Sampatti Times Real Estate Newspaper

Advertisement

સુવિધામાં વધારો નહીં તો ડબલ ટેક્સ શા માટે..? કોમ. પ્રોપર્ટી પર સિંગલ ટેક્સ પોલિસી ક્યારે..?

If not increase in facilities then why double tax..? When will there be a single tax policy on commercial property..?

● જટિલ અને બમણા ટેક્સના ગણિતને કારણે અનેક રાષ્ટ્રીય બેંકો અને મલ્ટીનેશનલ કંપનીઓ રાજકોટમાં આવવાને બદલે અન્ય શહેરો તરફ વળી રહી છે


● ભાડાની આવકનો મોટો હિસ્સો ટેક્સમાં જતો હોવાથી Net ROI (વળતર) ઘટી રહ્યું છે, જેનાથી NRI અને HNI રોકાણકારો નવી પ્રોપર્ટીમાં મૂડી રોકતા અચકાય છે.


● તોતિંગ વેરાના કારણે લીઝ એગ્રીમેન્ટ વખતે થતા વિવાદોને લીધે અનેક મોટા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ અને મોલની ડીલ અધવચ્ચે જ કેન્સલ થઈ રહી છે.

રાજકોટ: રાજકોટ આજે સૌરાષ્ટ્રના આર્થિક ગ્રોથનું મુખ્ય કેન્દ્ર છે, પરંતુ કોમર્શિયલ પ્રોપર્ટી પર લાદવામાં આવેલી ‘ડબલ ટેક્સ’ નીતિ શહેરના આધુનિકીકરણ અને વિકાસના માર્ગમાં મોટો અવરોધ સાબિત થઈ રહી છે. નિષ્ણાતોના મતે, આ અસમાન ટેક્સ માળખું માત્ર રોકાણકારો માટે જ નહીં, પરંતુ સમગ્ર શહેરના અર્થતંત્ર માટે નુકસાનકારક છે. વર્તમાન નીતિ મુજબ, મિલકત ભાડે આપતાની સાથે જ ટેક્સનું ભારણ વધી જાય છે, જે આખરે વેપાર-ઉદ્યોગ અને સામાન્ય ભાડૂઆત પર આવે છે. આ આર્થિક બોજને કારણે અનેક કોમર્શિયલ સ્પેસ ખાલી પડી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટી આશા અને અપેક્ષા છે કે હવે આ તમામ પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ આવી શકે તો અમદાવાદની જેમ રાજકોટ પણ સારું એવું રોકાણ આકર્ષી શકે અને વિકાસના નવા આયામો સર કરી શકે તેમ છે.


નિષ્ણાતોનો એક જ સૂર છે કે જો તંત્ર ‘સિંગલ ટેક્સ ફોર્મ્યુલા’ એટલે કે લોકેશન અને કાર્પેટ એરિયા મુજબ સમાન ટેક્સ નીતિ અપનાવે, તો બજારમાં ૩૦% થી ૪૦% નો સીધો ઉછાળો આવી શકે છે. આ ફેરફારથી ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ વધશે અને લાંબા ગાળે કોર્પોરેશનની પોતાની આવકમાં પણ વધારો થશે.


f1

👉 કોર્પોરેશનનું ડબલ ટેક્સ માળખું રોકાણકારોને નિરુત્સાહી બનાવે છે, કારણ કે ભાડાની આવકનો મોટો હિસ્સો ટેક્સમાં જતો રહેવાથી ROI ઘટતું જાય છે

👉જો ટેક્સની આ અસમાન નીતિ દૂર કરવામાં આવે, તો નવા કોમર્શિયલ પ્રોજેક્ટ્સને વેગ મળશે અને લાંબા ગાળે રોકાણકારોનો રસ વધવાથી કોર્પોરેશનની ટેક્સની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે તેવો ‘ફાઇન પ્રોપર્ટીઝ’ ના અતુલ રાચ્છનો મત

રાજકોટ: કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરતા રોકાણકારો માટે ટેક્સનું વર્તમાન માળખું એક મોટો પડકાર બની ગયું છે. ‘ફાઇન પ્રોપર્ટીઝ’ ના અતુલ રાચ્છના મતે, જ્યારે કોઈ રોકાણકાર પોતાની મૂડી કોમર્શિયલ પ્રોપર્ટીમાં લગાવે છે, ત્યારે તેને અપેક્ષિત વળતર મળવું જરૂરી છે. જો કે, હાલની સ્થિતિ એવી છે કે પ્રોપર્ટી ભાડે આપતાની સાથે જ કોર્પોરેશન દ્વારા ટેક્સના રૂપમાં આવકનો મોટો હિસ્સો વસૂલી લેવામાં આવે છે.

અતુલ રાચ્છના જણાવ્યા અનુસાર, ₹૧૨૫ ના ભાડા સામે ₹૧૦ થી ૧૨ જેટલો ટેક્સ જાય છે, જે રોકાણકાર માટે વ્યાજબી નથી. આર્થિક ગણિત બેસતું ન હોવાથી મોટા HNI અને NRI રોકાણકારો કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી દૂર ભાગી રહ્યા છે. આ પરિસ્થિતિ જો લાંબો સમય ચાલુ રહેશે, તો નવા કોમર્શિયલ પ્રોજેક્ટ્સનું ડેવલપમેન્ટ ઘટશે અને ભવિષ્યમાં કોર્પોરેશનની આવક પર પણ વિપરીત અસર પડશે. જો કોર્પોરેશન આ ટેક્સ નીતિને ‘ડાયલ્યુટ’ કરી સમાન ટેક્સ માળખું અપનાવે, તો માર્કેટમાં ચોક્કસપણે તેજી આવશે અને ઇન્વેસ્ટર્સનો વિશ્વાસ મજબૂત થશે.


f2 2

👉 મિલકત ભાડે આપતાં જ આકરો વેરો નેટ વળતર (ROI) ઘટાડે છે, જેના કારણે રોકાણકારો અને નવા સ્ટાર્ટઅપ્સ સ્પેસ રાખતાં અચકાઈ રહ્યા છે

👉ટેક્સનો દર પ્રોપર્ટીના લોકેશન અને કાર્પેટ એરિયા મુજબ સમાન હોય તેવી સિંગલ ટેક્સ ફોર્મ્યુલાથી બજારમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ વધશે અને રાજકોટનો સર્વાંગી વિકાસ થશે તેવો ‘દેવ રિયલ્ટી’ ના રિયલ્ટર તુષાર મહેતાનો નિર્દેશ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભાડાની કોમર્શિયલ મિલકતો પર લાદવામાં આવેલા બમણા અને ચાર ગણા વેરા સામે ‘સંપત્તિ ટાઈમ્સ’ની પ્રશંસનીય ઝુંબેશને મજબૂત સમર્થન આપતા ‘દેવ રિયલ્ટી’ ના તુષાર મહેતાએ માર્કેટ પર થતી નકારાત્મક અસરો વર્ણવી છે. તેમના મતે, આ ડબલ ટેક્સેશન રોકાણકારો અને એન્ડ-યુઝર્સ બંને માટે મોટો અવરોધ સાબિત થઈ રહ્યું છે. કોઈપણ રોકાણકાર જ્યારે દુકાન કે ઓફિસમાં મૂડી રોકે છે, ત્યારે તેનો મુખ્ય હેતુ સારું રેન્ટલ રિટર્ન મેળવવાનો હોય છે, પરંતુ આ નીતિથી નેટ વળતર (ROI) ખૂબ ઘટી જાય છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, સૌરાષ્ટ્રનું આર્થિક હબ હોવા છતાં રાજકોટમાં ટેક્સની વિસંગતતા બ્રાન્ડ્સ અને MNCsની એન્ટ્રી પર બ્રેક લગાવી રહી છે. તોતિંગ ટેક્સના કારણે નામાંકિત કોર્પોરેટ્સ અને બેંકો રાજકોટમાં ડીલ ફાઇનલ કરવાને બદલે અમદાવાદ કે વડોદરા જેવા સરળ ટેક્સ માળખું ધરાવતા શહેરો તરફ ડાયવર્ટ થઈ જાય છે. રાજકોટના કોમર્શિયલ માર્કેટને બૂસ્ટર ડોઝ આપવા માટે ‘સિંગલ ટેક્સ ફોર્મ્યુલા’ લાગુ કરવી અનિવાર્ય છે. મિલકત સેલ્ફ-યુઝમાં હોય કે ભાડાની, ટેક્સ માત્ર તેના લોકેશન અને કાર્પેટ એરિયા પર જ નક્કી થવો જોઈએ. આ સરળતાથી બજારમાં ૩૦% થી ૪૦% ની નવી તેજી આપોઆપ આવી જશે.


