👉 16 વર્ષથી ધો.12 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી કરાઇ રહ્યો છે અનોખો સેવાયજ્ઞ
👉 અમર એસ્ટેટ એજન્સીના પ્રણેતા પુરૂષોત્તમભાઈ ઉનડકટે ચાતરેલા ચિલા પર તેમના સંતાનોએ ચાલી પિતાનું સ્વપ્ન કર્યું “સાકાર”
👉 યુવા પેઢીની પણ વડિલોએ કંડારેલી આ કેડી પર ચલાવાની નેમ
પરિવારનુ ગુજરાન ચલાવવા આર્થિક ઉપાર્જન માટે દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિ કરતું હોય છે. પરંતુ પરિવારની સાથે સમાજ અને દેશના નિર્માણ માટે જ્યારે કોઈ વ્યક્તિ સહભાગી બને છે. ત્યારે તેનું કદ મુઠ્ઠી ઉચેરૂ બની જતું હોય છે. આવો જ સેવાયજ્ઞ અમર એસ્ટેટ એજન્સી એટલે કે સાકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 16 વર્ષથી ચલાવવામાં આવી રહ્યો છે. અમર એસ્ટેટ એજન્સીના પ્રણેતા પુરૂષોત્તમભાઈ ઉનડકટ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવાનું જે ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું તેને તેમના સંતાનોએ એ જ ભાવના સાથે વધુ મોટા પ્રમાણમાં યથાવત રાખ્યું છે. અમર એસ્ટેટ એજન્સી છેલ્લા 16 વર્ષથી ધોરણ 12 પછી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સહભાગી બની રહ્યું છે. આ પરિવારની યુવા પેઢી પણ વડીલોએ કંડારેલી આ કેડી પર આગળ વધવાની નેમ વ્યક્ત કરી છે.

સાકાર ચેરીટેબલ ટ્રસ્ટ (અમર એસ્ટેટ એજન્સી) છેલ્લા 16 વર્ષથી લોહાણા જ્ઞાતિના રાજકોટમાં રહેતા આર્થિક જરૂરિયાતવાળા ધોરણ 12 થી ઉપર હાયર એજ્યુકેશન વાળા 70 ટકાથી વધુ માકર્સ લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી રહ્યું છે. આ વર્ષે તારીખ 20 જૂનના રોજ આ સ્કોલરશીપ આપવામાં આવી હતી. જેનો લાભ તેજસ્વી વિદ્યાર્થીઓએ લીધો હતો. સ્કોલરશીપ વિતરણના આ સમારોહમાં રાજકોટના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે તથા બિલ્ડર એસોસિએશનના સભ્યો, બ્રોકર એસોસિએશનના સભ્યો રઘુવંશી ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.

અમર એસ્ટેટ એજન્સીના પ્રણેતા પુરૂષોત્તમભાઈ દ્વારા ચાતરવા આવેલા આ ચિલા પર તેમના સંતાનો આગળ વધી રહ્યા છે. અશ્ર્વિનભાઈ, દીપકભાઈ, અમિતભાઈ અને આશિષભાઈ પોતાના વ્યક્તિગત ભંડોળમાંથી સાકાર ચેરીટેબલ ટ્રસ્ટ કોઈ વ્યક્તિ કે સંસ્થાના ડોનેશન વગર વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપી રહ્યું છે.
દરેક વિદ્યાર્થીઓને તેમની શાખા અને માપદંડ અનુસાર રૂ. 3,000 થી રૂ. 6,500 સુધીની સ્કોલરશીપના ચેક આપવામાં આવે છે તેમજ તેની સાથે ચોપડા અને એક જોડી કપડાં પણ આપવામાં આવે છે. સ્કોલરશીપ ખાસ કરીને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે છે. દર વર્ષે આશરે 200 થી 230 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ પ્રોગ્રામનો લાભ મળે છે જેમાંથી લગભગ 70 ટકા દીકરીઓ હોય છે.

અમર એસ્ટેટ એજન્સીના આ સેવાયજ્ઞમાં હવે યુવા પેઢી પણ સહભાગી થવાની છે. ઉનડકટ પરિવારની યુવા પેઢી વડીલોએ કંડારેલી સેવાની આ કેડી પર આગળ વધવાની નેમ વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ દેશના ભવિષ્યના નિર્માણમાં સહભાગી થવાની આ ભગીરથ પ્રવૃત્તિ ભવિષ્યમાં પણ આ જ રીતે અને આના કરતા પણ વધુ મોટા પ્રમાણમાં ચાલતી રહેશે.

















Leave a Reply