નાની કલાકૃતિઓનો મોટો પ્રભાવ:આ પ્રો ટિપ્સ તમને થશે ખૂબ મદદરૂપ
આર્ટવર્ક ફક્ત લિવિંગ રૂમ કે બેડરૂમની દીવાલો માટે જ નથી; ડાઇનિંગ કન્સોલ, કિચન શેલ્ફ, કે બાથરૂમમાં પણ કલાકૃતિઓ મૂકી શકાય છે
કલાકૃતિઓ રાતોરાત ખરીદીને ભરી દેવાની વસ્તુ નથી, તેને ધીમે ધીમે ભેગી કરો.. એવી કલાકૃતિઓ પસંદ કરો જે કોઈ યાદગીરી સાથે જોડાયેલી હોય, મુસાફરીમાંથી મળેલી હોય કે માર્કેટમાંથી શોધી હોય.. તમારા ઘરને કલાની આસપાસ ધીમે ધીમે વિકસિત થવા દો, જેમ કોઈ વાર્તા આકાર લેતી હોય..

આપનું ઘર એટલે માત્ર ઈંટો અને સિમેન્ટનો ઢગલો? ના, ક્યારેય નહીં! તમારૂં ઘર તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે, તમારી ઓળખ છે! અને આ ઓળખને વધુ આકર્ષક અને જીવંત બનાવવાનું કામ કરે છે કલા! આજે આપણે રાજકોટના જાણીતા કલાકાર હેમાલી શિંગાળા (La Galerie) પાસેથી શીખીશું કે કેવી રીતે
તમારા ઘરની દીવાલોને એક કલાત્મક વાર્તાનું પુસ્તક બનાવી શકાય!
સંપત્તિ ટાઈમ્સ: લોકો નવા ઘર તો ખરીદે છે, પણ તેને સજાવવામાં ક્યાંક અટવાઈ જાય છે. એક કલાકાર તરીકે તમે તેમને કલાનો ઉપયોગ કેવી રીતે કરવાની સલાહ આપશો?

હેમાલી શિંગાળા: જુઓ, ઘર ખરીદવું એ એક મોટું સપનું હોય છે. પણ એ સપનાને ખરેખર જીવંત બનાવવા માટે કલા અનિવાર્ય છે! હું હંમેશા કહું છું કે, “ઘરમાં લટકાવેલી કલાકૃતિ ફક્ત એક શોભાની વસ્તુ નથી, તે એક ઊર્જા છે જે તમારા ઘર અને તમારા મનને શાંતિ આપે છે. તમારે એવી કલાકૃતિ પસંદ કરવી જોઈએ જે તમને ગમે, જે તમારા હૃદયને સ્પર્શે અને જેની સાથે તમે જીવવા તૈયાર હો!
સંપત્તિ ટાઈમ્સ: ઘણીવાર લોકો મૂંઝાય છે કે પેઇન્ટિંગ્સ કે કલાકૃતિઓ ક્યાં અને કેવી રીતે ટાંગવી? પ્રોની જેમ આર્ટ કેવી રીતે હેંગ કરવું?
હેમાલી શિંગાળા: આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ર્ન છે! કલાને યોગ્ય રીતે પ્રદર્શિત કરવી એ જ તેની ખરી સુંદરતા બહાર લાવે છે. મારી ટિપ્સ નોંધી લો:
ઊંચાઈનું રહસ્ય: મોટાભાગે, કલાકૃતિને ફ્લોરથી લગભગ 50 થી 60 ઇંચની ઊંચાઈ પર ટાંગવી જોઈએ. આ ’આઇ-લેવલ’ (આંખોની સપાટી) હોય છે, જ્યાં કલા સૌથી સારી રીતે દેખાય છે.
ફર્નિચર સાથે તાલમેલ: જો આર્ટવર્ક કોઈ ફર્નિચર, જેમ કે સોફા કે કોન્સોલ ટેબલ ઉપર હોય, તો આર્ટના નીચેના ભાગ અને ફર્નિચરના ઉપરના ભાગ વચ્ચે છ થી દસ ઇંચનું અંતર રાખો.
કદ અને સંતુલન: oversized આર્ટવર્ક માટે, તેની પહોળાઈ ફર્નિચરની પહોળાઈના અડધાથી બે-તૃતીયાંશ જેટલી રાખવી આદર્શ છે. આ સંતુલન જાળવશે.
ફ્રેમિંગનો જાદુ: ફ્રેમિંગને ક્યારેય ઓછું ન આંકશો! મ્યુઝિયમ ગ્લાસ અને એસિડ-ફ્રી માઉન્ટિંગનો ઉપયોગ કરો. આ તમારી કલાકૃતિને સમય અને ભેજથી સુરક્ષિત રાખશે, જેથી તેના રંગો ઝાંખા ન પડે.
લાઇટિંગનો કમાલ: કલાને ઉઠાવવા માટે લાઇટિંગ ખૂબ જરૂરી છે. આર્ટવર્ક માટે બોટમ લાઇટિંગ અથવા એડજસ્ટેબલ ટ્રેક લાઇટનો ઉપયોગ કરવાથી તે વધુ આકર્ષક દેખાશે અને એક સુંદર વાતાવરણ બનાવશે.

સંપત્તિ ટાઈમ્સ: અત્યારે કલામાં શું નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે? અને કફ La Galerie તેમાં કેવી રીતે યોગદાન આપી રહ્યું છે?
હેમાલી શિંગાળા: અત્યારે એબ્સ્ટ્રેક્ટ આર્ટ, ક્લે આર્ટ અને ગોલ્ડ ફોઈલ જેવી નવીનતમ કલા શૈલીઓ ખૂબ જ લોકપ્રિય છે. લોકો તેમાં રસ લઈ રહ્યા છે અને અમને તેના માટે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે 2D અને 3D વર્કને મિક્સ કરીને એક અનોખું ડેપ્થ (ઊંડાણ) આપીએ છીએ, જ્યાં આધુનિકતા અને પરંપરા એકસાથે જીવંત થાય છે. નાના આર્ટવર્કને વિષમ સંખ્યામાં (જેમ કે 3 કે 5) ગોઠવીને અને તેની સાથે ડેકોરેટિવ વસ્તુઓ જેવી કે વાઝ, કેન્ડલ, કે પુસ્તકો મૂકીને તમે એક સુંદર ’પર્સનાલિટી પઝલ’ બનાવી શકો છો.
સંપત્તિ ટાઈમ્સ: છેલ્લે, જે લોકો નવું ઘર લઈ રહ્યા છે કે વેચી રહ્યા છે, તેમને કલા અને સજાવટ વિશે તમારી કોઈ ખાસ ટિપ?
હેમાલી શિંગાળા: મારી એક પ્રો-ટિપ યાદ રાખો: “આર્ટ રાતોરાત ખરીદાતી નથી, એવી કલાકૃતિઓ પસંદ કરો જેમાં કિંમત કરતાં કલાનો સ્પર્શ વધુ મહત્વનો હોય. કલાકૃતિઓ માટે બોટમ લાઈટિંગ કે ટેબલ લેમ્પ્સનો ઉપયોગ કરવાથી એક ઇમર્સિવ (ડૂબી જવાય તેવું) વાતાવરણ ઊભું થાય છે. યાદ રાખો, તમારા ઘરને હોટેલની જેમ ટ્રીટ ન કરો, તેને કલાથી સજીવન કરો!












Leave a Reply