✅ પ્રોપર્ટી માર્કેટ અપડેટ: નવી જંત્રીથી રોકાણ અને ખરીદી પર શું અસર થશે?
✅ વૈજ્ઞાનિક જંત્રીની અમલવારી એટલે રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં પારદર્શિતાનો નવો યુગ?
શું ફેબ્રુઆરી-૨૦૨૬માં આવનારી ‘વૈજ્ઞાનિક જંત્રી’ રાજકોટના પ્રોપર્ટી માર્કેટનું ગણિત બદલી નાખશે? ‘સંપત્તિ ટાઈમ્સ’ આ જટિલ વિષય પર લાવ્યું છે રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રના બે દિગ્ગજ અગ્રણીઓનું સચોટ વિશ્લેષણ.
રાજકોટ : ગુજરાત સરકાર આગામી ફેબ્રુઆરી-૨૦૨૬ના બજેટ સત્ર પૂર્વે જ રાજ્યમાં વૈજ્ઞાનિક ઢબે તૈયાર થયેલી નવી જંત્રી અમલમાં મૂકવાની તૈયારીમાં છે. બાંધકામના પ્રકાર અને વેલ્યુઝોન આધારિત આ ફેરફારોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રોપર્ટી માર્કેટ પર કેવી અસર થશે, તે અંગે ‘સંપત્તિ ટાઈમ્સ’ માટે રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રના બે દિગ્ગજ અગ્રણીઓએ તેમના મહત્વપૂર્ણ અભિપ્રાયો રજૂ કર્યા છે. સરકારની નવી નીતિથી ગભરાવવાની જરૂર છે કે સ્વાગત કરવાની? જાણો ઈનસાઈડ સ્ટોરી.

વૈજ્ઞાનિક પદ્ધતિથી વિસંગતતાઓ દૂર થતા બજાર મજબૂત બનશે
અંકિત એસ્ટેટના દિલીપભાઈ સોમૈયાનો આશાવાદી સૂર
પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનશે અને ગ્રાહકોને પસંદગીની તકો મળશે
“રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલમાં આવનારી નવી વૈજ્ઞાનિક જંત્રી લાંબા ગાળા માટે રિયલ એસ્ટેટ માર્કેટની ‘હેલ્થ’ સુધારશે. અત્યાર સુધી અનેક વિસ્તારોમાં બજારભાવ અને જંત્રી વચ્ચે અસમાનતા હતી, જે હવે વેલ્યુઝોન અને બાંધકામ પ્રકારના ચોક્કસ વર્ગીકરણથી દૂર થશે.” તેમ જણાવતા અંકિત એસ્ટેટના દિલીપભાઈ સોમૈયા ઉમેરે છે કે, જ્યારે સિસ્ટમમાં સ્પષ્ટતા આવે છે ત્યારે ડેવલપર્સ માટે કામ કરવું સરળ બને છે.
નવી જંત્રીમાં આર.સી.સી., લોડ બેરીંગ અને ખુલ્લી જમીનનું અલગ મૂલ્યાંકન હોવાથી જૂની વિસંગતતાઓ નિવારી શકાશે. આ ફેરફારને કારણે અટકેલા પ્રોજેક્ટ્સને વેગ મળશે અને નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થશે. આખરે આનો સીધો ફાયદો ગ્રાહકને જ છે, કારણ કે બજારમાં પ્રોપર્ટીના વિકલ્પો વધશે અને ખરીદનાર વર્ગ સુરક્ષિત રીતે સોદા કરી શકશે. વૈજ્ઞાનિક અભિગમથી થતો સુધારો ઉદ્યોગ માટે હકારાત્મક છે.

જંત્રી વધે તો સામે સ્ટેમ્પ ડ્યુટી ઘટે તેવી લોકલાગણી
જંત્રીમાં સુધારા આવશ્યક હતા પણ ખરીદનારને ટેક્સમાં રાહત મળવી જોઈએ તેવો અમર એસ્ટેટના અશ્વિનભાઈ ઉનડકટનો સૂર
આયોજનપૂર્વકના વ્યવસ્થિત અમલથી બિલ્ડર્સ અને સપ્લાયર્સ સહિત સૌને ફાયદો થશે
“જંત્રીના દરોમાં સુધારો અને બદલાવ એ સમયની માંગ હતી અને તે અનિવાર્ય પણ હતા. પરંતુ જ્યારે હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી જંત્રીના ભાવ વધી રહ્યા છે, ત્યારે મિલકત ખરીદદારોની પણ સરકાર પાસે વ્યાજબી અપેક્ષા છે.” તેમ જણાવતા અમર એસ્ટેટના અશ્વિનભાઈ ઉનડકટ સ્પષ્ટ કરે છે કે, “જો જંત્રીના દરમાં વધારો થાય, તો તેને સાપેક્ષમાં સામાન્ય પ્રજાને સ્ટેમ્પ ડ્યુટીના દરમાં રાહત મળવી જોઈએ, જેથી મિલકત ખરીદીનું ભારણ ન વધે.”
તેઓ વધુમાં આશાવાદ વ્યક્ત કરતા જણાવે છે કે, “રિયલ એસ્ટેટ ક્ષેત્રે જંત્રી એ પાયાની બાબત છે. જો સરકાર દ્વારા કોઈપણ વિસંગતતા વગર આયોજનપૂર્વક અને વ્યવસ્થિત રીતે આનો અમલ કરવામાં આવે તો લાંબા ગાળે બિલ્ડર્સ, ડેવલપર્સ, મટીરિયલ્સ સપ્લાયર્સ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ વર્ગને ફાયદો થઈ શકે છે. જરૂર છે માત્ર સાનુકૂળ અને પ્રેક્ટિકલ અમલીકરણની.”












Leave a Reply