ગાંઠિયા-તેલ છોડવા છતાં કોલેસ્ટ્રોલ ન ઘટતું હોય તો ચેતજો
● ગળામાં સોજો ન હોય તો પણ થાઇરોઇડ હૃદયને અંદરથી કેવી રીતે નબળું પાડે છે? ડૉ. હર્ષ’સ એન્ડોક્રાઇન & ડાયાબિટીસ સેન્ટર, રાજકોટ દ્વારા રજૂ કરાયેલી આંખ ઉઘાડતી હકીકતો
● ડૉ. હર્ષ દુર્ગિયા સ્પષ્ટ જણાવે છે કે જો પરેજી છતાં કોલેસ્ટ્રોલ ન ઘટતું હોય કે ધબકારા અનિયમિત રહેતા હોય, તો હૃદયના રિપોર્ટ સાથે પ્રાથમિક ધોરણે થાઇરોઇડની તપાસ કરાવવી અનિવાર્ય છે
રાજકોટ: રાજકોટમાં કોઈને કોલેસ્ટ્રોલ વધે કે થોડું ચાલતાં શ્વાસ ચડે એટલે આપણે તરત સલાહ આપીએ: “ભાઈ, સવારના ગાંઠિયા અને તળેલું બંધ કરી દો!” પછી માણસ તેલ-ઘી છોડે, રોજ સવારે રેસકોર્સના ચક્કર લગાવે અને નિયમિત દવાઓ ગળે. છતાં ત્રણ મહિને રિપોર્ટ કરાવો તો કોલેસ્ટ્રોલ ત્યાંનું ત્યાં અને થાક એવો ને એવો! અંતે આપણે વાતવાતમાં સોડા પીને કે આરામ કરીને માની લઈએ કે, “હવે ચાલીસી વટાવી એટલે ઉંમરનો થાક હશે.”
પણ સાહેબ, અહીં જ આપણે મોટી થાપ ખાઈ જઈએ છીએ! ઘણીવાર વાંક હૃદયનો કે ખાવાપીવાનો નથી હોતો, અસલી ખેલ ગળામાં બેઠેલી માત્ર ૨૫ ગ્રામની નાનકડી પતંગિયા આકારની ગ્રંથિ કરતી હોય છે — જેને આપણે ‘થાઇરોઇડ’ કહીએ છીએ.
આ સમગ્ર પ્રક્રિયાને સાવ સરળ ભાષામાં સમજાવતાં ડૉ. હર્ષ દુર્ગિયાએ ‘હેલ્થ ટાઈમ્સ’ને જણાવ્યું કે, “આપણું હૃદય એક પાવરફુલ એન્જિન છે અને થાઇરોઇડ એનું એક્સિલરેટર છે. થાઇરોઇડમાંથી નીકળતા T3 અને T4 હોર્મોન્સ નક્કી કરે છે કે આખું શરીર અને હૃદય કેટલી સ્પીડમાં કામ કરશે. જ્યારે થાઇરોઇડ સુસ્ત થઈ જાય (જેને તબીબી ભાષામાં હાઇપોથાઇરોઇડિઝમ કહે છે), ત્યારે ગાડીનું એક્સિલરેટર ઢીલું પડી જાય છે. એન્જિન ધીમું પડે એટલે નાડીના ધબકારા ઘટી જાય, હૃદયની લોહી પમ્પ કરવાની તાકાત ઘટે અને સૌથી મોટી મુસીબત એ થાય કે લિવર લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) સાફ કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. પરિણામે ધમનીઓમાં ચરબીના થર જામવા લાગે છે અને બ્લડપ્રેશર અનિયંત્રિત થઈને હૃદય પર ગંભીર જોખમ તોળાય છે.”
આપણે ક્યાં ભૂલ કરીએ છીએ?
