“માત્ર ડિઝાઇન નહીં, પણ ‘કમ્ફર્ટ ઝોન’ પર ભાર મૂકતા રાજકોટના દિગ્ગજ ઇન્ટિરિયર ડિઝાઇનર હરેશ પરસાણા અને યુવા ઇન્ટિરિયર ડિઝાઇનર દિશીત પરસાણાએ ‘સંપત્તિ ટાઇમ્સ’ સાથેની ખાસ મુલાકાતમાં ડિઝાઇન, ટેકનોલોજી અને સામાજિક મૂલ્યો વિશે બેબાક ચર્ચા કરી.”
ડિઝાઇનનો અસલી અર્થ:
“બહારથી ગમે તેટલી સુંદર ડિઝાઇન હોય, જો તે ઘરમાં રહેનારને ૧૦૦% ‘કમ્ફર્ટ ઝોન’ ન આપે તો એ ડિઝાઇન નકામી છે. સ્પેસ પ્લાનિંગ જ સાચી ચાવી છે.”
– હરેશભાઈ પરસાણા
સમય અને સેવાનું બેલેન્સ:
“કુદરતે બધાને ૨૪ કલાક જ આપ્યા છે. પ્રોફેશનલ પ્રેક્ટિસની સાથે IIID ની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી અને રાજ કો-ઓપરેટિવ બેંકની વહીવટી જવાબદારીઓ નિભાવવી, તેમજ ‘દીકરાનું ઘર’ અને ‘ખોડલધામ (SPCF)’ જેવી સંસ્થાઓમાં સેવા આપવી—આ જ સંતુલન મને સાચી આંતરિક શાંતિ આપે છે અને ઈશ્વર સાથે જોડતો માર્ગ પૂરો પાડે છે.”

AI વર્સિસ ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ગ્રાઉન્ડ રિયાલિટી:
“AI તમને હજારો 3D ઇમેજીસ આપી દેશે, પણ મટીરિયલ સિલેક્શનથી લઈને પરિવારની લાગણી સમજીને ઈમારતને સાચા અર્થમાં ‘ઘર’ તો એક ડિઝાઇનર જ બનાવી શકે.”
– દિશીત પરસાણાટ્રેન્ડ્સની આંધળી નકલ ફેલ!:
“વડોદરા અને અન્ય મેટ્રો સિટીઝમાં મિનિમલિઝમ (ઓછો ભભકો) વધુ ચાલે છે, જ્યારે રાજકોટના લોકોને થોડું ‘ભરચક’ અને જૅઝી (Jazzy) કામ વધુ પસંદ છે. ડિઝાઇન હંમેશા જે-તે શહેરના કલ્ચર અને ટેસ્ટ મુજબ જ સેટ કરવી પડે.”

