મહિલાઓ માટે ઇઝી લોન, લોનમાં મળવાપાત્ર લાભ સહિતની બાબતો રિયલ એસ્ટેટમાં તેમની વધતી ભાગીદારીના મુખ્ય પરિબળ
આજે વર્કિંગ વૂમનની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તે પણ મહત્વનું ફેકટર : રિયલ એસ્ટેટ 70 ટકા મહિલાઓ માટે સૌથી વધુ પસંદગીનો રોકાણ માર્ગ બન્યો
દેશમાં હાલમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે તે સાથોસાથ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મહિલાઓની ભાગીદારી વધી રહી છે. મહિલા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અનુકુળ ધીરાણ નીતિઓ, સ્થિર વળતર અને ઘર માલિકીની સુરક્ષા સહિતની બાબતો મુખ્ય આકર્ષણ છે. તદઉપરાંત આજે વર્કિંગ વૂમનની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના લીધે પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. જેના પરિણામસ્વરૂપ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે.
ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. જેમાં મહિલાઓ મિલકત બજારમાં મુખ્ય રોકાણકારો તરીકે ઉભરી રહી છે. અગ્રણી ક્ધસલ્ટન્સી ફર્મ એનારોક દ્વારા તાજેતરના સર્વેમાં જાણવા મળ્યું છે કે ગત વર્ષના ઉત્તરાર્ધમાં, રિયલ એસ્ટેટ 70 ટકા મહિલાઓ માટે સૌથી વધુ પસંદગીનો રોકાણ માર્ગ બની ગયો છે. વિકસતા વલણ અને રિયલ એસ્ટેટમાં મહિલાઓની ભાગીદારી, તેમની પસંદગીઓ અને આ પ્રક્રિયામાં તેઓ જે પડકારોનો સામનો કરે છે.
કેન્દ્રીય આંકડાઓ અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા 2019-20ના વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ અનુસાર, તમિલનાડુ સમગ્ર ભારતમાં ઉદ્યોગોમાં કાર્યરત 15.8 લાખ મહિલાઓમાંથી 6.79 લાખ એટલે કે અંદાજિત 43 ટકા હિસ્સો ધરાવે છે. રાજ્યનો મહિલા કાર્યબળ ભાગીદારી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધી જાય છે. તમિલનાડુ રાજય જેમાં ખાસ કરીને ચેન્નાઈ દેશમાં સૌથી વધુ મહિલા કાર્યબળ ધરાવે છે, જે ઉત્પાદન અને સેવા ઉદ્યોગમાં મજબૂત રોજગાર તકો દ્વારા પ્રેરિત છે. આ નાણાકીય સ્વતંત્રતાએ મહિલાઓને રિયલ એસ્ટેટ રોકાણ કરવામાં વધુ સ્વાયત્તતા આપી છે, જેમાં ઘણી મહિલાઓ સ્વતંત્ર રીતે અથવા સહ-અરજદારો તરીકે મિલકત ખરીદવાનું પસંદ કરે છે. આ વલણ આર્થિક સશક્તિકરણ અને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા તરફ નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે.
આગામી દિવસોમાં ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં મહિલાઓની હાજરી સતત વધતી રહેશે. દેશ જે રીતે સ્ત્રી- પુરુષ સમાનતાની દિશામાં આગળ વધી રહ્યો છે તે જોતા આગામી સમયમાં દેશમાં અન્ય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધશે તે જ રીતે દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મહિલાઓની ભાગીદારી સતત વધશે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હાલ આવેલા મહત્વના પરિવર્તનમાં મહિલાઓની વધતી ભાગીદારી એક અતિ મહત્વની બાબત છે. મહિલાઓ હાલ સ્વાવલંબી બની છે હવે વર્કિંગ વુમન એ માત્ર નામ પુરતી વાત રહી નથી. યુવતીઓ હવે પોતાના કેરીયરને લઇ વધુ ગંભીર બની છે. હાલની યુવતી મહત્વકાંક્ષી છે જે પોતાના કેરીયરને પ્રાથમિકતા આપે છે. જેના થકી તેઓ એક ચોક્કસ રકમની બચત થતી હોય તેને રોકાણ માટે રિયલ એસ્ટેટને પસંદગી કરતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી હવે નોંધપાત્ર રીતે વધી રહી છે. આવનાર દિવસોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહિલાની ભાગીદારી મહત્વની બાબત બની રહેશે.












Leave a Reply