f3

👉લીઝિંગ પ્રોપર્ટી પર ટેક્સ ડબલ કે ક્યારેક તેનાથી પણ વધુ થઈ જવાથી ઘણી મોટી ડીલ અટકી જાય છે અથવા રાજકોટમાં આવતી કંપનીઓ પાછી ફરી જાય છે

👉સમાન અને પારદર્શક ટેક્સ નીતિ લાગુ થવાથી ડીલ ફાઇનલ કરવામાં સરળતા રહેશે, નવી નેશનલ બ્રાન્ડ્સ આકર્ષાશે, પરિણામે રાજકોટનો ગ્રોથ વધશે તેવો ‘શુભ લીઝિંગ એન્ડ ઇન્ફ્રા સર્વિસીઝ’ ના કમલ દક્ષિણીનું એક્સપર્ટ એનાલિસીસ

રાજકોટ: રાજકોટમાં કોમર્શિયલ પ્રોપર્ટી લીઝ પર લેવા આવતી નેશનલ અને મલ્ટીનેશનલ બ્રાન્ડ્સને (MNCs) ડબલ ટેક્સની આ અસમાન નીતિના કારણે ભારે વિસંગતતાનો સામનો કરવો પડે છે. આ અંગે કોમર્શિયલ રિયલ એસ્ટેટ એક્સપર્ટ કમલ દક્ષિણી જણાવે છે કે, જ્યારે કોઈ મોટી બ્રાન્ડ્સ કે બેંક રાજકોટમાં સ્પેસ ભાડે રાખવા આવે છે, ત્યારે તેમને એ જ સમજાતું નથી કે ખાલી પ્રોપર્ટી હોય, માલિક પોતે વાપરે કે બ્રાન્ડ ભાડું આપે, તેમાં મ્યુનિસિપાલિટીના નિયમો અલગ કેમ છે?


કમલ દક્ષિણીના અનુભવ મુજબ, કોર્પોરેશન દ્વારા અપાતી સુવિધાઓ તો સમાન જ રહેવાની છે, તો પછી બેંકો અને કંપનીઓને ભાડે આપતી વખતે ટેક્સ કેમ ડબલ કે ક્યારેક તેનાથી પણ વધુ થઈ જાય છે? આ અણધારી કોસ્ટિંગના કારણે ઘણી મોટી ડીલ અટકી જાય છે અથવા કંપનીઓ પાછી ફરી જાય છે. રાજકોટના વિકાસને નવી ગતિ આપવા માટે માર્કેટમાં નવી બ્રાન્ડ્સ અને કંપનીઓનું આવવું અત્યંત જરૂરી છે. જો કોર્પોરેશન માલિક અને ભાડુઆત વચ્ચેનો આ ટેક્સ ભેદભાવ દૂર કરી ‘સમાન ટેક્સ’ નીતિ અપનાવે, તો લીઝિંગની ડીલ પારદર્શક અને સરળ બનશે, જેનાથી શહેરનો કોમર્શિયલ ગ્રોથ અનેકગણો વધશે.


f4

👉પ્રોપર્ટી ભાડે આપવાથી કોર્પોરેશન કોઈ વધારાનો બેનિફિટ કે સુવિધા નથી આપતું, તો પછી માત્ર ભાડાના નામે ડબલ કે તોતિંગ વેરો વસૂલવો કઈ રીતે તાર્કિક ગણાય?

👉અસમાન ટેક્સ પોલિસીના કારણે રાષ્ટ્રીય કંપનીઓ રાજકોટમાં બિઝનેસ એક્સપાન્શન કરતા અચકાય છે, કેમકે આખા ગુજરાતમાં રાજકોટનું ટેક્સ માળખું સૌથી વધુ આકરૂં લાગે છે તેવો દ્વારકેશ એન્ટરપ્રાઇઝના હર્ષ મોદીનો અભિપ્રાય

રાજકોટ: રાજકોટ શહેરમાં ભાડાની કોમર્શિયલ મિલકતો પર લેવાતા બમણા ટેક્સ અંગે ‘સંપત્તિ ટાઈમ્સ’ના માધ્યમથી ‘દ્વારકેશ એન્ટરપ્રાઇઝ’ ના હર્ષ મોદીએ તાર્કિક રજૂઆત કરી છે. તેમના મતે, મિલકત ભાડે આપવાથી કોર્પોરેશનની કોઈ ફેસિલિટી ટેનન્ટ (ભાડૂઆત) વધારે યુઝ કરતું હોય કે કોર્પોરેશન કોઈ વધારાનો બેનિફિટ શેર કરતું હોય એવું બિલકુલ નથી. કોઈ પણ ઇન્વેસ્ટર જ્યારે ગવર્મેન્ટના સ્ટેમ્પ પેપર, રજીસ્ટ્રેશન ફી અને સર્વિસ ચાર્જ ભરીને પ્રોપર્ટી ખરીદે છે, ત્યારે તે તેનો ઓનર બને છે. ત્યારબાદ તે પોતે બિઝનેસ કરે કે રેન્ટ પર આપે, તેનાથી કોર્પોરેશનને કોઈ ફરક ન પડવો જોઈએ અને માત્ર બેઝિક ટેક્સ જ લેવો જોઈએ.
હાલની સ્થિતિએ ૧૦ માંથી ૮ લીઝ એગ્રીમેન્ટ એવા થાય છે જેમાં આજીવન પ્રોપર્ટી ટેક્સ ભરવાની લાયબિલિટી લેન્ડ ઓનર (માલિક) પર આવે છે. ૯ થી ૧૫ વર્ષના લાંબા કરારમાં ક્યારે કેટલા ટકા ટેક્સ વધી જશે તેની કોઈ ખબર પડતી નથી, જેથી માલિકો મોટા જોખમ સાથે પ્રોપર્ટી રેન્ટ પર આપે છે. આ અનિશ્ચિતતા અને તોતિંગ વેરાના કારણે જ નેશનલ MNC બ્રાન્ડ્સ રાજકોટમાં પોતાનો બિઝનેસ વિસ્તારતા અચકાય છે, કારણ કે આખા ગુજરાતમાં રાજકોટનું ટેક્સ માળખું સૌથી વધુ આકરૂં છે. જો તંત્ર આમાં સુધારો કરી સમાન અને વ્યાજબી નીતિ અપનાવે, તો જ માર્કેટનો સાચો વિકાસ થશે.


f5

👉તોતિંગ ટેક્સના કારણે મોટી બેંકો અને કોર્પોરેટ બ્રાન્ડ્સ રાજકોટમાં આવતા અચકાય છે, જેનાથી પ્રોપર્ટી માલિકોએ ભાડામાં મોટું કમ્પ્રોમાઈઝ કરવું પડે છે

👉 રાજકોટ જેવા સૌરાષ્ટ્રના વિકાસના એન્જિનમાં આ મહાકાય ટેક્સ નાબૂદ કરી ‘સમાન ટેક્સ’ નીતિ લાવવી અનિવાર્ય છે, જેથી રોકાણો અને નવા પ્રોજેક્ટ્સ અટકે નહીં તેવી ધારદાર રજૂઆત કરતાં ‘ભાગ્યલક્ષ્મી રિયલ્ટી’ ના હિતેશ હેમાણી

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના કોમર્શિયલ મિલકતો પરના વિશાળ ટેક્સ સામેની ઝુંબેશને ‘ભાગ્યલક્ષ્મી રિયલ્ટી’ ના હિતેશ હેમાણીનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. હિતેશ હેમાણીના મતે, સૌરાષ્ટ્રના વિકાસનું પાવરફુલ એન્જિન ગણાતા એવા રાજકોટ શહેરમાં રિયલ એસ્ટેટના ગ્રોથ માટે કોમર્શિયલ પ્રોપર્ટી પર લાદવામાં આવેલો તોતિંગ ટેક્સ નાબૂદ કરવો અત્યંત જરૂરી છે.


હિતેશ હેમાણીએ પોતાના અનુભવના આધારે ચિંતાજનક વાસ્તવિકતા દર્શાવતા જણાવ્યું છે કે, જ્યારે દેશની મોટી કંપનીઓ, નામચીન બેંકો કે ફાઇનાન્સિયલ સેક્ટર પોતાની નવી ઓફિસ, બ્રાન્ચ કે મોલ રાજકોટમાં ઓપન કરવા માંગે છે, ત્યારે કોર્પોરેશનના આવા મહાકાય ટેક્સના કારણે પીછેહઠ કરે છે. તોતિંગ ટેક્સના ગણિતના લીધે ઘણી બ્રાન્ડ્સના પ્રોજેક્ટ્સ કેન્સલ થયા હોવાના પણ દાખલા છે. આવી પરિસ્થિતિમાં કાં તો ડીલ તૂટી જાય છે અને કાં તો મિલકત માલિકે પોતાના ભાગમાં આવતા ભાડાની રકમમાં મોટું કમ્પ્રોમાઈઝ કરવું પડે છે. આવી સ્થિતિમાં પ્રોપર્ટી માલિકોને એવું અનુભવાય છે કે કોર્પોરેશનનો આ ટેક્સ જાણે એમના બિઝનેસમાં કોઈ વગર મહેનતનો ભાગીદાર બની ગયો છે! દેશના અન્ય કોઈ શહેરમાં આવો અવાસ્તવિક ટેક્સ નથી, તેથી રાજકોટના વિકાસને બ્રેક મારતા આ નિયમને બદલીને તાકીદે ‘સમાન ટેક્સ’ નું માળખું લાગુ કરવું જોઈએ.


f6

👉 ટેક્સ કોણે ભોગવવો (માલિકે કે ભાડૂઆતે) તે બાબતે કરાર (Lease Agreement) વખતે લાંબી ચર્ચાઓ અને તેના વિવાદો ઘણીવાર તૈયાર ડીલ કેન્સલ કરાવી દે છે

👉સિંગલ વિન્ડો ટેક્સ સિસ્ટમ અને ખાલી મિલકતો પર રાહત આપવાથી માર્કેટમાં પારદર્શિતા આવશે, જેનાથી નવી બ્રાન્ડ્સ આકર્ષાશે અને રિયલ એસ્ટેટ સેક્ટર ફરી ધમધમશે તેવો ‘SH પ્રોપર્ટી’ ના ફાઉન્ડર અર્પિત શાહનું એક્સપર્ટ એનાલિસીસ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલી ડબલ ટેક્સની નીતિ સામે ‘સંપત્તિ ટાઈમ્સ’ ના મંચ પરથી ‘SH પ્રોપર્ટી’ ના અર્પિત શાહે સણસણતો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું આ ટેક્સનું માળખું રાજકોટને ‘મેગાસિટી’ કે ‘સ્માર્ટ સિટી’ બનતા રોકી રહ્યું છે? અર્પિત શાહના મતે, વધારાના ટેક્સના ભારણને લીધે રોકાણકારોનું નેટ વળતર (ROI) ઘટે છે, જ્યારે નાના વેપારીઓ પર ભાડા ઉપરાંત ટેક્સનો આર્થિક બોજ વધે છે, જેથી તેઓ ખરીદી કે લીઝના નિર્ણયો લેવામાં ખચકાય છે.
સૌથી મોટી સમસ્યા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય (MNC) બ્રાન્ડ્સના કિસ્સામાં છે. આ કંપનીઓ ચોક્કસ બજેટ સાથે આવે છે. જ્યારે તેઓ અમદાવાદ કે વડોદરાની સરખામણી રાજકોટના જટિલ ટેક્સ માળખા સાથે કરે છે, ત્યારે અણધારી ગણતરીઓના કારણે તેઓ પીછેહઠ કરે છે. માર્કેટને ફરી દોડતું કરવા માટે કોર્પોરેશને ખાલી પડેલી કોમર્શિયલ પ્રોપર્ટી પર જ્યાં સુધી ભાડૂઆત ન મળે, ત્યાં સુધી ટેક્સમાં મોટી રાહત આપવી જોઈએ. ઉપરાંત સેલ્ફ-એસેસમેન્ટ સિસ્ટમ વધુ સરળ બનાવવી જેથી ટેક્સની ગણતરીમાં કોઈ વિસંગતતા ન રહે. આ પારદર્શક કાર્પેટ એરિયા આકારણીનો અભિગમ જ રાજકોટને સાચા અર્થમાં મેગાસિટી બનાવી શકશે.


f7

👉 જમીન લેવાથી માંડીને બિલ્ડિંગનું કમ્પ્લીશન સુધીની લાંબી સરકારી પ્રક્રિયા ઉપરાંત બિલ્ડિંગ બન્યા પછી દર વર્ષે આવતો ડબલ ટેક્સ બિલ્ડર્સ અને ઈન્વેસ્ટર્સની કમર તોડી નાખે છે

👉 રાજકોટમાં નેશનલ-ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સને મોટી સ્પેસ જોઈએ છે, પરંતુ જો ડબલ ટેક્સ નીતિમાં તાત્કાલિક સુધારો નહીં થાય, તો રોકાણ અને વિકાસ બંનેને મોટો ફટકો પાડવાનો મત વ્યક્ત કરતાં એસવીવી એસ્ટેટના વિનય રાજાઈ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ મિલકતો પર વસૂલાતા ડબલ ટેક્સના નિયમ સામે ‘સંપત્તિ ટાઈમ્સ’ની ઝુંબેશને સમર્થન આપતા ‘SVV એસ્ટેટ’ ના વિનય રાજાઈએ બજારની અંદરની વાસ્તવિકતા રજૂ કરી છે.
તેમના મતે, બિલ્ડર્સ માટે અત્યારે જમીનના ભાવો પહેલેથી જ ખૂબ ઊંચા છે, જેમાં પ્રોજેક્ટ ડેવલપ કરવામાં ચાર વર્ષ નીકળી જાય છે અને પ્લાન કમ્પ્લીશન સુધીની સરકારી પ્રક્રિયાઓ પણ ખૂબ લાંબી અને જટિલ હોય છે. આટલી મહેનત બાદ જ્યારે પ્રોપર્ટી તૈયાર થાય છે, ત્યારે પ્રોપર્ટી ટેક્સ એક બહુ મોટો ખર્ચો બનીને સામે આવે છે.
ખાસ કરીને ઇન્વેસ્ટર્સ જ્યારે મિલકત ભાડે આપે છે, ત્યારે ખાલી અને ભરેલી જગ્યા વચ્ચેનો આ ‘ડબલ ટેક્સ’ એમના માટે દર વર્ષે ચૂકવવો પડતો એક મોટો કાયમી બોજ બની જાય છે. વિનય રાજાઈએ વહીવટી તંત્ર અને સરકારને ખાસ વિનંતી કરી છે કે અત્યારે રાજકોટમાં નેશનલ-ઇન્ટરનેશનલ કંપનીઓ મોટા પાયે આવવા તૈયારી કરી રહી હોય, તેમને રિટેલ, બેન્કિંગ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે સ્પેસની જરૂર છે. આ બ્રાન્ડ્સને આકર્ષવા અને રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટની ગતિ ભવિષ્યમાં ધીમી પડતી અટકાવવા માટે ટેક્સના આ માળખામાં તાત્કાલિક સુધારો કરવો અત્યંત મહત્વનો છે.


f8

👉 ઊંચા ટેક્સનો આખરી બોજ ભાડુઆત પર જ આવે છે જેના પરિણામે અયોગ્ય ડબલ ટેક્સના કારણે કોમર્શિયલ મિલકતો ખાલી પડી રહે છે જે સરવાળે નુક્શાનકર્તા છે