સૌરાષ્ટ્રમાં મોટાભાગના લોકો માને છે કે જ્યાં સુધી ગળામાં મોટો સોજો ન દેખાય ત્યાં સુધી થાઇરોઇડ ન હોય! રાજકોટના જાણીતા એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. હર્ષ દુર્ગિયા જણાવે છે કે:
“૮૦% દર્દીઓમાં ગળામાં કોઈ સોજો હોતો જ નથી. થાઇરોઇડ સાયલન્ટ કિલરની જેમ ધીમે-ધીમે હૃદયને ઘેરે છે. ખાસ કરીને ‘સબક્લિનિકલ થાઇરોઇડ’માં તો કોઈ ખાસ ચિહ્નો દેખાતા પણ નથી, છતાં તે રક્તવાહિનીઓને અંદરથી કડક બનાવીને હૃદયરોગનું જોખમ બમણું કરી દે છે.”
જો આ ૪ સંકેતો દેખાય તો તરત ચેતી જવું:
- પરેજી અને દવાઓ છતાં રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ ઘટવાનું નામ ન લેતું હોય.
- બેઠા હોઈએ ત્યારે પણ નાડીના ધબકારા સુસ્ત (૬૦ થી ઓછા) અથવા અચાનક અનિયમિત લાગતા હોય.
- પૂરતી ઊંઘ લીધા પછી પણ આખો દિવસ અતિશય આળસ, સુસ્તી અને પગમાં કળતર રહેતી હોય.
- કોઈ ખાસ કારણ વગર અચાનક વજન વધતું હોય, કબજિયાત રહેતી હોય અને ઠંડી વધારે લાગતી હોય.
⚡ એક્સપર્ટ એડવાઇઝ
“જો થાઇરોઇડ પકડાઈ જાય તો સવારે ખાલી પેટે માત્ર એક નાનકડી ગોળી (હોર્મોન રિપ્લેસમેન્ટ) લેવાથી શરીરનું મેટાબોલિઝમ પાછું સામાન્ય થઈ જાય છે, કોલેસ્ટ્રોલ આપોઆપ કાબૂમાં આવે છે અને હૃદય સંપૂર્ણ સુરક્ષિત બની જાય છે. જાતે દવા બંધ ન કરો અને નિયમિત ફોલોઅપ રાખો.”
- ડૉ. હર્ષ દુર્ગિયા
થાઇરોઇડની સમસ્યાનાં લક્ષણો ઓળખવાં મુશ્કેલ કેમ છે?
- થાઇરોઇડની તકલીફ ઘણીવાર ધીમે ધીમે વિકસે છે. શરૂઆતમાં લક્ષણો એટલાં સામાન્ય હોય છે કે વ્યક્તિ તેને કામનો થાક, તણાવ, ઊંઘની અછત અથવા વધતી ઉંમર સાથે જોડે છે.
- ઉદાહરણ તરીકે, સતત થાક લાગવો, વજન વધવું અથવા કામ કરવાની શક્તિ ઘટવી એ અનેક કારણોસર થઈ શકે છે. દરેક વ્યક્તિમાં બધાં લક્ષણો એકસાથે દેખાય એવું પણ જરૂરી નથી.
- કેટલાક લોકોમાં થાઇરોઇડ હોર્મોન્સમાં હળવો ફેરફાર હોય છતાં સ્પષ્ટ લક્ષણો જોવા મળતાં નથી. આ સ્થિતિને સબક્લિનિકલ થાઇરોઇડ ડિસઓર્ડર કહેવામાં આવે છે.
- કેટલીક પરિસ્થિતિઓમાં આવી હળવી હોર્મોનલ તકલીફો પણ હૃદયના જોખમી પરિબળો સાથે સંબંધિત હોઈ શકે છે. તેથી, જો કોલેસ્ટ્રોલની સારવાર છતાં તેનું પ્રમાણ નિયંત્રણમાં ન આવતું હોય અથવા હૃદયના ધબકારા સંબંધિત અસ્પષ્ટ લક્ષણો હોય, તો ડૉક્ટર થાઇરોઇડની તપાસ કરાવવાની સલાહ આપી શકે છે.












Leave a Reply