Sampatti Times Real Estate Newspaper

Advertisement

મેટ્રો સિટીઝને હંફાવીને ‘Space Odyssey’એ CREDAI નેશનલ એવોર્ડ્સમાં મારી બાજી

'Space Odyssey' beats metro cities to win CREDAI National Awards

નવી દિલ્હીમાં રાજકોટનો જયઘોષ: તળાવિયા પરિવાર માટે ગૌરવની ક્ષણ

નવી દિલ્હીના તાજ પેલેસમાં યોજાયેલ CREDAI Awards for Real Estate Excellence 2025 ની સાંજ રાજકોટવાસીઓ માટે યાદગાર બની ગઈ

જ્યારે વિજેતા મંચ પર દીકરો ગેરહાજર હતો, ત્યારે માતા અને પરિવારે ઝીલ્યો ગૌરવવંતો એવોર્ડ – જાણો એક ઐતિહાસિક સાંજની વાત

નવી દિલ્હીના તાજ પેલેસમાં યોજાયેલ CREDAI Awards for Real Estate Excellence 2025 ની સાંજ રાજકોટવાસીઓ માટે યાદગાર બની ગઈ છે. સામાન્ય રીતે નેશનલ એવોર્ડ્સમાં મોટા શહેરોનો દબદબો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટે મેટ્રો સિટીઝની આંખમાં આંખ મિલાવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

આ મુકાબલો રિયલ એસ્ટેટના દિગ્ગજો વચ્ચે હતો. દિલ્હી NCR ના પ્રખ્યાત Eldeco Group (એલ્ડેકો ગ્રુપ) ને ‘Best Commercial Project of India’ નો એવોર્ડ મળ્યો, પરંતુ તેમની જ હરોળમાં ઊભા રહીને, રાજકોટના ‘Space Odyssey’ પ્રોજેક્ટ ‘Runner-Up’ (રનર્સ અપ) નું બિરુદ મેળવ્યું છે. એક ટીયર-2 સિટીના પ્રોજેક્ટ માટે નેશનલ લેવલે આ સ્થાન મેળવવું એ કોઈ નાની સૂની વાત નથી.

પટેલ ટીમ્બર ગ્રૂપના યુવા સારથી ધ્રુવીક તળાવિયા (પટેલ) ના ઈનોવેટીવ વિઝનનું આ પરિણામ છે. 22 માળના આ પ્રીમિયમ કોર્પોરેટ ટાવરમાં તેમણે માત્ર ઓફિસો જ નથી બનાવી, પરંતુ એલિવેટેડ પાર્કિંગ, કેફેટેરિયા સહિતની સુવિધાઓ આપીને રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોજેક્ટ ભેટ ધર્યો છે.

આ એવોર્ડ સેરેમનીમાં એક ભાવુક દ્રશ્ય પણ સર્જાયું હતું. પ્રોજેક્ટના સર્જક ધ્રુવીક પટેલ પૂર્વ-નિર્ધારિત વિદેશ પ્રવાસને કારણે આ ઐતિહાસિક ક્ષણે હાજર રહી શક્યા ન હતા. તેમણે સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં આ ગેરહાજરી બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ, તેમની ખોટ વર્તાવા ન દેતા, મંચ પર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. ધ્રુવીકભાઈના માતૃશ્રી રસીલાબેન ઘનશ્યામભાઈ તળાવિયા, તેમના લઘુબંધુ ભવ્ય તળાવિયા અને મીરા તળાવિયા એ સાથે મળીને કેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ શેખરભાઈ પટેલ ના હસ્તે આ ટ્રોફી સ્વીકારી હતી. આ ક્ષણ માત્ર એક બિલ્ડરની સફળતાની નહીં, પરંતુ એક પરિવારના સંઘર્ષ અને સાથ-સહકારની સાક્ષી પૂરી રહી હતી.

આ કોન્ક્લેવમાં રાજકોટ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેડાઈ ગુજરાતના પ્રમુખ પરેશ ગજેરા, ગોપી પટેલ, દિલીપ લાડાણી, દિશીત પોબાઉ અને જય જોબનપુત્રા એ હાજરી આપીને તળાવિયા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો.

આ એવોર્ડ સાબિત કરે છે કે રાજકોટ હવે માત્ર સૌરાષ્ટ્રનું હબ નથી, પરંતુ ભારતના રિયલ એસ્ટેટ મેપ પર એક ચમકતો સિતારો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *