા વચ્ચે જાગૃતિ અને નિયમિત બ્લડ ટેસ્ટ જીવન બચાવી શકે: ડો. શિવાની પરીખ

ભારતમાં ડાયાબિટીસ આજે માત્ર એક સામાન્ય બીમારી નથી રહી, પરંતુ તે ઝડપથી વધી રહેલી એક એવી બીમારી બની ચુકી છે કે જો સાવચેતી રાખવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં આ બીમારી ઘાતક બની શકે છે. વિશ્ર્વમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ભારત બીજા ક્રમે છે અને અંદાજે 9 કરોડ જેટલા પુખ્ત વયના લોકો આ રોગથી પ્રભાવિત છે.


દેવનંદન પેથોલોજી લેબના ડો. શિવાની પરીખ આ ગંભીર સમસ્યા બાબતે જણાવે છે કે, ગુજરાતમાં પણ લગભગ 9 ટકા પુખ્ત વસ્તી ડાયાબિટીસનો સામનો કરી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ રોગ શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણો આપતો નથી, તેથી તેને “સાઇલન્ટ કિલર” તરીકે ઓળખવામાં આવે છે. જોકે, સમયસર બ્લડ ટેસ્ટ અને જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર દ્વારા તેની ગંભીર જટિલતાઓથી બચી શકાય છે.


આપણે જે ખોરાક ખાઈએ છીએ તે શરીરમાં ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે. આ ગ્લુકોઝનો ઉપયોગ કરવા માટે શરીરને ઇન્સ્યુલિન નામના હોર્મોનની જરૂર પડે છે. જ્યારે શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા ઇન્સ્યુલિન અસરકારક રીતે કામ કરતું નથી, ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. લાંબા સમય સુધી વધેલી બ્લડ શુગર હૃદય, કિડની, આંખો અને નસોને નુકસાન પહોંચાડી શકે છે.


ડાયાબિટીસનું જોખમ 35 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ હોય છે. પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ, ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ, હોર્મોનલ અથવા આનુવંશિક સમસ્યાઓ જેવા કારણો જોખમ વધારે છે. બીજી તરફ વધુ પડતું વજન, કસરતનો અભાવ, અસંતુલિત આહાર, ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલનું સેવન જેવા પરિબળો જીવનશૈલીમાં સુધારો કરીને નિયંત્રિત કરી શકાય છે.


સમયસર સ્ક્રીનિંગ અને સાચી માહિતી જ છે શ્રેષ્ઠ બચાવ.


ડાયાબિટીસની તપાસ માટે રેન્ડમ બ્લડ શુગર (RBS), ફાસ્ટિંગ બ્લડ શુગર (FBS), પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ શુગર (PPBS) અને HbA1c જેવા ટેસ્ટ કરવામાં આવે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ 30 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે નિયમિત સ્ક્રીનિંગ કરાવવાની ભલામણ કરવામાં આવે છે, ભલે કોઈ લક્ષણો ન હોય. જો ડાયાબિટીસના જોખમી પરિબળો હાજર હોય તો ઉંમર ગમે તેટલી હોય, તપાસ કરાવવી જરૂરી છે.


એક જ વખત બ્લડ શુગર વધેલી આવવી એટલે ડાયાબિટીસ હોવાનું નિદાન થઈ જાય એવું નથી. પ્રથમ રિપોર્ટની પુષ્ટિ માટે ફરી ટેસ્ટ અથવા અન્ય બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ કરાવવો જરૂરી છે. સામાન્ય પરિણામ આવે તો દર ત્રણ વર્ષે તપાસ કરાવવી, જ્યારે પ્રીડાયાબિટીસ હોય તો દર વર્ષે ટેસ્ટ કરાવવો જોઈએ.

ડાયાબિટીસ વિશેની મહત્વની હકીકતો
ભ્રમ:
ડાયાબિટીસ માત્ર મોટી ઉંમરના લોકોને થાય છે.
હકીકત: કોઈપણ ઉંમરે થઈ શકે છે.
ભ્રમ: હાઈ બ્લડ શુગર હોય તો ચોક્કસ લક્ષણો દેખાય.
હકીકત: ઘણા દર્દીઓ વર્ષો સુધી કોઈ લક્ષણ વિના રહે છે.
ભ્રમ: પાતળા લોકોને ડાયાબિટીસ થતો નથી.
હકીકત: વજન એકમાત્ર કારણ નથી.
ભ્રમ: ડાયાબિટીસ એટલે જીવનભર મીઠાઈથી સંપૂર્ણ દૂર રહેવું પડે.
હકીકત: સંતુલિત અને મર્યાદિત આહાર સૌથી મહત્વનો છે.
ભ્રમ: મધ, ગોળ કે બ્રાઉન સુગર ડાયાબિટીસમાં સુરક્ષિત છે.
હકીકત: દરેક પ્રકારની સુગરનો પ્રભાવ બ્લડ ગ્લુકોઝ પર પડે છે.


યાદ રાખો: નિયમિત બ્લડ ટેસ્ટ, સક્રિય જીવનશૈલી, સંતુલિત આહાર અને ડોક્ટરની સલાહનું પાલન ડાયાબિટીસને નિયંત્રિત રાખવાની સૌથી અસરકારક ચાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *