જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે અને શરતભંગ થયું છે તેઓ હવે નિયમિતતા મેળવી શકશે
સરકારના નવા સુધારાથી જરૂરિયાતમંદોને હવે મળશે જમીન રેકોર્ડમાં નામ નોંધાવવાની તક
આજથી જમીન મહેસૂલ સુધારા અધિનિયમન-2025નો અમલ
ગુજરાત સરકારે 2025ના જમીન મહેસૂલ સુધારા અધિનિયમનો અમલ 22મી મે થી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, શરતભંગ અથવા કાયદાકીય મંજૂરી વિના થયેલા રહેણાક બાંધકામોને ચોક્કસ શરતો સાથે કાયદેસરતા મળશે. આનો ઉદ્દેશ સામાન્ય નાગરિકોને રાહત આપવાનો છે.
ગુજરાત વિધાનસભાના તાજેતરના બજેટ સત્ર દરમ્યાન પસાર થયેલા ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ, 2025ને રાજ્યપાલની મંજૂરી બાદ મહેસૂલ વિભાગે આ કાયદાના સુધારાઓને 22મી, મેના રોજથી રાજ્યમાં અમલમાં મૂકવા અંગે નોટિફેકશન જાહેર કર્યું છે. ગુજરાત સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાથી રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોના લોકો ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યાં છે. આવાં બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના હેતુ સાથે આ સુધારો કરવામાં આવ્યો હતો. જેનો હવે, અમલ શરૂ કરાશે. જોકે, જેમણે સરકારી જમીન પચાવી હોય, સરકારી ખરાબાની જમીન હોય કે સ્થાનિક સત્તા મંડળની જમીન પચાવી લીધી હોય અને તેના પર મકાન બાંધીને રહેતા હોય તેવા લોકોને આ સુધારાઓનો થતાં સુધારાનો લાભ મળવાપાત્ર નથી.

જે-તે સમયે કાયદાની અજ્ઞાનતાના કારણે જરૂરી હોય તેવી લેવાપાત્ર કાયદાકીય મંજૂરી લીધા વિના રહેણાકનાં બાંધકામો કરવામાં આવ્યા હતાં. જરુરિયાતમંદ લોકો દ્વારા આવા કાયદાકીય મંજૂરી વગરના મકાનો-બાંધકામોને, યોગ્ય અવેજ આપીને ખરીદ્યાં હતા અને તેનો રહેણાંકના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આથી હવે રાજ્ય સરકારે આવા મકાનોમાં રહેતા નાગરિકોના રહેઠાણને કાયદેસરતા આપવાની જરૂરિયાત અનુભવી હતી. જેને પૂરી કરવા માટે સરકારે આ જમીન મહેસુલ સુધારા કાયદાની સુધારેલી કલમો-જોગવાઈઓનો અમલ હવે, 22મી, મેથી શરુ કરવાનું નક્કી કર્યું છે. જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યુ છે, પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઇને કોઇ કારણોસર ચૂકી ગયા છે, પોતાની જમીનના પ્લોટ પાડીને કોઇએ વેચ્યા, તેના પર પ્લોટ લઇને મકાન બનાવ્યું, એ વ્યક્તિને ખ્યાલ નથી કે વેચનારે બિનખેતીની પરવાનગી લીધી નથી કે બીજી નિયમ અનુસારની પરવાનગીઓ લીધી નથી, અજાણતા શરત ભંગ થયો છે. કાયદાની જાણકારીના અભાવે શરત ભંગ થયો છે અથવા તો ઇરાદાપૂર્વક ન થઇ હોય તેવી ભૂલને કારણે તેમને સહન કરવું ન પડે તે આ કાયદાના સુધારાઓના અમલનો મૂળ હેતુ છે.
કાયદાના સુધારાના અમલથી કોને-કોને, ક્યા લાભ મળી શકશે ?
- લોકોની મિલકતોને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવી શકાશે
- પ્રજાજનોને બેન્કો પાસેથી સરળતાથી લોન મળી શકશે
- બિનખેતીની પરવાનગી લીધી ન હોય અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તો તેને બિનપરવાનગી માટે ગેરકાયદે ન ઠરાવવા માટે રક્ષણ મળશે
- બિનપરવાનગીની મિલકતના માલિકને સલામત અહેસાસ થતો ન હોવાના કારણે તેમાં એક મહેસૂલી રેકર્ડમાં એટલે કે પ્રોપર્ટીકાર્ડ મળવાથી સલામતી મળશે
- આ કાયદા સંબંધિત અર્થઘટનના પ્રશ્નો, લિટિગેશન અને વહીવટી ગૂંચવણો ઘટશે.
Leave a Reply