✅ કોલિયર્સ રિપોર્ટનો ધડાકો: જાણો કેમ અત્યારે પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે ‘ઘી-કેળા’?
✅ છેલ્લા 15 વર્ષોમાં દેશમાં હોમ લોનનો આંકડો 3 લાખ કરોડથી વધીને 30 લાખ કરોડે પહોંચ્યો
✅ કોલિયર્સ ઈન્ડિયાના CEO બાદલ યાજ્ઞિકના મતે, વ્યાજદરમાં સંભવિત ઘટાડો અને નીચો ફુગાવો આગામી સમયમાં પ્રોપર્ટીના મૂલ્યમાં વધારો કરશે; ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ અને નવી કનેક્ટિવિટીને લીધે શહેરના પેરિફેરલ વિસ્તારોમાં પણ પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા
સ્થિર ભાવ, વધતી આવક અને સાનુકૂળ સરકારી નીતિઓ – આ ત્રણ પરિબળો રિયલ એસ્ટેટને રોકાણ માટેનું સુરક્ષિત બંદર બનાવે છે. ‘સંપત્તિ ટાઈમ્સ’ ના વાચકો માટે આ સમય ‘વેઈટ એન્ડ વોચ’નો નથી, પણ સક્રિય બનીને ભવિષ્યની સંપત્તિનું નિર્માણ કરવાનો છે.
ફોર્ચ્યુન 500 કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવતી, રિયલ એસ્ટેટ સેવાઓમાં વૈશ્વિક અગ્રણી સંસ્થા કોલિયર્સ ઈન્ડિયાના તાજેતરના રિપોર્ટે ભારતીય રિયલ એસ્ટેટના ભાવિ અંગે એવા આંકડાકીય રહસ્યો ખોલ્યા છે, જે રોકાણકારો માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે તેમ છે.” કોલિયર્સ ઈન્ડિયાનો તાજેતરનો રિપોર્ટ સાબિત કરે છે કે અમદાવાદ અને હૈદરાબાદ દેશના સૌથી વ્યાજબી (Affordable) માર્કેટ તરીકે ઉભરી આવ્યા છે.
રિયલ એસ્ટેટની ભાષામાં ‘પ્રાઈસ-ટુ-ઈનકમ’ (P/I) રેશિયો એ રોકાણની સરળતા માપવાનો શ્રેષ્ઠ માપદંડ છે. રિપોર્ટ મુજબ, ભારતનો સરેરાશ P/I રેશિયો 2010માં 88.5 ના ઉચ્ચ સ્તરે હતો, જે 2025માં ઘટીને 45.3 ના સ્તરે પહોંચી ગયો છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે 15 વર્ષ પહેલાની સરખામણીએ આજે મકાન ખરીદવું બમણું સરળ બન્યું છે.
શહેર પ્રમાણે જોતા, અમદાવાદ આ રેસમાં અગ્રેસર છે, અમદાવાદમાં P/I રેશિયો 2010ના 43.6 થી ઘટીને 2025માં 19.8 થઈ ગયો છે, જે તેને ખરીદદારો માટે પ્રથમ પસંદગી બનાવે છે. હૈદરાબાદમાં આ આંકડો 25.6 થી ઘટીને 16.3 થયો છે. તેવી જ રીતે, બેંગલુરુમાં 44.2 થી સુધરીને 20.9 અને દિલ્હી-NCR માં 63.8 થી ઘટીને 27.8 થયો છે. આ સુધારો દર્શાવે છે કે લોકોની આવક પ્રોપર્ટીના ભાવ કરતા વધુ ઝડપથી વધી છે.
ધિરાણ ક્ષેત્રે આવેલો ઉછાળો રિયલ એસ્ટેટમાં સુધારાનો શ્રેય બેંકિંગ સેક્ટરને પણ જાય છે. પહેલા લોન લેવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું હતું. પણ આજે બેંકો લાલ જાજમ બિછાવીને ઉભી છે. 2010 માં દેશમાં કુલ હોમ લોનનું પ્રમાણ ₹3 લાખ કરોડ હતું, જે 2025 માં વધીને ₹30 લાખ કરોડ થી પણ વધુ થઈ ગયું છે. બેંક ક્રેડિટમાં હાઉસિંગ લોનનો હિસ્સો 10% થી વધીને 17% થયો છે. વ્યાજદરો પણ હાલ 5.5% ની આસપાસ છે, જે મધ્યમ વર્ગ માટે સૌથી મોટું આકર્ષણ છે.
આજે ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્ર એક એવા વળાંક પર ઉભું છે જ્યાં સામાન્ય નાગરિકની ખરીદશક્તિ અને બજારની સ્થિરતા વચ્ચે એક અદભૂત તાલમેલ રચાયો છે. આંકડા સાક્ષી પૂરે છે કે ભારતીય રિયલ એસ્ટેટ અત્યારે તેના સૌથી શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ‘સંપત્તિ ટાઈમ્સ’ના રોકાણકારો માટે આ સમય માત્ર રાહ જોવાનો નથી, પણ સચોટ ડેટાના આધારે યોગ્ય રોકાણ કરવાનો છે.












Leave a Reply