👉 રાજકોટમાં સમાન ટેક્સથી રોકાણકારોનો ભરોસો વધશે, નાના વેપારીઓને રાહત મળશે અને વેપાર-ઉદ્યોગને નવો વેગ મળશે જેથી લાંબા ગાળે મહાનગરપાલિકાની તિજોરી પણ છલકાશે તેવો તર્ક રજૂ કરતાં ‘પ્રગતિ રિયલ્ટી’ ના પંકજ મોલિયા

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના ભાડાની મિલકતો પરના બેવડા ટેક્સના નિયમ સામે ‘સંપત્તિ ટાઈમ્સ’ ની ઝુંબેશને રિયલ એસ્ટેટ માર્કેટનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. આ મુદ્દે ‘પ્રગતિ રિયલ્ટી’ ના શ્રી પંકજ મોલિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ અયોગ્ય પ્રથા તાત્કાલિક અસરથી રદ થવી જોઈએ. જો આ નિયમ નાબૂદ થશે તો માત્ર રોકાણકારોને જ નહીં, પરંતુ સમગ્ર શહેરના અર્થતંત્રને અનેકગણો ફાયદો થશે.


તેઓ સમાન ટેક્સ નીતિનું ગણિત સમજાવતા વધુમાં ઉમેરે છે કે, મિલકત સેલ્ફ-યુઝમાં હોય કે ભાડે, સમાન ટેક્સ નીતિ લાગુ થવાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે અને તેઓ વધુ કોમર્શિયલ સ્પેસ ખરીદવા પ્રેરાશે. ઊંચા ટેક્સનો આખરી બોજ ભાડુઆત પર જ આવે છે. સમાન ટેક્સથી નાના-મોટા વેપારીઓ પરનું આર્થિક ભારણ ઘટશે. ટેક્સના ડરથી જે કોમર્શિયલ મિલકતો ખાલી પડી છે, તેમને ઝડપથી નવા ભાડૂઆતો મળશે, જેનાથી વેપાર-ઉદ્યોગને સીધો વેગ મળશે. સૌથી મોટી વાત એ છે કે, જો ટેક્સનું માળખું મિલકત આધારિત અને એક સમાન થાય તો માર્કેટમાં નવા ટ્રાન્ઝેક્શન્સ વધશે, જેનાથી લાંબા ગાળે કોર્પોરેશનની પોતાની આવક પણ ૧૦૦% વધી શકે છે.


f9

👉રોકાણકારો બચતની મૂડીથી સ્પેસ ઊભી કરી શહેરોનો વિકાસ કરે છે, તેથી તેમને તોતિંગ વેરાથી દબાવવાને બદલે પ્રોત્સાહક નીતિથી સધ્ધર કરવા ખૂબ જરૂરી છે

👉 જો ટેક્સ માળખું સરળ, પારદર્શક અને સંતુલિત બનશે તો માર્કેટમાં રોકાણકારો વધશે, જેનાથી નવું ડેવલપમેન્ટ, રોજગારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ આપોઆપ બૂસ્ટ થશે તેવો આશાવાદ વ્યક્ત કરતાં ‘શીતલ એસ્ટેટ’ ના ચિત્રાંગ ચગ

રાજકોટ: રાજકોટ સહિત ગુજરાતના અગ્રણી અને ઝડપથી વિકસતા શહેરોમાં હાલ રેન્ટલ પ્રોપર્ટી માર્કેટ ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યું છે, ત્યારે ભાડાની આવક પર વસૂલાતી પ્રોપર્ટી ટેક્સ નીતિ પણ એટલી જ વ્યવહારુ અને પ્રોત્સાહક હોવી જોઈએ તેવો સૂર ‘શીતલ એસ્ટેટ’ ના ચિત્રાંગ ચગે વ્યક્ત કર્યો છે.
રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા ૪ દાયકાથી સક્રિય, રોકાણકારો અને ગ્રાહકોના માર્ગદર્શક તથા જાણીતી કન્સલ્ટન્સી પેઢી ‘શીતલ એસ્ટેટ’ના ચિત્રાંગ ચગના મતે, સામાન્ય નાગરિકો કે રોકાણકારો પોતાની જીવનભરની બચત અને મૂડીનું રોકાણ કરીને કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદે છે અને તેને બજારમાં ભાડે આપે છે. આ રોકાણના કારણે જ શહેરોમાં નાના વેપારીઓને દુકાનો, ઓફિસો અને પરિવારોને રહેઠાણ માટે સરળતાથી સ્પેસ ઉપલબ્ધ બને છે. આમ, રોકાણકારો અલ્ટીમેટલી શહેરની આર્થિક ગતિને વેગ આપવાનું મોટું કામ કરે છે. આવા રોકાણકારો પર ડબલ ટેક્સ જેવા વધારાના આર્થિક ભારણ લાદવા યોગ્ય નથી. સરકાર અને તંત્રે સાથે મળીને રોકાણકાર, ભાડુઆત અને કોર્પોરેશન ત્રણેયના સંયુક્ત હિતને ધ્યાનમાં રાખીને એક સંતુલિત માળખું તૈયાર કરવું જોઈએ.


f10

👉 ગ્રાહકોને ચોખ્ખા વળતરની સ્પષ્ટતા મળતી નથી, તોતિંગ ટેક્સ રેટ્સના કારણે બિલ્ડરો, ઇન્વેસ્ટર્સ અને છેલ્લે ગ્રાહકોને અણધાર્યું મોટું નુકસાન સહન કરવું પડે છે

👉 ખાલી મિલકતનો એક વેરો અને કોઈને પણ ભાડે આપેલી મિલકતનો એક સમાન વેરો રાખવાથી જ પ્રગતિ નિશ્ચિત બનશે તેવો ‘ઓમ એસ્ટેટ’ ના પ્રોફેશનલ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ હિરેન લોકવાણીનો અભિપ્રાય

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વસૂલાતા અવાસ્તવિક અને મોંઘા મિલકત વેરા સામે ‘સંપત્તિ ટાઈમ્સ’ દ્વારા ચલાવવામાં આવી રહેલી આર્થિક હિતની ઝુંબેશને ‘ઓમ એસ્ટેટ’ ના પ્રોફેશનલ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ હિરેન લોકવાણીએ પોતાનું મજબૂત સમર્થન આપ્યું છે. બજારના પોતાના ૧૫ વર્ષના અનુભવના આધારે તેઓ જણાવે છે કે, વર્તમાન ટેક્સ માળખાના કારણે કોમર્શિયલ બજારમાં રોકાણકારો નવી ડીલ કરતાં અચકાઈ રહ્યા છે, કારણ કે વેરાના ઊંચા દરોના લીધે તેમને ચોખ્ખા વળતર (Net ROI) ની કોઈ સ્પષ્ટતા મળતી નથી.


તેમના મતે, નાગરિકોને કાયદેસરનો ટેક્સ ચૂકવવામાં કોઈ વાંધો હોતો નથી, પરંતુ અવાસ્તવિક વેરા પદ્ધતિ વેપાર માટે મોટી નડતરરૂપ સાબિત થાય છે. રાજકોટમાં વર્તમાન પરિસ્થિતિ મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીઓને ભાડે જગ્યા આપીને વળતર મેળવવાના આનંદ કરતાં કોર્પોરેશનના ટેક્સની કાનૂની માથાકૂટ ઇન્વેસ્ટર્સને વધુ હેરાન કરે છે. જો રાજકોટને સાચા અર્થમાં અમદાવાદ, સુરત કે વડોદરા જેવું આધુનિક મેટ્રો સિટી બનાવવું હોય, તો ત્વરિત ધોરણે સરળ અને પારદર્શક ટેક્સ પોલિસી લાવવી પડશે. ખાલી પ્રોપર્ટી અને ભાડે આપેલી પ્રોપર્ટી માટે એક સમાન વેરાનો તાર્કિક નિયમ લાવવાથી જ રાજકોટના કોમર્શિયલ માર્કેટનો વિકાસ શક્ય બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *