Sampatti Times Real Estate Newspaper

Advertisement

કાનનો મેલ (Wax): કુદરતી સુરક્ષા કવચ કે કચરો ?

Earwax: A natural protective shield or waste?

ઈયર બડ્સથી કાન સાફ કરવા જતાં મેલ બહાર નીકળવાને બદલે પડદા પર ચોંટીને ‘સિરૂમેન પ્લગ’ બને છે

ભારતમાં દર વર્ષે હજારો લોકો કાનમાં પિન, ચાવી કે દીવાસળી નાખવાથી કાનનો પડદો ફાડી નાખે છે

રાજકોટ: સવારના નહાયા પછી કાનમાં રૂવાળી સળી (Ear Buds), હેરપિન કે દીવાસળી ફેરવવી એ આપણા સૌરાષ્ટ્રમાં એક સામાન્ય આદત બની ગઈ છે. લોકોને એમ લાગે છે કે તેઓ કાન સાફ કરી રહ્યા છે, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર આ આદત કાનના પડદા માટે અત્યંત જોખમી છે.


કુદરતે આપણા કાનની નળીમાં ‘સીરૂમેન’ (Cerumen) એટલે કે મેલ બનાવવાની એક વિશિષ્ટ ગ્રંથિ મૂકી છે. આ મેલ કોઈ કચરો નથી, પરંતુ કાનની નાજુક ત્વચાને સુરક્ષિત રાખતું કુદરતી લુબ્રિકન્ટ છે. તે એસિડિક ગુણધર્મ ધરાવે છે, જેના કારણે બહારથી આવતા ધૂળના રજકણો, બેક્ટેરિયા, ફૂગ અને નાના જીવજંતુઓ કાનના ઊંડાણ સુધી પહોંચી શકતા નથી.


સૌથી અગત્યની બાબત એ છે કે માનવ કાન ‘સેલ્ફ-ક્લીનિંગ’ (આપમેળે સાફ થતું) અંગ છે. આપણે જ્યારે ખોરાક ચાવીએ છીએ કે વાતચીત કરીએ છીએ ત્યારે જડબાના હલનચલનથી સૂકો મેલ આપમેળે બહારના છેડા તરફ ઘડેલાઈ જાય છે. જ્યારે આપણે કાનમાં ઈયર બડ્સ નાખીએ છીએ, ત્યારે મેલ બહાર આવવાને બદલે અંદર ધકેલાઈને કાનના પડદા પર પથ્થર જેવો કઠણ ડૂચો બની જાય છે. આનાથી કાનમાં ધાક પડે છે અને પડદો ફાટવાનું જોખમ સર્જાય છે.

એક્સપર્ટ ઓપિનિયનઃ
“કાનની અંદર ક્યારેય કોઈ પણ વસ્તુ નાખવી જોઈએ નહીં. જો કાનમાં મેલનો ડૂચો જામી જાય કે કાન પરાઈ ગયો હોય તેવું લાગે, તો જાતે અખતરા કરવાને બદલે આધુનિક માઇક્રોસ્કોપ અને સક્શન મશીનની મદદથી માત્ર બે જ મિનિટમાં દર્દ વગર કાન સાફ કરાવી લેવો હિતાવહ છે.”
ડો. યશ બી. કાકડિયા
(એમ.એસ. – ઈએનટી, સેન્સીસ ઈ.એન.ટી. હોસ્પિટલ, રાજકોટ)
સેન્સીસ ઈએનટી હોસ્પિટલ, ૧૦, સરદારનગર, એસ્ટ્રોન સિનેમા રોડ, રાજકોટ.

WHOનો ચોંકાવનારો અહેવાલઃ
વિશ્વમાં ૬૦% લોકો કાન સાફ કરવાની ખોટી પદ્ધતિથી પોતાની શ્રવણશક્તિ જોખમમાં મૂકે છે!

ડો. યશ કાકડિયાનો ખુલાસોઃ
ઓપીડીમાં આવતા કાનના દુખાવા અને અચાનક બહેરાશના ૯૦% કિસ્સાઓ ઈયર બડ્સના અતિરેકનું જ પરિણામ હોય છે!

શું કરવું?
નહાયા પછી માત્ર ભીના સુતરાઉ કપડાથી કાનનો બહારનો ભાગ જ લૂછવો.
કાનમાં ભારેપણું લાગે તો ઊગઝ સર્જન પાસે માઇક્રો-સક્શન કરાવવું.

શું ન કરવું?
કાનમાં ક્યારેય ઈયર બડ્સ, સેફ્ટી પિન, ચાવી કે દીવાસળી ન નાખવી.
કાનમાં લસણનું તેલ, દિવેલ કે અજાણ્યા ટીપાં ક્યારેય ન નાખવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *