✅ 2025માં રિયલ એસ્ટેટ માર્કેટનું અનોખું ગણિત
✅ મેટ્રો શહેરોમાં વેંચાણમાં ઘટાડો, છતાં કુલ ટર્નઓવરમાં 6%નો ઉછાળો
✅ 2026માં વ્યાજદરમાં ઘટાડો થશે તો હાઉસિંગ સેક્ટર વધુ તેજી પકડશે
સૌરાષ્ટ્રના રોકાણકારો માટે એક કહેવત છે કે ‘જમીન ક્યારેય જૂની નથી થતી’, પણ 2025ના વર્ષમાં રિયલ એસ્ટેટનું ગણિત થોડું બદલાયું છે. એનારોકના તાજેતરના રિપોર્ટ મુજબ, દેશના મોટા શહેરોમાં મકાનોના વેંચાણમાં 14%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે, ગત વર્ષ કરતા ઘરો ઓછા વેચાયા છે. પણ આશ્ચર્યની વાત એ છે કે, ઓછા મકાનો વેચીને પણ બિલ્ડરોએ ₹6 લાખ કરોડથી વધુની કમાણી કરી છે, જે ગત વર્ષ કરતા 6% વધુ છે. આનો સીધો અર્થ એ છે કે મકાનો મોંઘા થયા છે અને લોકો હવે લક્ઝરી પ્રોપર્ટીમાં વધુ પૈસા રોકી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, 2025માં કુલ 3.96 લાખ મકાનો વેચાયા છે. વેંચાણમાં ઘટાડા પાછળ આઈટી સેક્ટરમાં થયેલી છટણી, પ્રોપર્ટીના વધતા ભાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા મુખ્ય કારણો ગણાય છે. સરેરાશ રહેણાંક કિંમત પણ 8% વધીને ₹9,260 પ્રતિ સ્ક્વેર ફૂટ પર પહોંચી ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે ભાવ વધારાની ગતિ હવે ધીમી પડી રહી છે.
શહેર મુજબ જોઈએ તો, મુંબઈ જેવા મોટા માર્કેટમાં વેંચાણમાં 18% નો ઘટાડો થયો છે. પુણેમાં 20% અને હૈદરાબાદમાં સૌથી વધુ 23% નો ઘટાડો નોંધાયો છે. આ તરફ બેંગલુરુ, દિલ્હી-NCR અને કોલકાતામાં પણ માગ નબળી રહી છે. જોકે, દક્ષિણ ભારતનું ચેન્નાઈ એકમાત્ર એવું શહેર રહ્યું જ્યાં વેંચાણમાં 15% નો વધારો જોવા મળ્યો છે.
એનારોકના ચેરમેન અનુજ પુરી કહે છે કે, “આ વર્ષે દુનિયાભરની ઉથલપાથલ અને મોંઘવારીની અસર બજાર પર દેખાઈ છે.” જોકે, એક સારી વાત એ છે કે ભાવ વધવાની ગતિ હવે ધીમી પડી છે. 2026માં જો બેંકના વ્યાજદરો ઘટશે, તો ફરીથી માર્કેટમાં ધૂમ લેવાલી નીકળી શકે છે. રાજકોટ-સૌરાષ્ટ્રના જે લોકો મેટ્રો શહેરોમાં રોકાણ કરવા માંગે છે, તેમણે અત્યારે ઉતાવળ કરવાને બદલે ‘સમજી-વિચારીને’ ચાલવાની જરૂર છે.
🎯 સૌરાષ્ટ્રના રોકાણકારો ખાસ નોંધે:
બજારનો મૂડ: દેશના ટોચના 7 શહેરોમાં મકાનોનું વેંચાણ 14% ઘટ્યું.
ખિસ્સા ખાલી: સરેરાશ ભાવ ₹8,590 થી વધીને ₹9,260 થયા.
ગલ્લો ગરમ: કુલ વેંચાણની કિંમત ₹6 લાખ કરોડને પાર (6% વૃદ્ધિ).
ક્યાં નરમાઈ?: મુંબઈ, પુણે અને હૈદરાબાદમાં વેંચાણ ઘટ્યું.
ક્યાં તેજી?: માત્ર ચેન્નાઈમાં મકાનોની માગ વધી.












Leave a Reply