રાજકોટ: આજના ઝડપી અને ડિજિટલ યુગમાં, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેકન્ડોમાં સુંદર 3D ડિઝાઇન્સ બનાવી આપે છે, ત્યાં શું ઇન્ટિરિયર ડિઝાઇનરની ભૂમિકા ખતમ થઈ રહી છે? ધ પ્રિન્ટ કે હિન્દુસ્તાન ટાઇમ્સ જેવા નેશનલ મીડિયામાં અવારનવાર ચર્ચાતા આ વૈશ્વિક પ્રશ્નનો રાજકોટના ‘શ્રીશ ડિઝાઇન સ્ટુડિયો LLP’ પાસે એકદમ પ્રેક્ટિકલ અને હ્યુમન ટચ વાળો જવાબ છે. દાયકાઓનો અનુભવ ધરાવતા હરેશભાઈ પરસાણા અને નવા વિઝન સાથે મેદાનમાં ઉતરેલા યુવા ઇન્ટિરિયર ડિઝાઇનર દિશીત પરસાણા સાથેની આ ‘એક્સક્લુઝિવ’ વાતચીત બાંધકામ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ક્ષેત્ર માટે આંખ ઉઘાડનારી છે.
ડિઝાઇન: માત્ર દેખાવ નહીં, ‘કમ્ફર્ટ’
હાથથી નકશા દોરવાના યુગથી લઈને આજના AI સુધીની સફર કરનાર હરેશભાઈ પરસાણા સ્પષ્ટ માને છે કે ડિઝાઇનનો મૂળ ઉદ્દેશ્ય માત્ર સુંદરતા નથી. ૧૯૯૫-૯૬માં ગ્રેજ્યુએશન બાદ સીધી પ્રેક્ટિસ શરૂ કરવાને બદલે ૩ વર્ષ સુધી માર્કેટ રિસર્ચ કરનાર આ દિગ્ગજ ઇન્ટિરિયર ડિઝાઇનર કહે છે, “ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એટલે ક્લાયન્ટની જરૂરિયાત, ફેમિલી મેમ્બર્સ અને બજેટને સમજીને યોગ્ય વસ્તુ ‘પીરસવી’. બહારથી ગમે તેટલી સુંદર ડિઝાઇન હોય, જો તે ઘરમાં રહેનારને ૧૦૦% ‘કમ્ફર્ટ ઝોન’ ન આપે તો તે ડિઝાઇન નકામી છે. તેમાં સ્પેસ પ્લાનિંગ સૌથી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.”
૨૪ કલાકનું મેનેજમેન્ટ અને સમાજસેવા
એક સફળ પ્રોફેશનલ હોવાની સાથે IIID ના નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, રાજ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને અગ્રણી સમાજસેવક તરીકે હરેશભાઈ ફરજ બજાવે છે. ‘સમય નથી મળતો’ તેવી આજની પેઢીની ફરિયાદ પર તેઓ કહે છે, “કુદરતે બધાને ૨૪ કલાક જ આપ્યા છે, ફરક માત્ર મેનેજમેન્ટનો છે.” તેઓ ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ અને ખોડલધામ સંચાલિત એજ્યુકેશન વિંગ (SPCF) સાથે જોડાયેલા છે, જે માત્ર સેવા નથી, પણ તેમની આંતરિક શાંતિનો સ્ત્રોત છે. હરેશભાઈ માર્મિક રીતે કહે છે, “કોંક્રિટની ઇમારતોમાં જીવ પૂરવાનું કામ ડિઝાઇનર કરે છે, પરંતુ સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાનો લ્હાવો મેળવવો તે સંતોષ અને શાંતિનો અહેસાસ આપે છે.”
AI નો ભ્રમ અને ગ્રાઉન્ડ રિયાલિટી
આજકાલ ક્લાયન્ટ્સ Pinterest કે AI દ્વારા જનરેટ થયેલા ફોટા લઈને આવે છે અને માને છે કે આનાથી ડિઝાઇનરની ફી બચાવી શકશે. આ કોસ્ટ કટિંગની ગેરસમજને તોડતા દિશીત પરસાણા એકદમ સચોટ તર્ક આપે છે: “AI તમને હજારો 3D ઇમેજીસ આપી શકે છે, પરંતુ તેને વાસ્તવિકતામાં કઈ રીતે ઉતારવી? મટીરિયલનું સિલેક્શન, યોગ્ય સાઇઝિંગ અને સાઇટ પર કારીગરો-મિસ્ત્રી સાથે સંકલન—આ બધું AI ના વશની વાત નથી.” હરેશભાઈ આ વાતમાં અનુભવનો ઉમેરો કરતા કહે છે, “AI તમારા મગજના વિચારોને સ્ક્રીન પર લાવી શકે, પણ જો સાઇટ પર પરફેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન ન થાય તો એ ડિઝાઇન શૂન્ય સમાન છે.” દિશીત સ્પષ્ટ કરે છે કે, પરિવારની લાગણી સમજીને ઈમારતને સાચા અર્થમાં ‘ઘર’ તો એક ડિઝાઇનર જ બનાવી શકે છે.
સિટી-વાઇઝ ટ્રેન્ડ્સનું ગણિત
ગ્લોબલ ટ્રેન્ડ્સની આંધળી નકલ કરવાને બદલે દિશીત સિટી-વાઇઝ ટેસ્ટને મહત્વ આપે છે. તેઓ નોંધે છે કે, “વડોદરા અને અન્ય મેટ્રો સિટીઝમાં મિનિમલિઝમ (ઓછો ભભકો) વધુ પસંદ કરાય છે, જ્યારે રાજકોટના લોકોને થોડું ‘ભરચક’ અને જૅઝી (Jazzy) કામ ગમે છે. અમે જ્યારે મેટ્રો સિટીઝમાં કામ કરીએ છીએ ત્યારે તેમના આધુનિક ટેસ્ટ પ્રમાણે જ ડિઝાઇન સેટ કરવી પડતી હોય છે. એક ઇન્ટિરિયર ડિઝાઇનરનું કામ આ લોકલ કલ્ચર અને વ્યક્તિગત ટેસ્ટનું સંતુલન જાળવવાનું છે.”
ઇમારતોની સાથે ઉત્તમ સામાજિક મૂલ્યોનું નિર્માણ કરતા હરેશ પરસાણા અને ટેકનોલોજીને હ્યુમન-ટચ સાથે જોડતા દિશીત પરસાણાની આ સફર સાબિત કરે છે કે—સાચી સમૃદ્ધિ માત્ર આર્થિક સફળતામાં નહીં, પણ તમે સમાજને શું પરત આપો છો, તેમાં રહેલી છે.
નવી પેઢી માટે ‘માસ્ટરક્લાસ’ શિખામણ
શોર્ટકટથી સફળતા ઈચ્છતી નવી જનરેશન માટે આ બંને પેઢીનો સંદેશ સ્પષ્ટ છે: આધુનિક ટેકનોલોજી અને સ્પીડ આવકારદાયક છે, પરંતુ અનુભવે મળેલા પાયાના સિદ્ધાંતો (Fundamentals) અને સમર્પણ વગર લાંબી ઇનિંગ્સ રમી શકાતી નથી.





















Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ








Leave a Reply