👉 યોજનાનાં અમલ બાદ TP વિભાગ દ્વારા વિકાસ પરવાનગી, BU અને NOC પ્રક્રિયા થશે વધુ ઝડપી અને નિયમિત
👉 GTPCLને સોંપાઈ વિકાસ યોજના બનાવવાની જવાબદારી; રોડ નેટવર્કથી લઈ ગ્રીન ઝોન સુધીનું વ્યાપક આયોજન
મોરબી શહેરના સુવ્યવસ્થિત, આયોજનબદ્ધ અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ વિકાસને ઝડપ આપવા માટે નવી વિકાસ યોજના (ડેવલોપમેન્ટ પ્લાન) તૈયાર કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. મોરબી મહાનગરપાલિકા તથા મોરબી-વાંકાનેર શહેર વિકાસ સત્તામંડળે આ જવાબદારી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન વિકાસ કંપની લિમિટેડ (GTPCL) ને સોંપી છે. શહેરની ભૌગોલિક, સામાજિક અને આર્થિક વૃદ્ધિને અનુરૂપ આગામી 20 વર્ષનો વ્યાપક વિકાસ માર્ગ તૈયાર કરવાનો આ પ્રયાસ છે.
દીર્ઘગાળાના વિકાસ માટેનું મહત્ત્વપૂર્ણ વિઝન ડોક્યુમેન્ટ
નવી વિકાસ યોજના મોરબી શહેરના સર્વાંગી વિકાસ માટેનું મૂળભૂત દસ્તાવેજ બની રહેશે. તેમાં શહેરના રોડ નેટવર્ક, રિંગ રોડ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ ઝોન, જાહેર પરિવહન સુવિધા, ગ્રીન ઝોન, ગાર્ડન અને ખેલ મેદાન જેવી જરૂરી સુવિધાઓનો સમાવેશ કરાશે. સાથે સાથે રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું વૈજ્ઞાનિક વર્ગીકરણ, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, આરોગ્ય અને શિક્ષણ સંબંધી માળખાકીય સુવિધાઓનું આયોજન પણ આ વિકાસ યોજનાનો ભાગ બનશે.
શહેરમાં સતત વધતી વસતી, વિસ્તરતો વેપાર-વાણિજ્ય અને ઔદ્યોગિક પ્રવાહોને ધ્યાનમાં રાખીને, મોરબી માટે આધુનિક અને ભવિષ્યગામી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો મુખ્ય હેતુ છે. આ આયોજન અમલમાં આવશે ત્યારે શહેરની વિકાસ યાત્રા વધુ સંગઠિત, ઝડપી અને ટકાઉ માર્ગે આગળ વધશે.
વિકાસ યોજના બાદ શરૂ થશે મંજૂરી પ્રક્રિયા
વિકાસ યોજના જાહેર થયા પછી મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ (TP) શાખા વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરવાનગી (BU) સહિત વિવિધ NOC અને લેઆઉટ મંજૂરીઓ નિયમિત રીતે જારી કરવાનું શરૂ કરશે. આનો સીધો લાભ બાંધકામ ક્ષેત્રને મળશે. નિયમિત અને પારદર્શક મંજૂરી પ્રક્રિયા શરૂ થતાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા હાઉસિંગ વિકાસને વધારાનો વેગ મળશે. શાસકીય પ્રક્રિયાઓ સરળ બનવાથી નાગરિકોને સેવાઓ પણ ઝડપથી અને સરળતાથી મળી શકશે.
નાગરિક સહભાગિતા માટે સેમિનાર અને પ્રેસ કોન્ફરન્સ
મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે વિકાસ યોજનાને વધુ અસરકારક અને નાગરિકકેન્દ્રિત બનાવવા માટે આગામી દિવસોમાં સેમિનાર અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. શહેરના નાગરિકો, બિલ્ડર્સ, ઉદ્યોગકારો, સામાજિક સંસ્થાઓ અને નિષ્ણાતોના મંતવ્યો, સૂચનો અને સલાહ મેળવી આખરી આયોજન દસ્તાવેજ વધુ મજબૂત બનાવાશે. નાગરિકોના સક્રિય સહભાગ સાથે તૈયાર થનારી આ યોજના માત્ર કાગળ પરનું આયોજન નહીં રહે, પરંતુ મોરબીના ભવિષ્યને નવી ઊંચાઈ સર કરાવતી દિશામાં માર્ગદર્શક સાબિત થશે, તેવી મહાનગરપાલિકાની અપેક્ષા છે.












Leave a Reply