Sampatti Times Real Estate Newspaper

Advertisement

મુસદ્દારૂપ જંત્રી અને પાયાની વિગતો જાહેર કરવા કાનૂની પ્રક્રિયા શરુ: એડવોકેટ જયભારત ધામેચા

Legal process initiated to release draft Jantri and basic details: Advocate Jaybharat Dhamecha

જંત્રી માત્ર આંકડો નથી, નાગરિકોના જીવન સાથે QUALIFY થતો ગંભીર મુદ્દો

રાજકોટના એડવોકેટ જયભારત ધામેચાનો સીધો સવાલ: સરકાર જેને ‘વૈજ્ઞાનિક પદ્ધતિ’ ગણાવે છે, તેના પુરાવા અને સર્વે રિપોર્ટ જાહેર જનતા સમક્ષ મુકવા અનિવાર્ય


2026માં અમલ પહેલાં જ પારદર્શિતાની માંગ: ડ્રાફ્ટ જંત્રી સામે મળેલા વાંધા-સૂચનો અને અંતિમ ફેરફારોની વિગતો RTI દ્વારા માંગવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા તા. 20 નવેમ્બર 2024ના રોજ જાહેર કરાયેલ મુસદ્દારૂપ (Draft) જંત્રી માર્ગદર્શિકા અને તાજેતરમાં વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો મુજબ “વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી નવી જંત્રીના દરો નક્કી કરવામાં આવ્યા છે” એવો દાવો કરવામાં આવ્યો છે કે આગામી વર્ષ 2026 ના જાન્યુઆરી એન્ડ અને ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં આ દરો લાગુ કરી દેવામાં આવશે. આ સમાચાર પ્રકાશિત થતા જ, જંત્રી જેવા અત્યંત સંવેદનશીલ અને વ્યાપક અસર ધરાવતા મુદ્દે પારદર્શિતા જરૂરી હોવાનું માની, રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અને જાગૃત નાગરિક જયભારત ધામેચા દ્વારા એજ દિવસે જ માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ RTI કરવામાં આવી છે.

જંત્રી માત્ર સ્ટેમ્પ ડ્યુટી કે દસ્તાવેજ નોંધણી પૂરતો વિષય નથી, પરંતુ તે સીધી રીતે સામાન્ય નાગરિકની મિલકત કિંમત, ઘર ખરીદીની ક્ષમતા, અફોર્ડેબલ હાઉસિંગ, રીયલ એસ્ટેટ માર્કેટ, બેંક લોન, વિકાસકર્તાઓ તથા કાનૂની વ્યવહારો સાથે સંકળાયેલ છે. જંત્રીના દરોમાં થતો નાનો ફેરફાર પણ લાખો નાગરિકોના જીવન પર દીર્ઘકાલીન અસર કરે છે. તેથી જ, જંત્રી નક્કી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે વૈજ્ઞાનિક, પારદર્શક અને જવાબદાર હોવી અનિવાર્ય છે.

RTI અરજી દ્વારા ખાસ કરીને જાણવા માંગવામાં આવ્યું છે “વૈજ્ઞાનિક પદ્ધતિ” હકીકતમાં શું છે? કયા માપદંડો, કયા સર્વે, બજાર અભ્યાસ અથવા આંકડાઓના આધારે નવા જંત્રીના દરો નક્કી કરવામાં આવ્યા છે? મુસદ્દારૂપ જંત્રી સામે મળેલા વાંધા-સૂચનો પર કઈ રીતે વિચારણા કરવામાં આવી? અને અંતિમ જંત્રીમાં મુસદ્દા સામે શું ફેરફારો કરવામાં આવ્યા છે વધારા, ઘટાડા કે યથાવત રાખેલા દરોની સ્પષ્ટ વિગતો શું છે?

આ RTIમાં જૂની અને નવી જંત્રીની તુલનાત્મક વિગતો, જિલ્લાવાર-તાલુકાવાર-વિસ્તારવાર અંતિમ દરો, અમલની તારીખ, સંબંધિત સરકારી ઠરાવો તેમજ નવી જંત્રીથી રીયલ એસ્ટેટ માર્કેટ અને સામાન્ય નાગરિકો પર થનારી અસર અંગે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો છે કે નહીં! તે તમામ માહિતી માંગવામાં આવી છે.

એડવોકેટ જયભારત ધામેચાએ જણાવ્યું કે, “જંત્રી જેવી નીતિગત બાબતમાં ઝડપથી નિર્ણય લેવો જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી છે કે તે નિર્ણય પાછળનો આધાર જાહેર રીતે સ્પષ્ટ હોય. આજે જ સમાચાર આવ્યા અને આજે જ RTI દાખલ કરવામાં આવી- કારણ કે જાહેર નીતિમાં પારદર્શિતા વિલંબ સહન કરી શકાતો નથી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે આ RTI કોઈ વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ જાહેર હિત માટે કરવામાં આવી છે, જેથી નાગરિકોને ખબર પડે કે તેમની ઉપર સીધી અસર કરનાર દરો કઈ પ્રક્રિયા અને કયા આધાર પર નક્કી થાય છે. લોકશાહીમાં માહિતી મેળવવાનો અધિકાર માત્ર કાનૂની હક નથી, પરંતુ જાગૃત નાગરિકની જવાબદારી પણ છે.

RTIના જવાબો આવ્યા બાદ, જો કોઈ અસંગતતા, અસ્પષ્ટતા કે જાહેર હિતને નુકસાન પહોંચાડતી બાબતો બહાર આવશે, તો તે બાબતોને યોગ્ય કાનૂની અને જાહેર મંચ પર રજૂ કરવામાં આવશે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *