● હૃદય મોટું થવું, અનિયમિત ધબકારા અને હાર્ટ ફેલ્યોરનું વધતું જોખમ… દારૂનો પ્રહાર હૃદય પર સીધો અને ઘાતક હોય છે
💡 જાણો…
હૃદય આપણા શરીરનું સૌથી મહત્વનું પંપ છે, જે સતત આખા શરીરમાં લોહી પહોંચાડે છે. પરંતુ નિયમિત અને વધુ પડતા દારૂના સેવનથી હૃદયના સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડે છે. આ સ્થિતિને તબીબી ભાષામાં આલ્કોહોલિક કાર્ડિયોમાયોપથી (Alcoholic cardiomyopathy) કહેવાય છે, જે હૃદયની લોહી પંપ કરવાની કાર્યક્ષમતા ઘટાડે છે.
🚨 ચેતવણી
“દારૂથી હૃદય ‘મોટું’ જરૂર થાય છે, પણ તે પ્રેમથી કે લાગણીઓથી નહીં, બીમારીથી થાય છે. તે તમારી ધડકનોની લય બગાડી શકે છે અને તમને ધીમે-ધીમે હાર્ટ ફેલ્યોર તરફ દોરી શકે છે.”
આજે જ નિર્ણય લો… તમારા હૃદયને બચાવો.
રાજકોટ: અગાઉના અંકોમાં આપણે જાણ્યું કે દારૂ સૌથી પહેલાં મગજની નિર્ણયશક્તિ પર હુમલો કરે છે અને ત્યારબાદ ચૂપચાપ લિવરને સિરોસિસ જેવી ગંભીર બીમારી સુધી ધકેલી દે છે. પરંતુ દારૂની આ ધીમી અને વિનાશક સફર માત્ર લિવર કે મગજ પૂરતી સીમિત નથી. છાતીમાં સતત ધબકતું અને જીવનનો પર્યાય ગણાતું આપણું હૃદય પણ દારૂની આ ઝેરી અસરોનો મોટો ભોગ બને છે. મોટાભાગના લોકો એવું જ માને છે કે દારૂ પીવાથી માત્ર લિવર બગડે છે, પણ વાસ્તવિકતા એ છે કે દારૂ હૃદયને અંદરથી ખોખલું કરી નાખે છે. દારૂ પીનારા અનેક લોકોને ખ્યાલ જ નથી હોતો કે તેમના હૃદયના સ્નાયુઓ કેટલા નબળા પડી રહ્યા છે. તો આવો, આ વખતે આપેલી માહિતી અને ચાર્ટના આધારે સમજીએ કે દારૂ આપણા હૃદય સાથે ખરેખર શું કરે છે.
● દારૂ હૃદય સાથે શું કરે છે?
જ્યારે દારૂ લોહીમાં ભળે છે, ત્યારે તે સીધી રીતે આપણી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ (રુધિરાભિસરણ તંત્ર) પર નકારાત્મક અસર કરે છે. લાંબા સમય સુધી દારૂ પીવાથી હૃદયના સ્નાયુઓ સુકાવા અને નબળા પડવા લાગે છે. આ નબળાઈના પરિણામે હૃદય મોટું અને નબળું બની જાય છે. જ્યારે હૃદય મોટું થાય છે, ત્યારે તે સામાન્ય અને સ્વસ્થ હૃદયની જેમ પૂરતા દબાણથી લોહીને શરીરમાં પંપ કરી શકતું નથી. આનાથી શરીરના અન્ય અંગોને ઓક્સિજનયુક્ત લોહી પૂરતા પ્રમાણમાં મળતું નથી.
● અનિયમિત ધબકારા અને હાર્ટ ફેલ્યોરનું જોખમ
દારૂ માત્ર સ્નાયુઓને જ નહીં, પરંતુ હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પણ ખોરવી નાખે છે. જેના કારણે વ્યક્તિના હૃદયના ધબકારા અનિયમિત બની જાય છે. ક્યારેક ધબકારા એકદમ વધી જાય છે (જેને તબીબી ભાષામાં એરિથમિયા કહે છે), તો ક્યારેક લય ચૂકી જાય છે. આ અનિયમિતતા ખૂબ જ જોખમી છે કારણ કે તે લોહીના ગંઠાવા (blood clots) અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધારી દે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે, દારૂના સતત સેવનથી મોટું અને નબળું પડેલું હૃદય આખરે હાર્ટ ફેલ્યોર (Heart failure) તરફ દોરી જાય છે. હાર્ટ ફેલ્યોર એટલે હૃદયનું એકાએક બંધ પડી જવું એવું નથી, પરંતુ હૃદય એટલું નબળું પડી ગયું હોય છે કે તે શરીરની જરૂરિયાત મુજબ લોહી પહોંચાડી શકતું નથી. આવા દર્દીઓને થોડું ચાલતા જ શ્વાસ ફૂલી જવો, સતત થાક લાગવો અને પગ કે પેટમાં પાણી ભરાવાને કારણે સોજા આવવા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
🧩 શું લિવર ફરી સ્વસ્થ બની શકે?
જો તમે સમયસર ચેતી જાવ અને દારૂનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દો, તો હૃદયને થતું વધુ નુકસાન ચોક્કસપણે અટકાવી શકાય છે. શરૂઆતના તબક્કામાં દારૂ છોડવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે અને હૃદયના સ્નાયુઓ ધીમે ધીમે મજબૂત બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ, જો હૃદયને ઘણું મોટું નુકસાન થઈ ગયું હોય કે હાર્ટ ફેલ્યોરની સ્થિતિ ગંભીર બની ગઈ હોય, તો તે નુકસાન કાયમી બની શકે છે અને દર્દીને આખી જિંદગી દવાઓ પર નિર્ભર રહેવું પડે છે.
તેથી, હૃદયને મજબૂત રાખવાનો અને હાર્ટ ફેલ્યોરના જોખમથી બચવાનો એકમાત્ર અને શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે આજે જ દારૂ છોડવાનો મક્કમ નિર્ણય લેવામાં આવે.











Leave a Reply