“શું બિલ્ડરે વણવેચાયેલા ફ્લેટની ‘લાઈફટાઈમ ડિપોઝિટ’ ભરવી પડે? નવો પ્રોજેક્ટ પૂરી થાય પછી વણવેચાયેલા ફ્લેટ (Unsold Inventory) ના મેન્ટેનન્સ અને ડિપોઝિટ કોણ ભરે? આ એક એવો સવાલ છે જેના લીધે અનેક સોસાયટીઓમાં બિલ્ડર અને કમિટી વચ્ચે ‘તું-તું-મેં-મેં’ થતી હોય છે. પણ હવે આ વર્ષો જૂની ‘મગજમારી’ પર GUJRERA એ પૂર્ણવિરામ મૂક્યું છે. વડોદરાના ‘શિવાય એપાર્ટમેન્ટ’ના કેસમાં ઓથોરિટીએ એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે ‘ડિપોઝિટ’ અને ‘મેન્ટેનન્સ’ બંને અલગ છે. સત્તામંડળે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે – ‘બિલ્ડર પાસે માસિક ખર્ચ માંગો, પણ લાઈફટાઈમ મૂડી નહીં!’
- ‘લાઈફટાઈમ ડિપોઝિટ’ કોના માથે?
● બિલ્ડરને રાહત: રેરા ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે વણવેચાયેલા યુનિટ્સ માટે બિલ્ડરે ‘વન-ટાઈમ મેન્ટેનન્સ ડિપોઝિટ’ ભરવાની જવાબદારી નથી.
● કોણ ભરશે?: આ ડિપોઝિટ મિલકત સાથે જોડાયેલી જવાબદારી છે. જ્યારે ભવિષ્યમાં કોઈ ગ્રાહક તે ફ્લેટ ખરીદે, ત્યારે સોસાયટીએ તે નવા સભ્ય પાસેથી જ ડિપોઝિટ વસૂલવાની રહેશે.
● કારણ: બિલ્ડર માત્ર ફ્લેટ બનાવે છે, તે કાયમી રહેવાસી નથી, એટલે લાંબા ગાળાનું ભંડોળ (Corpus Fund) તેના પર થોપી શકાય નહીં. - પણ… ‘રનિંગ મેન્ટેનન્સ’ તો ચૂકવવું જ પડશે!
● સોસાયટીનું હિત: સોસાયટી ચાલુ રાખવા માટે લાઈટ, પાણી, સફાઈ અને સિક્યોરિટીનો ખર્ચ તો થાય જ છે.
● બિલ્ડરની ફરજ: જ્યાં સુધી ફ્લેટ કે દુકાન બિલ્ડરના કબજામાં છે (વેચાયા નથી), ત્યાં સુધી તેનું દર મહિને આવતું મેન્ટેનન્સ બિલ્ડરે જ ચૂકવવું પડશે.
● સ્પષ્ટતા: આને ‘રનિંગ કોસ્ટ’ કહેવાય, જેમાંથી બિલ્ડર છટકી શકે નહીં. - કેસનું તારણ (Conclusion)
● આ ચુકાદો વડોદરા અને અમદાવાદ (કાસા વ્યોમા કેસ) ના પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
● બિલ્ડરોની કરોડોની મૂડી ડિપોઝિટમાં બ્લોક નહીં થાય, અને સામે પક્ષે સોસાયટીનું માસિક મેન્ટેનન્સ પણ અટકશે નહીં. બંને પક્ષે ન્યાય મળ્યો છે.












Leave a Reply