Sampatti Times Real Estate Newspaper

Advertisement

નવો ટ્રેન્ડ: પહેલા જમીન ખરીદો પછી ઘર બનાવો

New trend: Buy land first, then build a house

મોટા શહેરોમાં બદલાતી રીયલ એસ્ટેટ માર્કેટ : જમીન પહેલા ખરીદવાની આ રીતમાં એક મોટો ફાયદો એ છે કે ખર્ચ એક સાથે નહીં પરંતુ તબક્કાવાર થાય

જમીન ખરીદી બાદમાં મકાન બનાવવાના કેટલાક જોખમો પણ રહેલા છે જેનો વિચાર પણ કરવો જ પડે

દેશના મોટા શહેરોમાં ઘર બનાવવુ એ કપરૂ કામ છે. હાલમાં વધતી મોંઘવારી વચ્ચે ઘરનું ઘર એ પડકાર છે. ત્યારે હવે મોટા શહેરોમાં લોકો ઘર ખરીદવાની પધ્ધતી બદલી રહ્યા છે. રેડી પઝેશનવાળુ ઘર લેવાના બદલે હવે લોકો જમીન ખરીદ બાદમાં પોતાની સમય અને નાણાકીય ઉપલબ્ધતા અનુરૂપ ઘર બનાવે છે.
ભારતમાં મોટા શહેરોમાં ઘર ખરીદવું લાંબા ગાળાનો સૌથી મોટો નાણાકીય નિર્ણય ગણાય છે. ખાસ કરીને બેંગલુરુ જેવા ટેક હબમાં ફ્લેટના ભાવ સતત વધી રહ્યા છે. નોકરીની અનિશ્ચિતતા, એઆઇના વધતા પ્રભાવ અને સમયાંતરે થતા કોસ્ટકટીંગના કારણે ઘણા યુવા પ્રોફેશનલ્સ હવે ઘરની ખરીદી વિશે નવી રીતે વિચારવા લાગ્યા છે.

એક આર્કિટેક્ટ દ્વારા શેર કરાયેલા પોસ્ટ મુજબ બેગલુરૂમાં નવ દંપતી જે બંને કોર્પોરેટ નોકરી કરે છે. તેઓએ બેંગલુરુ શહેરમાં તૈયાર 3 બીએચકે ફ્લેટ ખરીદવાને બદલે શહેરની બહાર હરિયાળી અને સારી હવાના ગુણવત્તાવાળા વિસ્તારમાં રૂ. 1 કરોડમાં જમીન ખરીદી.તેમનો વિચાર એવો હતો કે તરત જ ઇએમઆઇના ભારે બોજમાં ફસાવાના બદલે પહેલા સ્થાન સુરક્ષિત કરવું અને પછી ધીમે ધીમે પોતાની જરૂરિયાત મુજબ ઘર બનાવવું. આ રીતે તેઓએ પોતાને “સમયની ભેટ” આપી છે, કારણ કે હવે તેઓ ઉતાવળમાં કોઈ સમાધાનવાળો ફ્લેટ ખરીદવાની જરૂર નથી.

જમીન પહેલા ખરીદવાની આ રીતમાં એક મોટો ફાયદો એ છે કે ખર્ચ એક સાથે નહીં પરંતુ તબક્કાવાર થાય છે. પહેલા જમીન, પછી જ્યારે નાણાં ઉપલબ્ધ થાય ત્યારે ઘરનું નિર્માણ કરવું એ નાણાકીય સરળતા રહે છે. આ મોડેલમાં ઘરમાલિક પોતાની જરૂરિયાત મુજબ ડિઝાઇન પસંદ કરી શકે છે. સાથે સાથે મોટી હોમ લોન અને ભારે ઇએમઆઇના દબાણ પણ ઓછો રહે છે. અનિશ્ચિત નોકરી બજારમાં આ પ્રકારની નાણાકીય સરળતા ઘણા લોકો માટે આકર્ષક બની રહી છે.

જોકે આ વિચાર રસપ્રદ લાગે છે, પરંતુ તેમાં કેટલાક પડકારો પણ છે. ઘણા વપરાશકર્તાઓએ નોંધ્યું કે, બેંગલુરુ શહેરની અંદર કાયદેસર દસ્તાવેજો સાથે 1200 સ્ક્વેર ફૂટનો પ્લોટ મેળવવો લગભગ અશક્ય છે. આવી જમીન સામાન્ય રીતે શહેરની બહાર જ મળે છે, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાનૂની પ્રક્રિયા વિશે સંપૂર્ણ ખાતરી હોવી જરૂરી છે. ઉપરાંત, માત્ર જમીન ખરીદવાથી ઘર તૈયાર થઈ જતું નથી. એક સારો ડુપ્લેક્સ ઘર બનાવવા માટે લગભગ રૂ. 80 લાખ અથવા તેથી વધુ ખર્ચ થઈ શકે છે. એટલે કે, આખરે કુલ ખર્ચ ફ્લેટ જેટલો કે ક્યારેક વધારે પણ થઈ શકે છે.

જમીન પહેલા ખરીદીને પછી ઘર બનાવવાની રીત કેટલાક લોકો માટે આર્થિક રીતે સમજદાર વિકલ્પ બની શકે છે, ખાસ કરીને તેઓ માટે જેમને સમય અને નાણાકીય આયોજનની સુવિધા છે. જોકે સફળતા માટે યોગ્ય સ્થાન પસંદ કરવું, કાનૂની તપાસ કરવી અને લાંબા ગાળાનું નાણાકીય આયોજન ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *