Sampatti Times Real Estate Newspaper

Advertisement

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2026: રાજકોટના ઇન્ડસ્ટ્રિયલ રિયલ એસ્ટેટ માટે સુવર્ણ તક

Gujarat Industrial Policy 2026: Golden opportunity for Rajkot's industrial real estate

● નવી પોલિસીથી રાજકોટમાં ઇન્ડસ્ટ્રિયલ જમીન અને ફેક્ટરી શેડની માંગ વધી શકે છે
● વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ અને વર્કર હાઉસિંગમાં નવા રોકાણની સંભાવના
● ઉદ્યોગો માટે વિવિધ પ્રકારની સબસિડી અને પ્રોત્સાહનો ઉપલબ્ધ થશે
● યોગ્ય લોકેશનની પસંદગી રોકાણમાં નિર્ણાયક પરિબળ બનશે
● ઇન્ડસ્ટ્રિયલ બ્રોકરની ભૂમિકા હવે એડવાઇઝર તરીકે વિકસવાની શક્યતા

“આવનારા સમયમાં સફળ ઇન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી ડીલની શરૂઆત ‘કઈ પ્રોપર્ટી ઉપલબ્ધ છે?’થી નહીં, પરંતુ ‘આ ઉદ્યોગ માટે સૌથી યોગ્ય લોકેશન કયું છે?’થી થશે.”
– નેવિલ સુબા (અર્બન સ્ક્વેર રિયલ્ટી એલએલપી, રાજકોટ)

રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ૨૦૨૬’ માત્ર ઔદ્યોગિક વિકાસ માટેની નીતિ નથી, પરંતુ રાજકોટના ઇન્ડસ્ટ્રિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે પણ નવી તકો લઈને આવી છે. આગામી પાંચ વર્ષ માટે અમલમાં આવેલી આ નીતિનો મુખ્ય ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ, આધુનિક ટેક્નોલોજી, ગ્રીન ઇન્ડસ્ટ્રી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો છે.


આ નીતિ રાજકોટના પ્રોપર્ટી માર્કેટમાં કેવું પરિવર્તન લાવશે તે અંગે ‘સંપત્તિ ટાઈમ્સ’ સાથેની ખાસ વાતચીતમાં રાજકોટના જાણીતા રિયલ એસ્ટેટ એક્સપર્ટ અને અર્બન સ્ક્વેર (કેશવ રિયાલિટી એલએલપી) ના નેવિલ સુબાએ પોતાના મહત્વપૂર્ણ મંતવ્યો રજૂ કર્યા હતા. તેઓ જણાવે છે કે નવી પોલિસીનો સૌથી મોટો પ્રભાવ ઔદ્યોગિક રિયલ એસ્ટેટમાં જોવા મળી શકે છે. રાજકોટ પહેલેથી જ એન્જિનિયરિંગ, મશીન ટૂલ્સ, ઓટો પાર્ટ્સ, કાસ્ટિંગ, ફોર્જિંગ, પંપ અને કૃષિ સાધન ઉદ્યોગો માટે ઓળખાય છે. નવા ઉદ્યોગો આવશે અથવા હાલના એકમો વિસ્તરણ કરશે તો તેમને જમીન, ફેક્ટરી શેડ, વેરહાઉસ, લોજિસ્ટિક્સ સુવિધા અને કર્મચારીઓ માટે રહેઠાણની જરૂર પડશે, જેનાથી પ્રોપર્ટી ક્ષેત્રમાં નવી માંગ ઊભી થઈ શકે છે.

રાજકોટ માટે શું છે નવું?

● રાજકોટ પહેલેથી જ એન્જિનિયરિંગ, મશીન ટૂલ્સ, ઓટો પાર્ટ્સ, કાસ્ટિંગ અને ફોર્જિંગ માટેનું એક અત્યંત મહત્વનું મેન્યુફેક્ચરિંગ હબ છે.
● જ્યારે નવા ઉદ્યોગો અહીં આવશે અથવા હયાત ઉદ્યોગોનું વિસ્તરણ થશે, ત્યારે ઔદ્યોગિક જમીન, તૈયાર ફેક્ટરી શેડ, વેરહાઉસ, લોજિસ્ટિક્સ અને કર્મચારીઓના રહેઠાણની માંગમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
● આજી, ભક્તિનગર, લોધિકા, કુવાડવા અને ગોંડલ જેવા વિસ્તારોમાં ચાર મુખ્ય સેગમેન્ટમાં માંગ વધશે: ૧) ઔદ્યોગિક જમીન, ૨) વેરહાઉસ, ૩) વર્કર હાઉસિંગ, અને ૪) કોમર્શિયલ પ્રોપર્ટી.
● ઔદ્યોગિક ઉત્પાદન વધવાની સાથે ઓફિસ, બેન્ક, રેસ્ટોરન્ટ અને હોટેલ જેવી સંલગ્ન સેવાઓની જરૂરિયાત પણ વધશે.

નવી પોલિસીની સૌથી મોટી વિશેષતા
‘સંપત્તિ ટાઈમ્સ’ સાથે વિસ્તૃત ચર્ચા કરતાં નેવિલ સુબા જણાવે છે કે, “નવી પોલિસીની સૌથી મોટી વિશેષતા તેમાં આપવામાં આવેલા ઉદ્યોગો માટેના આકર્ષક ઇન્સેન્ટિવ છે. પાત્રતા ધરાવતા ઉદ્યોગોને લાગુ પડતી શરતો મુજબ કેપિટલ સબસિડી, વ્યાજ સહાય અને પાવર ટેરિફ સંબંધિત સહાયના વિવિધ વિકલ્પોમાંથી યોગ્ય લાભ પસંદ કરવાની સ્વતંત્રતા મળશે.” આ દર્શાવે છે કે ઉદ્યોગકારો હવે માત્ર સસ્તી જમીન નહીં શોધે, પરંતુ વ્યૂહાત્મક રીતે યોગ્ય લોકેશન પસંદ કરશે જે રોકાણના નિર્ણયનો મહત્વનો ભાગ બનશે.

રાજકોટ જિલ્લાની વાત
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો નવી ઔદ્યોગિક પ્રોત્સાહન વ્યવસ્થામાં તાલુકાઓને અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમાં વિંછીયા અને જામકંડોરણા જેવા વિસ્તારોને વિશેષ પ્રોત્સાહન મળી શકે છે. આ ઉપરાંત રાજકોટ, લોધિકા, પડધરી, કોટડા સાંગાણી, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા જેવા તાલુકાઓમાં જમીનના ભાવ, રોડ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સને ધ્યાનમાં રાખીને મોટું રોકાણ આવી શકે છે.

બ્રોકર્સની ભૂમિકા અંગે નેવિલ સુબાનું વિઝન
આ તમામ બદલાવો વચ્ચે પ્રોપર્ટી બ્રોકર્સની પરંપરાગત કામગીરીનો અંત આવશે. ‘સંપત્તિ ટાઈમ્સ’ના પ્રતિનિધિ સાથે વાત આગળ વધારતા નેવિલ સુબા ઉમેરે છે કે, “આ જમીન ઉપલબ્ધ છે અને તેનો આટલો ભાવ છે, તેવું કહેવું હવે પૂરતું નહીં રહે. હવે બ્રોકરે ‘ઇન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી એડવાઇઝર’ બનવું પડશે અને ગ્રાહકને સમજાવવું પડશે કે તેમના ઉદ્યોગ માટે કયું લોકેશન શ્રેષ્ઠ છે અને કયા સરકારી ઇન્સેન્ટિવ તેમને લાગુ પડી શકે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *