મકાનની લે વેચ, ગીરો, બક્ષીસમાં પણ અશાંત ધારાની પૂર્વ મંજૂરી ફરજિયાત : અશાંત ધારાની મંજૂરીના ખર્ચને ઘણા કિસ્સાઓમાં મકાન માલિક-ભાડુઆત વચ્ચે થતો વિવાદ
અશાંત ધારામાં અગાઉ દસ્તાવેજ કરતા પહેલાં અશાંત ધારાની પરવાનગી ફરજિયાત હતી. પરંતુ બાદમાં મકાન ભાડે આપતા તથા એફિડેવિટ કરતા પહેલાં અશાંત ધારાની પરવાનગી ફરજિયાત બનાવી દેવાઇ છે.
સામાન્ય રીતે લોકો અશાંતધારા લાગુ હોય તે જ વિસ્તારમાં મિલકત લે વેચ માટે જરૂરી મંજુરી લેવી જરૂરી હોવાનું માનાતા હોય છે. પરંતુ ઘણાખરાને એ વાતનો ખ્યાલ નથી માત્ર મિકલત લે વેચ માટે જ નહીં પરંતુ મકાન ભાડે આપતી વખતે પણ અંશાત ધારો લાગુ હોય તે વિસ્તારમાં જરૂરી મંજૂરી લેવી ફરજિયાત છે.
અશાંત ધારો લાગુ હોય તે વિસ્તારમાં આવતા મકાન ભાડે આપવાનું હોય તો અશાંત ધારાની પૂર્વ મંજૂરી લેવાની રહે છે. જો તેમ નહીં કરવામાં આવે તો કાયદા મુજબની કાર્યવાહી થઇ શકે તેવો પરિપત્રમાં ઉલ્લેખ છે. મકાનની લે વેચ, ગીરો, બક્ષીસમાં પણ અશાંત ધારાની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે.
અશાંત વિસ્તારમાં કોમી એકતા જળવાઇ રહે તે હેતુથી ગુજરાત અશાંત ધારા 1991 હેઠળ આ વિસ્તાર સમાવિષ્ટ થયેલા છે. જે કાયદા મુજબ સમાવિષ્ટ વિસ્તારોમાં કોઇ પણ પ્રકારે વેચાણ, તબદીલી, બક્ષીસ, અદલ બદલ, ગીરો, લીવ એન્ડ લાઇસન્સથી ભાડે આપવી કે અન્ય રીતે ટ્રાન્સફર કરતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ(કલેક્ટર)ની પરવાનગી લેવાની રહેશે. જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવ્યા પછી જ મિલકત તબદીલ કે ટ્રાન્સફર કરી શકાય છે. અશાંત ધારા કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારને ભાડેથી આપવા, બક્ષીસ, ગીરો કે અન્ય કોઇ રીતે તબદીલ કરેલ હોય તેનું ધ્યાન આવેલું હતું. જેના કારણે સમયાંતરે બે કોમ વચ્ચેના ધર્ષણ થવા અંગેના બનાવો બનવા પામ્યા હતાં. આથી અશાંત ધારા કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ પ્રકારની મિલકતોની તબદીલ એટલે કે મિલકત કોઇપણ પ્રકારે વેચાણ કે બક્ષીસ, અદલાબદલી, લીઝ, ગીરો, લીવ એન્ડ લાઇસન્સ કે અન્ય કોઇ પણ પ્રકારે નોટરાઇઝ્ડ કે એફીડેવીટ કરતા પહેલાં અશાંત ધારા કાયદા હેઠળની જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા કિસ્સામાં જ એફિડેવિટ કે નોટરીની કાર્યવાહી કરવાની રહેશે. અશાંત ધારાની પૂર્વ મંજૂરી વગર કાર્યવાહી કરવી એ ગુનો બનશે.
અશાંત ધારામાં અગાઉ દસ્તાવેજ કરતા પહેલાં અશાંત ધારાની પરવાનગી ફરજિયાત હતી. પરંતુ બાદમાં મકાન ભાડે આપતા તથા એફિડેવિટ કરતા પહેલાં અશાંત ધારાની પરવાનગી ફરજિયાત બનાવી દેવાઇ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અસર બહુ મોટી થાય એમ છે. વર્ષ 2002માં તોફાનોને બાદ કરતા રાજ્યમાં એક પણ કોમી તોફાનો થયા નથી. તેમજ જો અશાંતધારાનો અમલ જ કરાવવો હોય તો હિન્દુ-મુસ્લિમ વચ્ચે થતા દસ્તાવેજો માટે જરૂરી છે. પરંતુ હિન્દુ-હિન્દુ અને મુસ્લીમ-મુસ્લીમ વચ્ચે થતા સોદામાં અશાંત ધારાની પરવાનગી બિન વ્યવહારૂ હોવાનું જણાય છે.
અશાંત ધારાની પરવાનગીમાં મોટા પાયે લેતી દેતી ચાલે છે. હિન્દુ-હિન્દુ વચ્ચે થતા દસ્તાવેજમાં પણ પરવાનગી બિન જરૂરી છે. એ આ નવા નિર્ણયથી ઘણાને અસર થશે. બાપ-દાદાની મિલકત હવે લઘુમતી કે બહુમતી વિસ્તારમાં આવેલી હોય અને તે ભાડે આપે તો તેની દર વખતે પરવાનગી લેવાની રહેશે તેવું પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. અશાંતધારાની મંજૂરીનો ખર્ચ અંદાજે 10થી 20 હજાર થાય છે હવે આ ખર્ચ મકાન માલિક ભોગવશે કે ભાડુઆત તેના વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.
વિજય પી. ભટ્ટ
(એડવોકેટ એન્ડ નોટરી)
મો. 98798 96465












Leave a Reply